જામનગર: લાલપુરના શ્રી વિદ્યાદીપ શૈક્ષણિક સંકુલમાં ટીબી જાગૃતિ કાર્યક્રમ યોજાયો: NSS ના ૧૪ સ્વયંસેવકો બન્યા 'નિ-ક્ષય મિત્ર'
દેશને ટીબી મુક્ત બનાવવાના અભિયાન અંતર્ગત યુવાઓમાં આરોગ્ય જાગૃતિ લાવવા અને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવા અનોખી પહેલ
જામનગર તા.૧૭, લાલપુર તાલુકાની શ્રી વિદ્યાદીપ શૈક્ષણિક સંકુલ શાળા ખાતે નેશનલ સર્વિસ સ્કીમ-એન.એસ.એસ. ના વિદ્યાર્થીઓ માટે ટીબી રોગ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશને ટીબી મુક્ત કરવાના રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાના ૧૪ NSS સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક આગળ આવી ટીબી દર્દીઓની સહાય માટે 'નિ-ક્ષય મિત્ર' તરીકે નોંધણી કરાવી સમાજ સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે આરોગ્ય ટીમ દ્વારા ટીબીના લક્ષણો, નિદાન અને સારવાર અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જો કોઈ વ્યક્તિને સતત બે અઠવાડિયાથી વધુ સમય સુધી ખાંસી રહેવી, ગળફામાં લોહી આવવું, ભૂખ ન લાગવી, સતત વજન ઘટવું કે સાંજના સમયે ઝીણો તાવ આવવો અને રાત્રે પરસેવો વળવો જેવા લક્ષણો જણાય તો તુરંત નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ. ટીબીના વહેલા નિદાન માટે સરકારી આરોગ્ય કેન્દ્રો પર છાતીનો એક્સ-રે, ગળફાની તપાસ તેમજ અત્યાધુનિક સીબીનાટ મશીન દ્વારા સચોટ ટેસ્ટ તદ્દન મફત કરી આપવામાં આવે છે. ટીબી ચેપી રોગ હોવા છતાં યોગ્ય સારવારથી સંપૂર્ણપણે મટી શકે છે, અને સરકારી હોસ્પિટલોમાં 'ડોટ્સ' પદ્ધતિ હેઠળ તેની તમામ દવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, 'નિ-ક્ષય પોષણ યોજના' હેઠળ ટીબીના દર્દીઓના પૌષ્ટિક આહાર માટે અપાતી નાણાકીય સહાય હવે દર મહિને રૂ. ૫૦૦ થી વધારીને રૂ. ૧,૦૦૦ કરવામાં આવી છે, જે સીધી દર્દીના બેંક ખાતામાં જમા થાય છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ પણ જો આરોગ્ય વિભાગમાં નોંધણી કરાવે તો તેઓને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહે છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારી ડો. પંકજકુમાર સિંઘ તથા લાલપુર તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર ડો. પી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ જિલ્લા PPM ચિરાગ પરમાર અને લાલપુર ICTC ના કાઉન્સેલર ધર્મેશભાઈએ સમાજમાંથી ટીબી પ્રત્યેનો ડર અને સામાજિક દૂષણો દૂર કરવા ભાર મૂક્યો હતો. કાર્યક્રમના અંતે NSS ના સ્વયંસેવકોએ પોતાના ગામ અને વિસ્તારમાં લોકોને વહેલી તકે નિદાન અને પૂર્ણ સારવાર લેવા માટે પ્રેરિત કરવાનો દ્રઢ સંકલ્પ લીધો હતો. આ સેમિનારને સફળ બનાવવા શાળાના આચાર્ય બીનાબેન કાસ્ટા તથા શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.