BREAKING NEWS

સુરતમાં ટેક્સટાઈલ વર્કર્સ વિફર્યા, પોલીસ પર પથ્થરમારો કરતા અફરાતફરી, પોલીસે લાઠીચાર્જ કર્યો, હેડ કોન્સ્ટેબલ ઘાયલ

  • August 17, 2026 06:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સુરત શહેરના અમરોલી વિસ્તારમાં ટેક્સટાઈલ અને એમ્બ્રોઈડરી ઉદ્યોગમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકો દ્વારા પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને કરવામાં આવેલું પ્રદર્શન હિંસક બની ગયું હતું. ગઈકાલે રવિવારે અમરોલીના વેદાંત ઈન્ડસ્ટ્રીઝ ચાર રસ્તા પાસે એકઠા થયેલા 500થી વધુ શ્રમિકોના ટોળાએ અચાનક પોલીસ કાફલા પર ભારે પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ હુમલામાં ફરજ પર તહેનાત એક હેડ કોન્સ્ટેબલના મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરિસ્થિતિ બેકાબૂ બનતા પોલીસે ટોળાને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો.


સોશિયલ મીડિયા પર વાઇરલ મેસેજ બાદ હડતાળનું આહ્વાન

અમરોલી પંથકમાં આવેલી એમ્બ્રોઇડરી, સાંઈ એમ્બ્રો, વેદાંત અને અંજની ઈન્ડસ્ટ્રીઝ જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં હજારોની સંખ્યામાં પરપ્રાંતીય કારીગરો રોજી-રોટી કમાય છે. છેલ્લા કેટલાક દિવસોથી શ્રમિકો દ્વારા પોતાના પગાર વધારા અને અન્ય હક્કો તથા માંગણીઓ સંતોષવા માટે સોશિયલ મીડિયા પર રવિવારે હડતાળ પાડવાનો મેસેજ વાઇરલ કરવામાં આવ્યો હતો. આ વાઇરલ મેસેજને પગલે કોઈ અપ્રિય ઘટના ન ઘટે તે માટે સાવચેતીના ભાગરૂપે અમરોલી અને જહાંગીરપુરા પોલીસ દ્વારા સમગ્ર ઔદ્યોગિક ઝોનમાં સઘન પેટ્રોલિંગ અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.


પોલીસે માઈક પર શાંતિની અપીલ કરી છતાં ઉશ્કેરાયેલા ટોળાએ હુમલો કર્યો

રવિવારે સવારે વેદાંત ઈન્ડસ્ટ્રીઝ ચાર રસ્તા પાસે અચાનક 500 જેટલા શ્રમિકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. ઘટનાસ્થળે હાજર ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ અધિકારીઓએ માઈક પર એનાઉન્સમેન્ટ કરીને શાંતિ જાળવવા અપીલ કરી હતી. પોલીસે કારીગરોને સમજાવ્યા હતા કે કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી વગર આ રીતે ગેરકાયદેસર રીતે ભેગા થવું કાયદાનો ભંગ છે, તેથી જો કોઈ રજૂઆત હોય તો શાંતિપૂર્ણ અને કાયદાકીય રીતે કરો. પરંતુ ઉશ્કેરાયેલા કારીગરોના ટોળાએ પોલીસની આ અપીલ ગણકારી ન હતી અને અચાનક ઉગ્ર બનીને પોલીસ વાહનો તથા ટીમ પર પથ્થરોનો મારો શરૂ કરી દીધો હતો.


પીસીબીના હેડ કોન્સ્ટેબલ ઘાયલ, પોલીસે લાઠીચાર્જ કરી સ્થિતિ કાબૂમાં લીધી

શ્રમિકો દ્વારા કરવામાં આવેલા આચાનક પથ્થરમારામાં ડીસીબી સાથે ફરજ બજાવતા પીસીબી શાખાના હેડ કોન્સ્ટેબલ અનુકુલકુમાર મદનમોહન દુબેના મોઢા પર પથ્થર વાગતાં તેઓ લોહીલુહાણ થઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક તેમને ઉંચકીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ઘટનાની ગંભીરતાને જોઈને એસઓજી (SOG), પીસીબી (PCB) અને આસપાસના પોલીસ સ્ટેશનોમાંથી વધારાનો પોલીસ કાફલો બોલાવી લેવાયો હતો. પોલીસે હિંસક બનેલા ટોળાને વિખેરવા માટે આકરો લાઠીચાર્જ કરીને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.


પૂર્વ આયોજિત કાવતરાનો ગુનો દાખલ, વીડિયોના આધારે તપાસ શરૂ

બનાવ અંગે અમરોલી પોલીસ સ્ટેશનના પીઆઈ જે.બી. વનારે જણાવ્યું હતું કે, સબ ઈન્સ્પેક્ટર આર.બી. ઝાલાની ફરિયાદના આધારે ગેરકાયદે મંડળી રચી, પૂર્વ આયોજિત કાવતરું ઘડી ફરજ પરના પોલીસ અધિકારીઓ પર જીવલેણ હુમલો કરવા બદલ રાયોટીંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ, વાઇરલ થયેલા વીડિયો અને મોબાઈલ રેકોર્ડિંગના આધારે પથ્થરમારો કરનારા મુખ્ય સૂત્રધારો તથા અસામાજિક તત્વોની ઓળખ કરીને તેમની અટકાયત કરવાની કામગીરી તેજ કરી દેવામાં આવી છે.


શ્રમ વિભાગ સાથે બેઠકની ખાતરી બાદ શ્રમિકો શાંત પડ્યા

બીજી તરફ, અમરોલી પોલીસ સ્ટેશન ખાતે શ્રમિકોના પ્રતિનિધિઓ અને પોલીસ અધિકારીઓ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં શ્રમિકોએ પોતાની મુખ્ય માંગણીઓની યાદી પોલીસને સોંપી હતી. પોલીસ તંત્રે આ માંગણીઓની લેખિત નોંધ લઈને લેબર ઓફિસર (શ્રમ કમિશનર) સમક્ષ શ્રમિકોનો પક્ષ રજૂ કરાવી મધ્યસ્થી કરાવવાની ખાતરી આપી હતી. મંગળવારે શ્રમ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાશે. જો મંગળવારે લેબર ડિપાર્ટમેન્ટ સમક્ષ યોગ્ય ઉકેલ નહીં આવે તો કારીગરોએ ફરીથી એકઠા થઈને શાંતિપૂર્ણ રીતે વિરોધ દર્શાવવાની વાત કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News