BREAKING NEWS

ગુજરાતમાં ગૌશાળા, પાંજરાપોળ સહિતની 70 સંસ્થાઓમાં બાયોગેસ પ્લાન્ટ સ્થપાશે

  • February 18, 2026 05:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકારે પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસને પ્રાથમિકતા આપતાં ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ રૂ.૪૨૯ કરોડની જોગવાઈ જાહેર કરી છે. રાજ્યએ ક્લાઇમેટ એક્શન ક્ષેત્રે નવી પહેલ કરતાં ‘ક્લાઇમેટ એક્શન ટ્રેકર પોર્ટલ’ લોન્ચ કરીને દેશનું એવું પ્રથમ રાજ્ય બનવાનું ગૌરવ મેળવ્યું છે, જે જિલ્લામાં સ્તરે ક્લાઇમેટ સૂચકાંકો સંબંધિત માહિતી જાહેરરૂપે પ્રદર્શિત કરે છે. આ પોર્ટલ દ્વારા હવા ગુણવત્તા, કાર્બન ઉત્સર્જન, ઊર્જા ઉપયોગ અને પર્યાવરણીય પરિમાણો અંગે પારદર્શક માહિતી ઉપલબ્ધ થશે.


સરકારે સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે સરકારી કચેરીઓની છત પર સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપવા રૂ.૨૭૮ કરોડની જોગવાઈ કરી છે. આથી પરંપરાગત વીજળી પરનો ભાર ઘટશે અને કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો થશે. સાથે જ સરકારી ઇમારતો પર સ્થાપિત સોલર રૂફટોપ, વિન્ડ અથવા હાઈબ્રિડ સિસ્ટમ માટે આઇઓટી આધારિત મોનિટરિંગ વ્યવસ્થા ઉભી કરવાની પણ યોજના છે, જેથી ઊર્જા ઉત્પાદન અને ઉપયોગ પર રિયલ-ટાઈમ નજર રાખી શકાય.


પર્યાવરણમૈત્રી પરિવહનને પ્રોત્સાહિત કરવા બેટરી સંચાલિત દ્વિચક્રી અને ત્રિચક્રી વાહનોની ખરીદી પર સબસિડી આપવા રૂ.૧૬ કરોડ ફાળવાયા છે. આ પગલાંથી પ્રદૂષણમાં ઘટાડો અને ઇલેક્ટ્રિક વાહનોનો વ્યાપ વધારવાનો સરકારનો હેતુ છે. ગ્રામીણ અને સામાજિક સંસ્થાઓમાં ગ્રીન ઊર્જાના પ્રસાર માટે ગૌશાળાઓ, પાંજરાપોળ, શૈક્ષણિક સંસ્થાઓ અને ટ્રસ્ટ સહિત આશરે ૭૦ સંસ્થાઓમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા રૂ.૧૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શાળાના વિદ્યાર્થીઓમાં પર્યાવરણ જાગૃતિ વધારવા ‘ક્લાઇમેટ એક્સપેરીમેન્ટલ લર્નિંગ મોડ્યુલ’ દ્વારા મિશન લાઈફ પ્રવૃત્તિઓ માટે રૂ.૯ કરોડ ફાળવાયા છે.


આ ઉપરાંત ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા હસ્તકના સ્મશાનગૃહોમાં ૧૨૦૦ સ્મશાન ભઠ્ઠીઓ બેસાડવા રૂ.૭ કરોડની જોગવાઈ કરાઈ છે, જેથી પર્યાવરણને ઓછું નુકસાન થાય. ગુજરાતમાં ગ્રીન સ્ટાર્ટઅપ એક્સિલરેશન પ્રવૃત્તિઓને વેગ આપવા રૂ.પાંચ કરોડ ફાળવાયા છે. રાજ્ય સરકારનો દાવો છે કે આ તમામ પહેલોથી ગુજરાત ક્લાઇમેટ એક્શન ક્ષેત્રે દેશને દિશા આપનાર રાજ્ય તરીકે આગળ વધશે અને ટકાઉ વિકાસના લક્ષ્યો હાંસલ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application