રાજકોટ મહાપાલિકાએ અમીનમાર્ગ કોર્નર સહિતના સાત ટીપી પ્લોટ વેંચીને ૩૬૦ કરોડની આવક કમાવાનો અંદાજ રાખ્યો હતો પરંતુ અમીન માર્ગ કોર્નરનો એક પ્લોટ ૧૦૬ કરોડમાં વેંચાયા બાદ અન્ય છ પ્લોટ માટે કોઈ ખરીદનાર નહીં આવતા આવકમાં ૨૬૦ કરોડનું ગાબડું પડ્યું છે જેથી ચાલુ વર્ષના બજેટમાં મોટી ખાધ પડશે તે નક્કી છે.
મહાનગરપાલિકા દ્વારા તીજોરી ભરવા માટે અલગ અલગ વિસ્તારમાં આવેલ સાત પ્લોટનુ વેંચાણ કરી ૩૬૦ કરોડની આવત ઉભી કરવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી.પ્લોટની ઓનલાઇન હરાજી કરવાની હોય પ્રથમ તમામ પ્લોટની અપસેટ પ્રાઇઝ નક્કી કરેલ તા.૨૧ અને તા.૨૭ના રોજ તબકકાવાર પ્લોટની હરાજીનો કાર્યક્રમ ગોઠવવામાં આવેલ જે પૈકી તા.૨૧ના રોજ ૧૫૦ ફૂટ રીંગરોડ અર્મીન માર્ગ કોર્નરના પ્લોટની હરાજી સંપન્ન થતા ૧૦૬ કરોડની આવક થઇ હતી. ત્યારબાદ બાકી રહેલ છ પ્લોટની ખરીદી માટે કોઇ ખરીદનારે ટેન્ડરમાં રસ ન લેતા હવે પ્લોટ વેંચાણની ફાઇલ હાલ પુરતી અભેરાય પર ચડાવી દીધી હોવાનુ જાણવા મળે છે.
મનપાના ટાઉનપ્લાનિંગ વિભાગના સુત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ ૩૬૦ કરોડના ૭ પ્લોટની વેંચાણ પ્રક્રિયા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ તા.૨૧ અને ૨૭ જાન્યુઆરીના રોજ ઓનલાઇન હરાજીનો કાર્યક્રમ ગોઠવવામાં આવેલ જે પૈકી અમીન માર્ગના કોર્નર ઉપર આવેલ સોનાની લગડી જેવા પ્લોટ માટે ચાર આસામીઓએ ઓનલાઇન હરાજીમાં ભાગ લીધેલ રૂા.બે લાખ પ્રતિચોરસ મીટર અપસેટ પ્રાઇજ સામે હરાજી દરમિયાન રૂા.૨.૨૭ લાખની બોલી ખરીદદાર દ્વારા લગાવી રૂા.૧૦૬ કરોડમાં પ્લોટ ખરીદ્યો હતો. ત્યારબાદ બાકી રહેલ છ પ્લોટની હરાજી થકી ૨૫૪ કરોડની આવક કરવાની તૈયારી શરૂ કરેલ પરંતુ બીજા તબક્કામાં યોજાનાર બાકી રહેલા પ્લોટ માટે કોઇ ખરીદારે ટેન્ડરમાં ભાગ ન લેતા હાલ પરંતુ પ્લોટની વેંચાણ પ્રક્રિયા અટકાવી દેવામાં આવી છે અને નવી સૂચના મળ્યા બાદ ફરી વખત ટેન્ડર સહિતની કાર્યવાહી શરૂ કરાશે તેમ જાણવા મળે છે.
મનપા દ્વારા તા.૨૧ના રોજ અમીન માર્ગના કોર્નર ઉપર આવેલ પ્લોટનુ વેચાણ અપસેટ પ્રાઇઝ કરતા વધુ રકમમાં કર્યુ છે અને આગામી દિવસોમાં રૈયા મેઇન રોડ પર સાવન સીગનેટ એપાર્ટમેન્ટની બાજુનો પ્લોટ તથા મહાત્મા ગાંધી ટાઉનશીપની બાજુમાં આવેલ પ્લોટ તથા એમસીજી હોસ્પિટલ રોડ ઉપર આવેલ પ્લોટ તથા પંચવટી સોસાયટીમાં આવેલ પ્લોટ તથા પૂનમ હોલ મોરબી રોડ પર આવેલ પ્લોટ અને ભકિત પાર્ક સાધુ વાસવાણી કુંજ રોડ પર આવેલ પ્લોટ સહિત છ પ્લોટનુ વેંચાણ કરવામાં આવશે. જેની કુલ અપસેટ પ્રાઇઝ ૨૫૪ કરોડ રાખવામાં આવી છે અને બે તબક્કામાં ઓનલાઇન હરાજીનો કાર્યક્રમ ગોઠવવામાં આવેલ જેમાં પ્રથમ તબક્કાના ત્રણ પ્લોટ પૈકી ફકત અર્મીનમાર્ગના પ્લોટ માટે ખરીદારોએ ટેન્ડરમાં ભાગ લીધેલ અને હવે પ્રથમ તબક્કાના ત્રણ પ્લોટ તથા બીજા તબક્કાના ત્રણ સહિત છ પ્લોટની હરાજી બાકી છે. જે હવે થઇ શકે તેમ નથી ટેન્ડરમાં કોઇ પાર્ટીએ રસ ન લેતા હાલ તમામ પ્રક્રિયા સ્થગીત કર્યાનું જાણવા મળેલ છે.