રાજકોટ શહેરમાંથી એક ચકચારી અને ગમખ્વાર ઘટના સામે આવી છે, જેમાં પ્રદ્યુમનનગર પાર્ક પાસે આવેલા રાંદરડા તળાવમાંથી એક યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતકની ઓળખ વિપુલ રાઠોડ નામના યુવક તરીકે થઈ છે. યુવકનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યા બાદ આ મામલે ભારે રહસ્ય સર્જાયું છે. મૃતકના પરિવારજનોએ આ સામાન્ય આત્મહત્યા કે અકસ્માત નહીં પરંતુ સોચી-સમજીને કરવામાં આવેલી ઘાતકી હત્યા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.
પત્ની અને સાસુ સામે હત્યાના ગંભીર આક્ષેપો
રાંદરડા તળાવમાંથી વિપુલનો મૃતદેહ મળી આવતા જ તેના પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો હતો. આ સમગ્ર મામલે કાળજાકંપાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે મૃતકની માતા રંજનબેન રાઠોડે તેની પુત્રવધૂ (વિપુલની પત્ની) અને મૃતકના સાસુ સામે ગંભીર આક્ષેપો કર્યા. મૃતકની માતા રંજનબેને રૂઝાઈ ન શકે તેવા દુઃખ સાથે મીડિયા સમક્ષ બાઈટ આપતા જણાવ્યું હતું કે, તેમના પુત્રની પત્ની અને સાસુ દ્વારા જ વિપુલની હત્યા કરવામાં આવી છે. તેમણે ન્યાયની ગુહાર લગાવતા પ્રશાસન સમક્ષ માંગ કરી છે કે, વિપુલની પત્ની અને સાસુ વિરુદ્ધ કડક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. પરિવારના આ આક્ષેપોને પગલે સ્થાનિક વિસ્તારમાં ચર્ચા ઓ જોર પકડ્યું છે.
આજીડેમ પોલીસ દ્વારા તપાસ અને ફોરેન્સિક પીએમ
ઘટનાની જાણ થતાં જ આજીડેમ પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે તળાવમાંથી યુવકના મૃતદેહને બહાર કાઢીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. મામલાની ગંભીરતા અને પરિવારના આક્ષેપોને ધ્યાનમાં રાખીને પોલીસે મૃતદેહને સામાન્ય પોસ્ટમોર્ટમ માટે નહીં, પરંતુ ઊંડાણપૂર્વકની તપાસ માટે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (FPM) અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, પરિવારના આક્ષેપો ખૂબ ગંભીર છે અને આ કેસમાં દરેક પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. જોકે, વિપુલનું મોત ડૂબી જવાથી થયું છે કે તેને ડૂબાડવામાં આવ્યો છે, તે ફોરેન્સિક પીએમનો વિગતવાર રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. રિપોર્ટના આધારે જ મોતનું સાચું કારણ સામે આવશે અને તે મુજબ પોલીસ આગળની કાયદાકીય કાર્યવાહી અને ધરપકડના પગલાં ભરશે. જાહેર જનતા વચ્ચે બનેલી આ ઘટનાએ સ્થાનીક સ્તરે ભારે ચકચાર જગાવી છે.