જેતપુરના નવાગઢમાં શંકર મંદિર સામે ભુવાવાડીમાં રહેતા વેપારી રીન્કેશકુમાર હરિભાઈ ભુવા(ઉ.વ.૩૮) એ જેતપુર ઉદ્યોગનગરમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગજાનંદ ટેક્સટાઇલ એજન્સીના માલિક મુકેશકુમાર અગ્રવાલ (ઉવ 38 રહે. બુરા બજાર,કોલકાતા), ગણપતિ સારી પેઢીના માલિક (કોલકાતા), ભગવતી એન્ટરપ્રાઇઝના મલિક (અરબિંદા રોડ, કોલકત્તા), આશીર્વાદ એન્ટરપ્રાઇઝ (ગોએન્કા સ્ટ્રીટ, કોલકાતા), માં વૈષ્ણવી ટેક્સટાઇલ- દેવઘર (દેવગઢ, પશ્ચિમ બંગાળ), એસ એસ ટ્રેડિંગ (હાવરા,પશ્ચિમ બંગાળ) અને મુન્ના ફેબ્રિક (કોલકત્તા, પશ્ચિમ બંગાળ)ના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમને રબારીકા રોડ ઉપર શ્રી ગોપાલ ટેક્સટાઇલ નામનું સાડી પ્રિન્ટિંગ કારખાનું આવેલુ છે. જે કારખાનાની માલિકી મારી પત્ની અંકિતાના નામે છે, જેણે પાવર ઓફ એટર્ની ફરિયાદીના નામે કરી આપી છે જેથી કારખાનાનો તમામ વહીવટ ફરિયાદી સંભાળે છે. ફરિયાદી કોલકાતાના વેપારીઓ સાથે ધંધો કરીએ છે. સાડીનો માલ કોલકાતામાં વેચાણ અર્થે મોકલે છે. ધંધામાં બ્રોકર થકી સાડીના નવા વેપારીઓ સાથે માલની લેતીદેતી થતી હોય છે. અગાઉ જેતપુરમાં વેપારીનો પરીચય દલાલ ગજાનંદ ટેક્સટાઇલ એજન્સીના માલિક મુકેશકુમાર અગ્રવાલ સાથે થયો હતો. બાદ મુકેશકુમાર કહેતો કે, હું કપડાને લગતી સંપૂર્ણ દલાલીનું કામ કરું છું, મારી પાસે ઘણા બધા કપડાના વેપારી છે, જેની પાસે હું તમારો માલ વેચાવી દઈશ અને 60 દિવસમાં તમારું પેમેન્ટ પણ અપાવી દઈશ તેમ વાત કરી વેપારીને વિશ્વાસમાં લીધા હતાં. બાદ મુકેશ કુમારના કહેવાથી ગણપતિ સારી નામની પેઢીમાં તા. 11 ઓગસ્ટ 2025 થી 1 નવેમ્બર 2025 સુધીમાં રૂ. 13,69,144 નો માલ મોકલેલ હતો. જે પૈકી રૂ. 3.81 લાખ કારખાનાના માલિકે મને ટ્રાન્સફર કરેલ હતા, જ્યારે રૂ.9,88,149 લેવાના બાકી નીકળતા હતા. ભગવતી એન્ટરપ્રાઇઝને રૂ. 2,39,400 નો માલ મોકલતા તા.13 જાન્યુઆરી 2026 ના રોજ આ પેઢી દ્વારા મારા ખાતામાં રૂ. 1,19,700 ટ્રાન્સફર કરવામાં આવેલ હતા. જ્યારે તેની પાસેથી વધુ રૂ.1,19,700 લેવાના બાકી નીકળે છે. આશીર્વાદ એન્ટરપ્રાઇઝને કટકે કટકે મોકલેલ રૂ. 17, 25,413 ના માલ પેટે મને રૂ. 7,90,386 કટકે કટકે આપ્યા હતા, જેથી આ પેઢી પાસે રૂ. 9,35,027 લેવાના બાકી નીકળે છે. વૈષ્ણવી ટેક્સટાઇલને મોકલેલ રૂ.4,73,760 ના માલ પેટે રૂ.1.80 લાખ મળી ગયેલ છે, જ્યારે વધુ રૂ.2,93,760 લેવાના બાકી નીકળે છે. એસ એસ ટ્રેડિંગને મોકલેલ રૂ. 4.41 લાખના માલ પેટે મને રૂ.60,000 મળેલ છે, જેથી વધુ રૂ. 3,81,700 લેવાના નીકળે છે. મુન્ના ફેબ્રિકને મોકલેલ રૂ.8,22, 730 ના માલ પેટે હજુ સુધી મને એક પણ રૂપિયો મળેલ નથી. જેથી મુકેશકુમાર અગ્રવાલના કહેવાથી અલગ અલગ છ પેઢીઓને રૂ. 50,71,452 નો માલ મોકલેલ હતો. જેના પેટે મને રૂ. 15,31,086 નું પેમેન્ટ મળેલ હતું જયારે વધુ રૂ. 35,40,366 લેવાના બાકી નીકળતા હોય મુકેશ અગ્રવાલને ફોન કરી વારંવાર પૈસાની ઉઘરાણી કરતા તેણે અવાર નવાર પૈસા ચૂકવવા ફક્ત મુદ્દતો આપી હતી. ત્યારબાદ મુન્ના ફેબ્રીક પેઢીમાં પૈસાની ઉઘરાણી અર્થે ફોન કરતા ત્યાંથી વધુ માલ મોકલો તો હું પૈસા ચૂકવીશ તેવું જણાવી દેવામાં આવ્યું હતું. જેથી આ બાબતે મુકેશ અગ્રવાલ સાથે વાત કરતા તેણે મને વોટ્સઅપ મારફતે બંધન બેંકના ચેકના ફોટો મોકલ્યા હતા. પરંતુ આજદીન સુધી કારખાનેદારને બાકી પેમેન્ટ ન મળતા ફરિયાદ નોંધાવી હતી.