BREAKING NEWS

કર્મચારીઓ માટે મોટા સમાચાર: કંપનીઓ AI ના બહાને હવે નોકરીમાંથી નહીં કાઢી શકે; ચીનની કોર્ટનો ઐતિહાસિક ફેંસલો

  • May 01, 2026 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટેક સેક્ટરમાં ઓટોમેશનના વધતા જતા પ્રભાવ વચ્ચે ચીનની હાંગઝોઉ ઇન્ટરમીડિયેટ પીપલ્સ કોર્ટે આ મહત્વનો ચુકાદો આપ્યો છે. અદાલતે ટેક કંપની દ્વારા કર્મચારીને નોકરીમાંથી છૂટા કરવાના પગલાને 'ગેરકાયદેસર' ગણાવ્યું છે.


શું હતો સમગ્ર મામલો?
આ વિવાદ 'ઝોઉ' નામના એક કર્મચારી સાથે જોડાયેલો છે, જેણે 2022 માં એક AI કંપનીમાં ક્વોલિટી એશ્યોરન્સ સુપરવાઈઝર તરીકે કામ શરૂ કર્યું હતું. તેને દર મહિને 25,000 યુઆન પગાર મળતો હતો અને તેનું કામ લાર્જ લેંગ્વેજ મોડલ્સના આઉટપુટની સમીક્ષા કરવાનું તેમજ અયોગ્ય સામગ્રીને ફિલ્ટર કરવાનું હતું. કંપનીએ ધીમે-ધીમે તેના કામ માટે AI નો ઉપયોગ શરૂ કર્યો અને ઝોઉનો પગાર ઘટાડીને 15,000 યુઆન કરી દીધો. જ્યારે ઝોઉએ નીચા સ્તરની ભૂમિકા અને પગાર કાપનો વિરોધ કર્યો, ત્યારે કંપનીએ 'પુનર્ગઠન' નું બહાનું ધરીને તેને નોકરીમાંથી કાઢી મૂક્યો.


કોર્ટનો કડક વલણ અને ચુકાદો

ઝોઉએ આ અન્યાય સામે લડત આપી અને મામલો આખરે કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે આ કેસમાં મહત્વના અવલોકનો કર્યા હતા. જેમાં અદાલતે કંપનીના આ પગલાને ગેરકાયદેસર ગણાવ્યું અને ઝોઉના વળતરના દાવાને સમર્થન આપ્યું. આ ફેંસલો આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ (1 મે) પહેલા જાહેર કરવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે ટેકનોલોજીના યુગમાં પણ કર્મચારીઓના મૂળભૂત અધિકારો સર્વોપરી છે. કંપનીઓ માત્ર પૈસા બચાવવા કે કોસ્ટ કટિંગના નામે માનવ શ્રમને AI થી રિપ્લેસ કરીને કાયદાકીય છટકબારી શોધી શકશે નહીં.


વૈશ્વિક સ્તરે અસર
સમગ્ર વિશ્વમાં જ્યારે મોટી ટેક કંપનીઓ એડવાન્સ ટેકનોલોજીના નામે કર્મચારીઓની છટણી કરી રહી છે, ત્યારે ચીનની અદાલતનો આ નિર્ણય શ્રમિકોના અધિકારો માટે એક નવી મિસાલ કાયમ કરે છે. આ ચુકાદાથી ભવિષ્યમાં AI અને માનવ રોજગારી વચ્ચે સંતુલન જાળવવામાં મદદ મળશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application