BREAKING NEWS

જેતપુરમાં બ્લડ બેંકના કર્મીને નોકરીએ પીધેલી હાલતમાં દારૂની બોટલ દબોચ્યો

  • February 19, 2026 01:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુરની દેવ બ્લડ બેંકનો કર્મચારી પીધેલી હાલતમાં લોકોના બ્લડ લેતા પોલીસે પકડી પાડી પુછતાછ કરી દારૂ સપ્લાયના મૂળ સુધી પહોંચી જેતપુર-ગોંડલના ત્રણ સહિત ચારની ધરપકડની સાથે દારૂ જપ્ત કરી બે અલગ અલગ ગુના નોંધ્યા હતાં.


જાણવા મળતી વિગતો મુજબ,રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર અને ડીવાયએસપી રોહિતસિંહ ડોડીયા દ્વારા દારૂ તથા જુગારની પ્રવૃતી સદંતર નેસ્ત-નાબુત કરવાની અપાયેલી સુચનાના પગલે જેતપુર સિટી પોલીસ મથકના પીઆઈ એ.ડી.પરમારની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે, જેતપુર જુનાગઢ રોડ ઉપર આવેલ દેવ બ્લડ બેંકનો માણસ રોહિત ઉર્ફે કાળુ રૈયાણી કેફી પ્રવાહિ પીઘેલ હાલતમાં બ્લડ બેંકે બ્લડ લેવા આવતા-જતા માણસો સાથે મનસ્વી રીતે વર્તન કરે છે.


જે બાતમીના આધારે બ્લડ બેંકમાં ટીમે રેઇડ કરતા રોહિત ઉર્ફે કાળુ દિલીપ રૈયાણી (રહે.ગોંડલ) ને નશાની હાલતમાં ઇંગ્લીશ દારૂની ખાલી બોટલો તથા ઇંગ્લીશ દારૂ સાથે પકડી પાડી પ્રોહીબિશન એકટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવહી કરી હતી.


બાદમાં આરોપી રોહિત ઉર્ફે કાળુ રૈયાણીની પુછપરછ કરતા દારૂની બોટલ જેતપુરના સીરાજ કુરેશી પાસેથી તેમજ ત્રણ દારૂની બોટલ ગોંડલના બાલી વ્યાસ પાસેથી લઇ આવેલ હોવાની કબૂલાત આપી હતી. જેથી પોલીસે દારૂનો જથ્થો પુરો પાડનાર આરોપી સીરાજ અજીજ કુરેશીના રહેણાંક મકાને રેઇડ કરતા દારૂની ૬ બોટલ રૂ.૧૩,૨૦૦ નો મુદામાલ સાથે મળી આવતાં તેની ધરપકડ કરી અલગથી ગુનો દાખલ કર્યો હતો.


જે બાદ આરોપી સીરાજ કુરેશીની પુછપરછ કરતા તેના મકાનમાંથી મળી આવેલ ઇંગ્લીશ દારૂનો જથ્થો ગોંડલના ઇરફાન કટારીયા પાસેથી લઇ આવેલ હોવાની કબૂલાત આપતાં બન્ને ગુનામાં ઇગ્લીશ દારૂનો જથ્થો પુરો પાડનાર આરોપીઓની શોધખોળ કરવા ટીમ ગોંડલ દોડી જઈ આરોપી ઇરફાન હસન કટારીયા તથા નરેન્દ્ર ઉર્ફે બાલી તુસીદાસ વ્યાસ (બન્ને રહે.ગોંડલ) પકડી બન્નેને ઝડપી લીધા હતાં.


જેતપુર પોલીસે નોંધેલ બંને ગુનામાં રોહિત ઉર્ફે કાળુ દિલીપ રૈયાણી (રહે.ગોંડલ), સીરાજ અજીજ કુરેશી (રહે.જેતપુર, ખોડપરા મેઇન રોડ), ઇરફાન હસન કટારીયા (રહે.ગોંડલ) અને નરેન્દ્ર ઉર્ફે બાલી તુસીદાસ વ્યાસ (રહે.ગોંડલ) ની ધરપકડ કરી હતી. જેમાં ઈરફાન કટારીયા વિરુદ્ધ જુગાર દારૂના ૧૭ જેટલા ગુના નોંધાયેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application