અમદાવાદમાં એક તરફ ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતા એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. ત્યારે જ ગુજરાત હાઈકોર્ટને પણ ધમકીભર્યો મેઈલ મળતા દોડધામ મચી ગઈ હતી. બોમ્બ અને ડોગ સ્કવોડની ટીમ હાઈકોર્ટ પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. બીજી તરફ હાઈકોર્ટનું કામ રાબેતા મુજબ ચાલુ રહ્યું હતું.
ગુજરાત હાઇકોર્ટને એક ઈ-મેઈલ દ્વારા ધમકી આપવામાં આવી હતી કે કોર્ટ પરિસરમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો છે અને તેને તાત્કાલિક ખાલી કરાવવામાં આવે. આ ધમકીને ગંભીરતાથી લઈ પોલીસે તુરંત જ બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે ઘટનાસ્થળે પહોંચીને હાઇકોર્ટના સમગ્ર પરિસરમાં સઘન તપાસ કરી હતી. સુરક્ષા એજન્સીઓ ધમકીની સત્યતા ચકાસવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, આજે જ મદીનાથી હૈદરાબાદ તરફ જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકીભર્યો ઇમેલ મળ્યો હતો. આ ગંભીર ધમકીને પગલે ફ્લાઈટને ડાયવર્ટ કરીને અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરાવવામાં આવી હતી. આ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં જ હાઈકોર્ટને નિશાન બનાવતી ધમકી મળતા સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે.
ઘટનાની જાણ થતાં જ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો હાઈકોર્ટ પહોંચી ગઈ હતી અને પરિસરમાં ખૂણેખૂણાની તપાસ હાથ ધરી છે. જોકે, ગભરાટનું વાતાવરણ ન ફેલાય તે માટે હાઈકોર્ટનું ન્યાયિક કામકાજ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવ્યું છે. હાલમાં પોલીસ દ્વારા આ ધમકીભર્યો ઈમેલ ક્યાંથી આવ્યો છે અને કોણે મોકલ્યો છે તેની તપાસ સાયબર ક્રાઈમની મદદથી કરવામાં આવી રહી છે.