BREAKING NEWS

દહેજ જીઆઈડીસીમાં કંપનીમાં ભીષણ આગ, ફાયરની સાતથી વધુ ટીમ દોડી

  • August 17, 2026 03:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભરૂચ જિલ્લાના દહેજ જીઆઈડીસી સ્થિત ‘વિઝન પ્રોડક્ટ્સ પ્રા. લિ.’ કંપનીમાં આજે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી હતી. વહેલી સવારે કંપનીના પ્લાન્ટમાં અચાનક પ્રચંડ ધડાકા સાથે વિકરાળ આગ લાગી હતી. આ ધડાકાનો અવાજ આશરે સાત કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભારે અફડાતફડી અને ભયનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં સમગ્ર પ્લાન્ટ તેની ચપેટમાં આવી ગયો હતો અને આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાવા લાગ્યા હતા.


ઘટનાની જાણ થતાં જ ભરૂચ અને દહેજ ફાયર બ્રિગેડની સાતથી વધુ ટીમો તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરોએ સતત પાણી અને ફોમનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. વેરહાઉસમાં રહેલા રાસાયણિક પદાર્થોને કારણે આગ વધુ પ્રસરતી અટકાવવી એ ફાયર બ્રિગેડ માટે મોટો પડકાર બની રહ્યું હતું.


આ ઘટના અંગે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થના ડેપ્યુટી ડાયરેક્ટરે માહિતી આપતા જણાવ્યું હતું કે, આગ કંપનીના વેરહાઉસમાં રાખવામાં આવેલા સોલ્વન્ટથી ભરેલા ડ્રમમાં લાગી હતી. પ્રાથમિક તબક્કે કોઈ મોટો પ્લાન્ટ બ્લાસ્ટ થયો નથી પરંતુ ડ્રમમાં રહેલા સોલ્વન્ટના કારણે અવાજ આવ્યો હતો. સૌથી રાહતના સમાચાર એ છે કે આ ઘટના વેરહાઉસમાં બની હોવાથી તે સમયે અંદર કોઈ કામદારો હાજર ન હતા, જેને પગલે મોટી જાનહાનિ ટળી છે.


આઠ જેટલા ફાયર ટેન્ડરોની મદદથી આગ પર મોટાભાગે કાબૂ મેળવી લેવાયો છે. જોકે, ડ્રમમાં રહેલો સોલ્વન્ટનો જથ્થો સંપૂર્ણપણે બળી ન જાય ત્યાં સુધી આગને સંપૂર્ણપણે ઓલવવામાં હજુ એકથી દોઢ કલાક જેટલો સમય લાગી શકે છે. પ્રાથમિક તારણ મુજબ, સોલ્વન્ટ ઢોળાવાથી અથવા સ્ટેટિક ચાર્જ ઉત્પન્ન થવાને કારણે આગ ભભૂકી હોવાની શક્યતા સેવાઈ રહી છે, પરંતુ આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application