1984માં કોંગ્રેસના નેતાને માર મારવાના ગુનામાં તેમને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. જે બાદ કુલદીપ શર્માએ સરેન્ડર ન કરતાં આજે ભુજ કોર્ટે ધરપકડ વોરન્ટ કાઢ્યું છે અને 15 દિવસમાં હાજર થવા આદેશ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, કુલદીપ શર્મા અગાઉ કચ્છમાં પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. આ કેસ 1984માં કચ્છ કોંગ્રેસના અગ્રણી ઇભલા શેઠને માર મારવા સંબંધિત છે. કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા બાદ પણ તેમણે સરેન્ડર ન કરતા ફરિયાદી પક્ષની અરજીને માન્ય રાખીને કોર્ટે આ ધરપકડ વોરન્ટ જારી કર્યું છે.
ફરિયાદી પક્ષના વકીલ આર.એસ. ગઢવીએ જણાવ્યું હતું કે, કુલદીપ શર્મા સામે માર મારવાના ગુનામાં દોષ સાબિત થતાં કોર્ટે સજાનો આદેશ કર્યો હતો. તેમણે સજા સામે આગોતરા જામીન અરજી કરી હતી, જે રદ કરવામાં આવી હતી.
સમયમર્યાદા 8 ઓક્ટોબરે પૂરી થઈ હતી
આરોપી પક્ષે 24 સપ્ટેમ્બરે હાઈકોર્ટમાં અપીલ કરવા માટે મુદ્દત માંગી હતી, જેની સમયમર્યાદા 8 ઓક્ટોબરે પૂરી થઈ ગઈ હતી. આ મુદ્દત પૂરી થતાં ફરિયાદી પક્ષે વાંધા અરજી રજૂ કરી હતી, જેને ભુજ સેસન્સ કોર્ટના ન્યાયાધીશ દિલીપ મહિડાએ મંજૂર રાખીને આરોપી સામે ધરપકડ વોરન્ટનો આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, કુલદીપ શર્માના ભાઈ પ્રદીપ શર્મા પણ કચ્છમાં કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને જમીન ફાળવણી કૌભાંડમાં જેલની સજા ભોગવી રહ્યા છે.
શું છે સમગ્ર મામલો?
કચ્છ કોંગ્રેસના અગ્રણી મરહૂમ ઇભલા શેઠને આજથી 40 વર્ષ પૂર્વે જિલ્લા પોલીસવડાની કચેરીમાં મુલાકાત વેળાએ તત્કાલીન પોલીસવડા કુલદીપ શર્માએ અપમાનિત કરી અપશબ્દ બોલીને સાથી અધિકારીને બોલાવી માર માર્યો હોવાની ફરિયાદ દાખલ થઈ હતી. આ કેસની સુનાવણી 9 ફેબ્રુઆરી 2025ના રોજ અંતિમ તબક્કે પહોંચી હતી અને 10 ફેબ્રુઆરી 2025ના રોજ ભુજ સેશન્સ કોર્ટમાં ચુકાદો આવ્યો હતો, જેમાં કુલદીપ શર્મા અને સાથી કર્મચારી ગિરીશ વસાવડા દોષી જાહેર થયા હતા. બંને ગુનેગારોને કોર્ટે ત્રણ માસની કેદ અને દંડ ફટકાર્યો હતો.