પશ્ચિમ આફ્રિકાના દેશ સેનેગલમાંથી એક મોટા અને અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં એક દરિયાઈ દુર્ઘટનામાં ગેરકાયદે પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી જવાથી 21 લોકોના કરૂણ મોત નીપજ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ બોટ પ્રવાસીઓને લઈને સ્પેનના કેનરી આઈલેન્ડ તરફ જઈ રહી હતી, તે દરમિયાન રસ્તામાં જ સમુદ્રમાં ડૂબી ગઈ હતી.
સેનેગલના ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ, આ બોટ રાજધાની ડકારથી આશરે 180 કિલોમીટર ઉત્તરમાં કેબેમેર પાસે સમુદ્રમાં પલટી ગઈ હતી. શનિવાર સાંજ સુધીમાં સ્થાનિક અધિકારીઓ અને બચાવ ટીમોએ પાણીમાંથી 21 શબ બહાર કાઢી લીધા છે. મૃતકોમાં મોટાભાગના લોકો કેબેમેર વિસ્તારના જ રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
અત્યાર સુધી માત્ર એક જ વ્યક્તિનો બચાવ
રાહત અને બચાવ કામગીરીમાં જોડાયેલી ટીમોએ અત્યાર સુધીમાં માત્ર 1 જ વ્યક્તિને જીવતો બચાવવામાં સફળતા મેળવી છે. સમુદ્રમાં સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ બોટ પર કુલ કેટલા લોકો સવાર હતા.
કેનરી આઈલેન્ડની ખતરનાક યાત્રા
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ આફ્રિકાથી સ્પેનના કેનરી આઈલેન્ડ સુધી પહોંચવાનો આ એટલેન્ટિક રૂટ દુનિયાના સૌથી ખતરનાક માર્ગોમાં ગણવામાં આવે છે. બહેતર ભવિષ્યની તલાશમાં દર વર્ષે હજારો લોકો પોતાના પ્રાણની બાજી લગાવીને આ જીવલેણ સફર ખેડે છે. પ્રવાસી અધિકારો માટે કામ કરતા સંગઠન 'વોકિંગ બોર્ડર્સ' ના જણાવ્યા અનુસાર, આ વર્ષના શરૂઆતી મહિનાઓમાં જ આ રૂટ પર ઓછામાં ઓછા 635 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
આ દુર્ઘટના એવા સમયે ઘટી છે જ્યારે તેના એક દિવસ પહેલા જ સેનેગલના સુરક્ષા દળોએ 142 પ્રવાસીઓથી ભરેલી અન્ય એક નાની બોટને પણ પકડી હતી, જે સ્પેન જવાની ફિરાકમાં હતી.