જામનગરમાં વધુ એક બાળકને શંકાસ્પદ ચાંદીપુરા
કનસુમરા પાટીયા પાસેની સોસાયટીમાં રહેતી બાળકી સારવારમાં
૩ વર્ષની બાળકીની હાલત ગંભીર, આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ
જામનગરમાં ચાંદીપુરાનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો છે. કનસુમરા પાટીયા પાસેની સોસાયટીમાં રહેતી ૩ વર્ષની બાળકીને ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો જણાતા સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જયાં તેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે. શહેરમાં ચાંદીપુરાનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધીમાં ચાંદીપુરાના બે પોઝીટીવ કેસ નોંધાયા છે. જયારે શંકાસ્પદ કેસનો આંકડો ડઝનથી પણ વધુ છે. આટલું જ નહીં ૯ જેટલા બાળકોના મૃત્યુ પણ નિપજયા છે. જેમાંથી બે બાળકોનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ સ્થિતિમાં શહેરમાં ચાંદીપુરાનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો છે.
કનસૂમરા પાટીયા પાસે આવેલી સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતી એક ૩ વર્ષની બાળકીને ભારે તાવ, આંચકી સહીતના ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો જણાતા સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જયાં આ બાળકીની હાલત નાજુક હોવાનું તબીબોએ જણાવ્યું છે. જો કે, જી.જી.હોસ્પિટલમાં ચાંદીપુરાની સારવાર લઇ રહેલા બંને બાળકો સ્વસ્થ થતાં તેને ડિસ્ચાર્જ કરાયા છે. હાલ એક જ બાળકી સારવાર હેઠળ છે. આ બાળકીના લોહી સહીતના નમૂના રિપોર્ટ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.