રાજકોટ નજીકના બેડી ગામની સીમમાં નેસવડા પીર બાપુની દરગાહ પાસેના તળાવમાં રવિવારે બપોરે બાળકી, બે સગા ભાઇઓ સહિત ત્રણ બાળકો અને એક યુવાનનું ડૂબી જતાં મોત નિપજ્યું હતું. બનાવને લઇ મુસ્લિમ પરિવારમાં માતમ છવાય ગયો હતો.
૧૫૦ ફૂટ રીંગરોડ પર ખોડીયાનગરમાં રહેતા પરિવારના બાળકનો જન્મદિવસ હોય જેથી પરિવાર રોણકી ગામે ફઇના ઘરે ગયા હતાં. ત્યાંથી પરિવારના સભ્યો દરગાહે સલામ ભરવા જતા આ કરૂણતા સર્જાઇ હતી. છ વર્ષનો બાળક તળાવમાં ડૂબવા લાગ્યા બાદ તેને બચાવવા જતાં બીજા બે બાળકો અને યુવાને જીવ ગુમાવ્યો હતો.
આ આઘાતજનક બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ નજીકના રોણકી ગામથી મુસ્લિમ પરિવારના ૧૫ જેટલા સભ્યો જુદા-જુદા વાહનોમાં બેડી ગામની સીમમાં નેસવડા પીર બાપુની દરગાહે સલામ ભરવા માટે ગયા હતા. દરમિયાન પાંચ વર્ષનો સેફાન સાજીદભાઇ અભેસરા (ઉ.વ.૬) કોઇપણ રીતે નજીકના તળાવમાં પડી જતાં ડૂબવા લાગ્યો હતો. જેને કારણે દેકારો મચી જતાં સેફાનનો ભાઇ સોહાન (ઉ.વ.૧૧) અને અલીફા અકરમભાઇ સોરા (ઉ.વ.૯) સેફાનને બચાવવા તળાવમાં ખાબક્યા હતા. જેથી આ બંને પણ ડૂબવા લાગતા ત્રણેય બાળકોને બચાવવા તેમના બે કૌટુંબિક કાકા સાહીલ જમાલભાઇ અભેસરા (ઉ.વ.૨૦) ઉપરાંત તેનો ભાઇ રીયાઝ (ઉ.વ.૨૩) તળાવમાં કૂદી પડયા હતા. જેમાંથી સાહીલ પણ ડૂબવા લાગ્યો હતો.
કોઇપણ રીતે રીયાઝ તળાવમાંથી બહાર નીકળી ગયા બાદ પરિવારના સભ્યોએ ભેગા મળી સોહાન, તેના ભાઇ સેફાન અને અલીફા ઉપરાંત સાહીલને બહાર કાઢી સિવિલ અને જનાનામાં હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં તબીબોએ ચારેયને મૃત જાહેર કરતા પરિવારજનોના હૈયાફાટ રૂદનથી વાતાવરણ શોકમય બની ગયું હતું.
ભોગ બનનાર સાહિલ અને અલીફા નામની બાળકી રોણકી ગામમાં રહે છે. જ્યારે સેફાન અને સોહાન નામના સગા બંને સગા ભાઇઓ પુનિતનગરના ટાંકા પાસે ખોડીયારનગરમાં રહે છે. આ કરૂણ બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસનો સ્ટાફ સ્થળ પર અને હોસ્પિટલ દોડી ગયો હતો. ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ પણ હોસ્પિટલ દોડી ગયા હતા. કુવાડવા રોડ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી હતી.
જન્મદિવસે જ છ વર્ષના સેફાન તેના ભાઇના મૃત્યુથી પરિવાર શોકાતુર
૧૫૦ ફૂટ રીંગરોડ પર ખોડીયારનગરમાં રહેતા પરિવારના છ વર્ષના સોફાનનો ગઇકાલે જન્મદિવસ હતો. રવિવારની રજા પણ હોવાથી તે અને તેનો ભાઇ સોહાન સહિતના પરિવારજનો રોણકી ગામે રહેતા ફઇને ત્યાં ગયા હતા. જ્યાંથી પરિવારના પંદરેક સભ્યો રિક્ષા સહિતના વાહનોમાં બેડી નજીકની દરગાહે સલામ ભરવા ગયા હતા. દરમિયાન આ ઘટના બની હતી.
બે પુત્રોને ગુમાવનાર સાજીદભાઇની તબીયત લથડી
સોહાન અને સેફાનના પિતા સાજીદભાઇ અભેસરા ઘર નજીક ખોડીયારપરામાં પાનની દુકાન ધરાવે છે. તેના બંને પુત્રોનો આ ઘટનામાં ભોગ લેવાતા તેમની તબિયત લથડી હતી. ભોગ બનનાર સાહીલ રિક્ષા ચલાવે છે. આ ઘટનામાં તેના મોટાભાઇ રીયાઝનો ચમત્કારિક બચાવ થયો હતો. ભોગ બનનાર ૯ વર્ષની બાળકી અલીફા ધો.૪માં અભ્યાસ કરતી હતી. તે તેના માતા-પિતાની એકલૌતી પુત્રી હતી.
યુવાને બાળકોને બચાવવા મરણીયા પ્રયાસ કર્યા: બથ ભરેલી હાલતમાં મૃતદેહ મળ્યો
પરિવારના સભ્યોએ જ્યારે ડૂબી ગયેલા ચારેયને બહાર કાઢ્યા ત્યારે સાહિલ બાકીના ત્રણેય બાળકોને બથ ભરેલી હાલતમાં મળી આવ્યો હતો. જેના પરથી સ્પષ્ટ થયું હતું કે, તેણે આ ત્રણેક બાળકોને બચાવવા માટે જાનની બાજી ખેલી મરણીયા પ્રયાસ કર્યા હતાં. પરંતુ કમનસીબે સફળતા મળી ન હતી. ત્રણેય બાળકો અને સાહિલને તળાવમાંથી બહાર કાઢ્યા બાદ પરિવારના સભ્યોએ તેમના હાર્ટમાં પમ્પિંગ કર્યું હતું. પરંતુ આમ છતાં જીવ બચ્યા ન હતા.