રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી મહિલાને પિસ્તોલ બતાવી અપહરણ કરી દુષ્કર્મ આચરનાર બેડી વાછકપરના બુટલેગરને એસઓજીની ટીમે હથીયાર સાથે ઝડપી લેતા આરોપીએ મહિલાને પાંચ વર્ષ પહેલાં પહેલીવાર પોતાના ઘરે કેફી પીણું પીવડાવી શીયળ લૂંટ્યું હતું, જે બાદ ચારેક દિ' પહેલા કારમાં અપહરણ કરી ઇન્દોર લઈ જઈ ત્યાં દુષ્કર્મ આચરી, બગોદરા પાસે ધમકી આપી તરછોડી દેતા જે અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં દુષ્કર્મ, આર્મ્સ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયા બાદ એસઓજીની ટીમે પણ આર્મ્સ એકટ હેઠળ બીજો ગુનો નોંધ્યો હતો.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટમાં ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી ૩૮ વર્ષીય મહિલાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે હરેશ મોતી જાદવ રહે. વાછકપર બેડીગામ વાળાનું નામ આપતાં ગાંધીગ્રામ પોલીસે દુષ્કર્મ, આર્મ્સ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓને આરોપી હરેશ જાદવે પાંચેક વર્ષ પહેલા તેની રિક્ષામા ઘરે મુકવા આવી ઓળખાણ કરી મોબાઇલ નંબરની આપ-લે કરી હતી. જે બાદ બંને વચ્ચે વાતચીત થતી હતી. ત્રણેક વર્ષ પહેલા આરોપીનો બર્થડે હોય જેથી તેના ઘરે વાછકપર બેડી ગામે બોલાવી મહિલાને પરાણે કેફી પીણુ પીવડાવી તેણી સાથે પરાણે શરીર સબંધ બાંધેલ હતો. જેથી મહિલાએ આરોપી સાથે સબંધ તોડી નાખેલ હતો.
જે બાદ ત્રણેક દીવસ અગાઉ આરોપીએ તેની સફેદ કલરની કારમાં આવી પિસ્તોલ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી શરીરે મુંઢ માર મારી બળજબરીથી અપહરણ કરી ઇંદોર તેના ઓળખીતાના ઘરે લઇ જઇ ત્યાં કેફી પીણુ પીવડાવી અર્ધ બેભાન કરી પરાણે શરીર સબંધ બાંધ્યો હતો, બીજા દિવસે બગોદરા પાસે કારમાંથી ઉતારી જો આ વાત કોઇને કહીશ કે મારી સામે ફરિયાદ કરીશ તો તારા આખા ખાનદાનને પતાવી દઇશ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી તરછોડી આરોપી નાસી છૂટ્યો હતો.
ભોગ બનનાર રાજકોટ પહોંચી પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી પીઆઈ સેજલ મેઘાણી અને ટીમે તપાસ આદરી હતી,જે ગુનાની ગંભીરતા જોઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તુરંત આરોપીને હથિયાર સાથે પકડવાની આપેલ સૂચનાથી એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાની રાહબરીમાં પીએસઆઈ વી.કે. ઝાલા ટીમ સાથે આરોપીની તપાસમાં હતાં ત્યારે સાથેના એએસઆઇ રાજેશભાઇ બાળા હેડ કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ જાડેજાને મળેલ ચોક્કસ બાતમી આધારે બેડીવાછકપરથી ઝડપી પીસ્ટલ નંગ-૦૧ તથા જીવતા કાર્ટીસ નંગ - ૦૩ તથા ફુટેલ ખાલી કાર્ટીસ નંગ ૦૧ સાથે હરેશ ઉર્ફે ભુરો મોતી જાદવ ઉ.વ. ૩૦ને ઝડપી ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો.