વીરપુર પોલીસ મથકના સ્ટાફે વીરપુર નજીક હોટલ પાસે બાયોડીઝલના વેપલાનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે અહીંથી 3100 લીટર બાયોડીઝલ તેના સ્ટોરેજની ટાંકી અને બોલેરો તથા બે ટ્રક સહિત કુલ રૂપિયા 27.67 લાખના મુદ્દામાલ સાથે ચાર શખસોને ઝડપી લીધા હતા. બાયોડીઝલ વેચાણ માટે કોઈ ચોક્કસ જગ્યા નક્કી ન હતી પરંતુ ટ્રક ચાલકો સાથે કોઈ એક સ્થળ નક્કી કરી લેવામાં આવતું હતું અને બોલેરોમાં બનાવેલી ટાંકીમાં બાયોડીઝલનો જથ્થો ભરી અહીં ટ્રક ચાલકને સપ્લાય કરવામાં આવતો હતો. આ કારસ્તાનમાં અન્ય બે શખસો પણ સામેલ જેને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ રેન્જ આઈ.જી અશોકકુમાર યાદવ રાજકોટ જિલ્લા પોલીસવડા હિમકરસિંહની સૂચના હેઠળ જેતપુર ડીવાયએસપી રોહિતસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ ભેળસેળયુક્ત જવલનશીલ પેટ્રોલિયમ પ્રવાહીનું ગેરકાયદે વેચાણ અટકાવવા અને આવી પ્રવૃત્તિ અટકાવવા માટે વીરપુર પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.જી.રાઠોડની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ ચાવડા,ગીરીશભાઈ બગડાને મળેલી બાતમીના આધારે અંકુર હોટલ પાછળ ચાલી રહેલા બાયોડીઝલના વેપલાનો પર્દાફાશ કર્યો હતો.
વીરપુર પોલીસે દરોડા દરમિયાન અહીંથી 3,100 લીટર જ્વેલન્સીલ પ્રવાહીનો જથ્થો તેને સ્ટોરેજ કરવા માટેની લોખંડની બે ટાંકી, ડિસ્પેન્સર મશીન તથા બોલેરો અને બે ટ્રક સહિત કુલ રૂપિયા 27,67,100 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે અહીંથી કમલેશ દિનેશભાઈ વાંક (રહે. રબારીકા મેવાસા રોડ, જેતપુર) જયવંત જીવકુભાઈ હુદડ (રહે. જેતલસર), સુલતાન મોહમ્મદભાઈ લાખાણી (રહે. નવાગઢ) અને ઈમ્તિયાઝ ઈબ્રાહીમભાઇ તરકવાડીયા (રહે. ભાવનગર) ને ઝડપી લીધા હતા.
પોલીસે જણાવ્યું હતું કે, રબારીકાનો કમલેશ ગેરકાયદે બાયોડીઝલનો આ વેપલો ચલાવતો હતો તે અહીં બોલેરોમાં ટાંકીમાં બાયોડીઝલનો જથ્થો ભરી ટ્રક ચાલક સાથે વાતચીત કર્યા બાદ ચોક્કસ જગ્યાએ બાયો ડીઝલનો આ જથ્થો પૂરો પાડવા માટે જતો હતો. જ્યારે પકડાયેલા અન્ય શખસોમાં જયવંત બોલેરો ચાલક છે તેમજ સુલતાન અને ઈમ્તિયાઝ ટ્રક ચાલક છે. પોલીસ તપાસમાં બાયોડીઝલના આ વેપલામાં કમલેશનો ભાગીદાર જેતલસરનો જસકુ જીતુભાઈ હુદળ હોવાનું સામે આવ્યું હતું તેમજ બાયોડીઝલનો આ જથ્થો ધર્મેશ લક્ષ્મણભાઈ ઠુંમર પાસેથી લાવતા હોવાની માહિતી સામે આવતા પોલીસે જસકુ અને ધર્મેશને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. ઝડપાયેલ આરોપીમાં જયવંત અગાઉ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં પોલીસ ચોકલેટ ચડી ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે.