ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના અંગુથલા ગામની સીમમાંથી થોડા દિવસો અગાઉ એક નવજાત બાળકી બિનવારસી હાલતમાં મળી આવી હતી, જેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ મામલે દેહેગામ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતાં એક અત્યંત ચોંકાવનારો અને કાળજું કંપાવનારો ઘટસ્ફોટ થયો છે. પરણિત જનેતાએ જ પોતાના પરણિત પ્રેમી સાથે મળીને અવૈધ સંબંધોથી જન્મેલી પોતાની જ માસૂમ બાળકીનું ગળું દબાવીને નિર્દયતાપૂર્વક હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આઘાતજનક બાબત એ છે કે બદનામીના ડરે આ પાપ આચરવામાં આવ્યું હતું, જેના પગલે પોલીસે પ્રેમી યુગલની ધરપકડ કરીને કાયદેસરની સઘન કાર્યવાહી હાથ ધરી છે.
ચાર વર્ષ પહેલા બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ પ્રકરણમાં પકડાયેલા આરોપીઓ પૈકી 21 વર્ષીય યુવતી કલ્પા અને 32 વર્ષીય પ્રેમી કાળાજી સોલંકી બંને પરણિત છે. યુવતીને પોતાના પતિ સાથે મનમેળ ન હોવાથી તે છેલ્લા દોઢેક વર્ષથી પોતાના પિયરમાં માતા-પિતા સાથે રહેતી હતી, જ્યારે કાળાજી પણ પોતાની પત્નીથી અલગ રહેતો હતો. અંદાજે ચાર વર્ષ પહેલાં આ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. આ સંબંધો દરમિયાન અગાઉ બે વખત યુવતીને ગર્ભ રહી ગયો હતો, જેનો બંનેએ સાથે મળીને ગર્ભપાત દ્વારા નિકાલ કરાવી નાખ્યો હતો. પરંતુ ત્રીજી વખત જ્યારે ગર્ભ રહ્યો ત્યારે સમયસર ખ્યાલ ન આવવાથી યુવતીએ નવજાત બાળકીને જન્મ આપ્યો હતો અને ત્યારબાદ તેનું ગળું દબાવીને તેને સીમમાં ફેંકી દીધી હતી.
માસૂમનું કરૂણ મોત નીપજ્યું
ઘટનાની વિગતો મુજબ, ગત 14 નવેમ્બરે સવારે અંગુથલા ગામના રામાજીના મુવાડા ખાતે રહેતા અને ખેતીકામ કરતા શશાંક હિમ્મતસિંહ સોલંકી પોતાના ઘર પાછળના ગોચરમાં ગયા હતા. તે દરમિયાન ત્યાંથી બાળકના રડવાનો સતત અવાજ આવતા તેમણે તપાસ કરી હતી, જ્યાં એક ખાડાની અંદર નવજાત શિશુ ત્યજી દીધેલી હાલતમાં મળી આવ્યું હતું. સ્થાનિક ખેડૂતે તુરંત જ ગામના સરપંચ જીતેન્દ્રસિંહ ઝાલાને જાણ કરતા સરપંચે 108 એમ્બ્યુલન્સ બોલાવીને બાળકીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી હતી. પ્રાથમિક સારવાર બાદ બાળકીને વધુ સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના એનઆઈસીયુ (NICU) વિભાગમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં સાંજે સાતેક વાગ્યાના અરસામાં માસૂમનું કરૂણ મોત નીપજ્યું હતું.
જાણીને પોલીસ પણ હચમચી ગઈ
આ મામલે દેહેગામ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ દ્વારા મૃત બાળકીનું પેનલ ડોક્ટરો પાસે પોસ્ટમોર્ટમ કરાવવામાં આવતા બાળકીનું મોત ગળું દબાવવાથી થયાનો સનસનાટીભરી ખુલાસો થયો હતો. જેના પગલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ તપાસ દરમિયાન બાતમી મળી હતી કે અંગુથલા ગામના પરા વિસ્તારમાં રહેતી 21 વર્ષીય પરણિત યુવતી કલ્પાએ ગામના જ 32 વર્ષીય પરણિત પ્રેમી કાળાજી સોલંકી સાથે મળીને આ હત્યાકાંડને અંજામ આપ્યો છે. પોલીસે બંનેની અટકાયત કરી કડકાઈથી પૂછપરછ કરતાં સમગ્ર સિલસિલાબંધ હકીકત બહાર આવી હતી, જેને જાણીને પોલીસ પણ હચમચી ગઈ હતી.
અગાઉ બે વખત ગર્ભનો નિકાલ કર્યા બાદ ત્રીજી વખત પણ યુવતીને ગર્ભ રહી ગયો
પૂછપરછમાં ખુલાસો થયો હતો કે અગાઉ બે વખત ગર્ભનો નિકાલ કર્યા બાદ ત્રીજી વખત પણ યુવતીને ગર્ભ રહી ગયો હતો, પરંતુ જ્યારે ખબર પડી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. ગર્ભનો નિકાલ કરવા માટે પ્રેમીએ દવાઓ પણ ખવડાવી હતી, પરંતુ તેમ છતાં ગર્ભ નિકાલ થઈ શક્યો ન હતો. કોઈ ડૉક્ટર પાસે જવાથી ભાંડો ફૂટી જશે તેવા ડરથી યુવતીએ પેટમાં દુખાવાનું બહાનું ધરીને પરિવારજનોને પણ અંધારામાં રાખ્યા હતા. આ તરફ પ્રસૂતિનો સમય નજીક આવતા બંનેએ અગાઉથી જ યોજના બનાવી રાખી હતી.
નિષ્ઠુર જનેતાએ ઠંડા કલેજે પોતાની જ માસૂમ પુત્રીનું ગળું દબાવીને તેનો અવાજ સદંતર શમાવી દીધો
ગત 14 નવેમ્બરની મધરાતે પ્રસૂતિની પીડા ઉપડતા કલ્પા કુદરતી હાજતે જવાનું કહીને ઘરની બહાર નીકળી ગઈ હતી અને ગામની સીમના ગોચરમાં જઈને બાળકીને જન્મ આપ્યો હતો. તે સમયે પ્રેમી કાળાજી પણ ત્યાં જ હાજર હતો. રાત્રિની નીરવ શાંતિમાં નવજાત બાળકીએ જન્મ લેતા જ રડવાનું શરૂ કર્યું હતું, જેના કારણે પોતાનું પાપ છાપરે ચડીને પોકારશે અને સમાજમાં બદનામી થશે તેવા ડરથી આ નિષ્ઠુર જનેતાએ ઠંડા કલેજે પોતાની જ માસૂમ પુત્રીનું ગળું દબાવીને તેનો અવાજ સદંતર શમાવી દીધો હતો. ત્યારબાદ બંનેએ બાળકી મરી ગઈ હોવાનું માનીને તેને ત્યાં જ ખાડામાં ત્યજી દીધી હતી અને ઘરે જતા રહ્યા હતા. સદભાગ્યે ખેડૂતને બાળકી જીવિત મળી હોવા છતાં ગળા પરના ઘા અને શ્વાસ રૂંધાવાના કારણે તેનું મોત થયું હતું. હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.