BREAKING NEWS

ગુજરાતમાં પહેલીવાર ક્વિક કોમર્સ કંપની સામે કડક કાર્યવાહીઃ ગાંધીનગરમાં બ્લિંકીટ સ્ટોરમાંથી ગંદકી મળતા ફૂડ લાયસન્સ સસ્પેન્ડ કરી સ્ટોર બંધ કરાવ્યો

  • September 18, 2026 07:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાંધીનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા નાગરિકોના આરોગ્યને પ્રાથમિકતા આપીને અત્યંત કડક પગલાં લેવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ સામે લાલ આંખ કરનાર અધિકારી તુકારામ મુંઢેની ચર્ચાઓ વચ્ચે હવે ગાંધીનગરમાં પણ તંત્ર હરકતમાં આવ્યું છે. ગાંધીનગરના રાયસણ વિસ્તારમાં આવેલા 'બ્લિંકીટ' (Blinkit) ના ક્વિક કોમર્સ સ્ટોરમાં ભારે ગંદકી અને બેદરકારી જોવા મળતા તેનું ફૂડ લાયસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે અને સ્ટોર બંધ કરાવવામાં આવ્યો છે. રાજ્યમાં કોઈ ક્વિક કોમર્સ કંપની સામે આ પ્રકારની કડક દંડાત્મક કાર્યવાહીનો આ પ્રથમ કિસ્સો છે.

મળતી માહિતી મુજબ, ગાંધીનગર મનપાને મળેલી ચોક્કસ ફરિયાદના આધારે ફૂડ સેફ્ટી ટીમે રાયસણ સ્થિત ટેક્સાસ 3 બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા બ્લિંકીટ સ્ટોર પર ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006’ હેઠળ દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન સ્ટોરની અંદર સેનિટેશન અને હાઇજીનની સ્થિતિ અત્યંત કંગાળ જણાઈ હતી. દુકાનની દીવાલો પર કરોળિયાના જાળાં બાઝેલા હતા, સ્ટોરેજની યોગ્ય વ્યવસ્થાનો સંપૂર્ણ અભાવ હતો અને ગ્રાહકોને હોમ ડિલિવર કરવાની ખાદ્યસામગ્રી અત્યંત ગંદા તથા સફાઈ વગરના રેક પર રાખવામાં આવી હતી.

આ ગંભીર બેદરકારી બદલ શિડ્યુલ-4 ની જોગવાઈઓનો સ્પષ્ટ ભંગ થતો હોવાથી તંત્રે તુરંત જ ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારીને બ્લિંકીટ સ્ટોરનું લાયસન્સ સસ્પેન્ડ કર્યું હતું. સ્ટેટ FSSAI વિભાગના ડેપ્યુટી કમિશનર વી. ડી. રાણાએ જણાવ્યું હતું કે અગાઉ ભરૂચમાં ઇ-કોમર્સ કંપની સામે માત્ર ઇમ્પ્રુવમેન્ટ નોટિસ અપાઈ હતી, પરંતુ ગાંધીનગરના આ સ્ટોરનું લાયસન્સ સસ્પેન્ડ કરીને ધંધો સંપૂર્ણપણે બંધ કરાવવાનો ગુજરાતનો આ પ્રથમ બનાવ છે. નિયમ અનુસાર કંપનીને 14 દિવસનો સમય આપવામાં આવ્યો છે, જેમાં જરૂરી સુધારા કરીને દસ્તાવેજો રજૂ કર્યા બાદ જ સ્ટોર ફરી શરૂ થઈ શકશે.

આ ઉપરાંત, સમગ્ર રાજ્યમાં ચાલી રહેલી હોસ્ટેલ કિચન તપાસ ઝુંબેશ અંતર્ગત ગાંધીનગર મનપાની ટીમે પ્રતિષ્ઠિત સંસ્થાઓ જેવી કે NID અને NIFT સહિત કુલ 14 હોસ્ટેલ અને કેન્ટીનમાં સઘન તપાસ હાથ ધરી હતી. આ વ્યાપક તપાસ દરમિયાન વિવિધ ખાદ્યપદાર્થોના કુલ 34 નમૂના લેવામાં આવ્યા છે, જેને ચકાસણી અર્થે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે, જેના રિપોર્ટ આવ્યા બાદ નિયમનુસારની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ તપાસ દરમિયાન યુથ હોસ્ટેલ ગીતા રેસિડેન્સીમાં પણ અસ્વચ્છતા અને અનિયમિતતાઓ જોવા મળતા તેને પણ ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારવામાં આવી છે. મહાનગરપાલિકાના ડેઝિગ્નેટેડ ઓફિસર એસ. એ. ઓડે તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરો, હોસ્ટેલ અને કેન્ટીન સંચાલકોને કડક તાકીદ કરી છે કે રસોડામાં કામ કરતા તમામ કર્મચારીઓએ કેપ, એપ્રોન અને ગ્લોવ્ઝ ફરજિયાત પહેરવા પડશે. તેમજ તૈયાર ખોરાકમાં કૃત્રિમ રંગો ન વાપરવા, ન્યૂઝપેપરમાં ખોરાક ન પીરસવા અને નાશવંત ચીજવસ્તુઓ યોગ્ય તાપમાને સંગ્રહિત કરવા સ્પષ્ટ આદેશો અપાયા છે. નાગરિકોને શુદ્ધ અને સુરક્ષિત આહાર મળી રહે તે હેતુસર તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ સઘન રીતે ચાલુ રાખવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application