ભાવનગરમાં ખળભળાટ મચાવે તેવી ઘટના સામે આવી છે. ફોરેસ્ટ અધિકારીની પત્ની અને તેના બે સંતાનો દસ દિવસથી ગુમ હતા. જો કે આ ત્રણેયની ખાડામા દાટી દીધેલી હાલતમાં લાશો મળી આવતા ચકચાર મચી ગઈ છે. બંને સંતાનો સાથે માતા 10 દિવસ પહેલા સુરત જવા નીકળ્યા બાદ ગુમ થયા હતા. જેની પોલીસને જાણ પણ કરવામાં આવી હતી. ત્રણેયની હત્યા કરી લાશનો દાટી દેવાઈ હોવાની પ્રબળ આશંકા સેવવામાં આવી રહી છે. ભાવનગર પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
કોઈ પત્તો ન લાગતા પોલીસને જાણ પણ કરવામાં આવી હતી
મળતી માહિતી મુજબ, ભાવનગર શહેરના તળાજા રોડ પર આવેલા કાચના મંદિર પાસે રહેતા ફોરેસ્ટ અધિકારીનો સંયુક્ત પરિવાર સુરત રહે છે, થોડા દિવસ પૂર્વે સુરતથી તેમના 40 વર્ષીય પત્ની નયનાબેન રબારી, 13 વર્ષની પુત્રી પ્રુથા રબારી અને 9 વર્ષીય પુત્ર ભવ્ય રબારી વેકેશન કરવા ભાવનગર આવ્યા હતા. બાદમાં સુરત જવા નીકળ્યા બાદ ગુમ થયા હતા.જેની શોધખોળ કર્યા બાદ પણ કોઈ પત્તો ન લાગતા પોલીસને જાણ પણ કરવામાં આવી હતી.
પરિવારને ટેલિફોનીક જાણ કરવા અપીલ કરાઈ હતી
પોલીસને પણ જાણ કરાતા આ સંદર્ભે જાણવા જોગ નોંધી પોલીસે લાપતા ત્રણેય લોકોની શોધખોળ સાથે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. બીજી બાજુ પરિવારજનો દ્વારા લાપતા સભ્યોના ફોટા સાથે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી લોકોની મદદ મંગાઈ. જો કોઈને ગુમ થયેલા સભ્યો જોવા મળે તો પરિવારને ટેલિફોનીક જાણ કરવા અપીલ કરાઈ હતી