BREAKING NEWS

ગાંધીધામમાં હોટલમાં ખેલાયો ખૂની ખેલ, પ્રેમીએ પ્રેમિકાને ગળેટૂંપો આપી પ્રેમિકાની ઉતારી મોતને ઘાટ, જાણો હત્યા પાછળનું કારણ

  • February 22, 2026 04:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કચ્છ જિલ્લામાં ગુનાખોરીની ઘટનાઓ વચ્ચે વધુ એક પ્રેમ પ્રકરણનો કરુણ અને લોહિયાળ અંત આવ્યો છે. ગાંધીધામના વ્યસ્ત એવા ખન્ના માર્કેટ વિસ્તારની એક હોટેલમાં પ્રેમીએ પોતાની જ પ્રેમિકાની ગળેટૂંપો આપી નિર્મમ હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જોકે, ગાંધીધામ પોલીસે સતર્કતા દાખવીને ગણતરીના કલાકોમાં જ આરોપી પ્રેમીને દબોચી લીધો છે.


હોટેલના રૂમમાં મળી આવી યુવતીની લાશ

ઘટનાની વિગત મુજબ, ગત શનિવારે (21મી ફેબ્રુઆરી) ખન્ના માર્કેટની એક હોટેલમાં એક યુગલે રૂમ ભાડે રાખ્યો હતો. દિવસ દરમિયાન બંને રૂમમાં જ હતા, પરંતુ સાંજના સમયે યુવક હોટેલના સ્ટાફને કહ્યા વગર એકલો જ ઉતાવળે બહાર નીકળી ગયો હતો. લાંબો સમય સુધી યુવક પરત ન ફરતા અને રૂમમાંથી કોઈ હલચલ ન જણાતા હોટેલ સ્ટાફને શંકા ગઈ હતી. જ્યારે સ્ટાફે રૂમ ખોલીને તપાસ કરી તો અંદર યુવતીનો નિષ્પ્રાણ દેહ પડ્યો હતો. આ દ્રશ્ય જોઈ હોટેલ સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.


પોસ્ટમોર્ટમમાં થયો ખુલાસો

ગાંધીધામ 'એ' ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. મૃતક યુવતીની ઓળખ ભાવના લોંચા તરીકે થઈ હતી. પોલીસે મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. મેડિકલ રિપોર્ટમાં સ્પષ્ટ થયું હતું કે યુવતીનું મોત કુદરતી નથી, પરંતુ તેને ગળેટૂંપો આપીને શ્વાસ રૂંધી નાખવામાં આવ્યો હતો. આ રિપોર્ટના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી.


શંકાએ લીધો ભોગ: પોલીસ તપાસમાં ખુલાસો

પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી યુવતી સાથે રોકાયેલા પ્રેમી દિલીપ રાઠોડને ઝડપી પાડ્યો હતો. પોલીસની કડક પૂછપરછમાં દિલીપે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક ભાવના લોંચાના અગાઉ બે લગ્ન થયા હતા. પ્રથમ પતિના અવસાન અને બીજા પતિ સાથે છૂટાછેડા બાદ તે એકલી રહેતી હતી. આરોપી દિલીપ રાઠોડ પણ તેની પત્નીથી અલગ થઈને એકલો રહેતો હતો. બંને વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો, પરંતુ દિલીપને શંકા હતી કે ભાવના અન્ય પુરુષો સાથે પણ સંબંધ ધરાવે છે. આ 'ચારિત્ર્ય પરની શંકા' બાબતે હોટેલના રૂમમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે હત્યામાં પરિણમી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application