BREAKING NEWS

ઝારખંડમાં જાનની બસની બ્રેક ફેલ: 9ના મોત, 80 ઘાયલ

  • January 19, 2026 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઝારખંડના લાતેહારમાં લગ્નની બારાત લઈ જતી બસ પલટી જતાં નવ લોકોના મોત અને 80 ઘાયલ થયા છે. આ અકસ્માત મહુઆદંડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. બ્રેક ફેલ થવાને કારણે બસ નિયંત્રણ બહાર ગઈ હતી. ઘાયલોને તાબડતોબ સારવાર માટે ખસેડાયા છે. ઘડીભર પહેલા જ્યાં ખુશી અને આનંદનો માહોલ હતો ત્યાં ગમગીની અને રોક્કળ છવાયા હતા.બસ ડ્રાઇવર વિકાસ પાઠકે જણાવ્યું હતું કે બસમાં લગભગ 90 મુસાફરો હતા.બસની બ્રેક ફેલ થઈ ગઈ. હેન્ડબ્રેકનો ઉપયોગ કરીને અને એન્જિન બંધ કરીને તેને રોકવાનો પ્રયાસ કરવા છતાં, હું ફરીથી કાબુ મેળવી શક્યો નહીં, અને આખરે તે પલટી ગઈ.પોલીસ અધિક્ષક (એસપી) કુમાર ગૌરવે જણાવ્યું હતું કે, "છત્તીસગઢના બલરામપુર જિલ્લામાંથી લગ્નની જાન લઈને જતી બસ લાતેહારના મહુઆદંડ આવી રહી હતી. બસની બ્રેક ફેલ થયા બાદ પલટી ગઈ હતી જેમાં ઘટનાસ્થળે જ પાંચ લોકોના મોત થયા. મૃતકોમાં ચાર મહિલાઓ હતી. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.


મુખ્યમંત્રી હેમંત સોરેને શોક વ્યક્ત કર્યો

બીજા એક અધિકારીએ જણાવ્યું હતું કે લાતેહાર હોસ્પિટલમાં સારવાર દરમિયાન બે વધુ લોકોના મોત થયા છે, જ્યારે ગુમલા સદર હોસ્પિટલમાં બે અન્ય લોકોના મોત થયા છે. ગુમલા સિવિલ સર્જન શંભુનાથ ચૌધરીએ જણાવ્યું હતું કે નવ ઘાયલોને સદર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, જેમાંથી બેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં, મુખ્યમંત્રી હેમંત સોરેને લાતેહારના ડેપ્યુટી કમિશનરને ઘાયલોને યોગ્ય તબીબી સંભાળ પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો.


80 પૈકીના 32 ની હાલત ગંભીર

સબ-ડિવિઝનલ ઓફિસર વિપિન કુમાર દુબેએ જણાવ્યું હતું કે 60 ઘાયલોને મહુઆદંડ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં અને 20 થી વધુ લોકોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું, "ગંભીર હાલતમાં 32 લોકોને વધુ સારી સારવાર માટે રાંચીના રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ માં મોકલવામાં આવી રહ્યા છે.

મૃતકોની ઓળખ રેશાંતિ દેવી (35), પ્રેમા દેવી (37), સીતા દેવી (45), સોનમતી દેવી (55), સુખના ભુઇયા (40) અને વિજય ભુઇયા તરીકે કરવામાં આવી છે. તેમણે કહ્યું કે લાતેહાર હોસ્પિટલમાં મૃત્યુ પામેલી મહિલાની ઓળખ કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application