BREAKING NEWS

ઉપલેટાના યુવાન પાસેથી લુંટેરી દુલ્હન આણી ટોળકીએ રૂ.૫.૫૦ લાખ પડાવ્યા

  • December 23, 2025 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉપલેટાના યુવકને લૂંટેરી દુલ્હનનો ભેટો થઇ ગયો હતો. બુટ ચંપલની ફેરી કરનાર યુવાન લગ્ન કરવાં એજન્ટ મારફત મહારાષ્ટ્રના ભિવંડી પહોંચ્યો હતો. જ્યાં રૂ.૩.૫૦ લાખમાં યુવતી સાથે નિકાહ કર્યા બાદ ઘરે લાવ્યો હતો. ૨૦ માં દિવસે સસરા, સાળી સહિતના લોકો આવતા મહેમાનગતિ માટે મીઠાઈ લેવા ગયો અને પાછળથી ગેંગે ઘરમાંથી સોનાના દાગીના અને રોકડ ઉસેડી ગયા હતાં. આમ કુલ રૂ.૫.૫૦ લાખની છેતરપિંડી કર્યા અંગે યુવાને ઉપલેટા પોલીસ મથકમાં છ શખસો સામે ફરિયાદ નોંધાવી છે.


ઉપલેટામાં ખ્વાજાનગર મેઇન રોડ, યાકુબ પોસી ટાવરની સામે રહેતાં શબીરહુશેન જુબેરભાઇ કાદરી (ઉ.વ.૨૨) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ગુલઝાર એજન્ટ (રહે.માલેગાવ), ફાતિમાબેન એજન્ટ, હિના મુસ્તફા ખાન, મુસ્તફા મુનશી ખાન, અલ્ફિયા અને જીન્નત (રહે. તમામ ઉંમતનગર, ભિવંડી, મહારાષ્ટ્ર) ના નામ આપ્યા છે.


યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે મારૂતી વાન ભાડેથી કરી બુટ ચંપલની ફેરી કરે છે. ગઈ તા.૨૮/૦૮ ના તેના સંબંધી મામા વાહીદ ગુલામહુશેન કાદરીએ તેને અને તેમની માતા ફેમીદાબેનને મહારાષ્ટ્ર રાજયના અજંતા ગામે છોકરી બતાવવા માટે લઇ ગયા હતાં. અંજતા ખાતે મોબાઇલમાં કેટલીક છોકરીઓના ફોટા બતાવેલ પરંતુ ત્યાં એક પણ છોકરી પંસદ પડેલ નહી, તેમજ અગાઉ સાંભળવામાં આવેલ હતુ કે માલેગાવમાં સંબંધ માટે છોકરી મળી જશે, એટલે માલેગાંવ ગયેલ હતાં.


ત્યાં મામાના સંબંધી કાસમભાઇએ ત્યાંના એજન્ટ ગુલજારભાઈની મુલાકાત કરાવેલ અને તેને કહેલ કે, માલેગાંવમાં તમને છોકરી મળી જશે, પરંતુ તેનો ભરોસો નહી તે ભાગી જશે એટલે તમો ભીવંડી આવો ત્યાં તમને સારી છોકરી મળી જશે, લગ્ન પછી ઘરેથી ભાગશે નહીં તેની જવાબદારી મારી તેમ વાત કરી હતી.


બાદમાં યુવાનને ભીવંડીમાં ફાતેમાનગરમાં હિના મુસ્તુફા ખાન નામની છોકરી બતાવેલ જે પંસદ પડતા હા પાડી હતી. જેથી ગુલજારભાઈએ રૂ. ૮૦ હજાર આપવાનું કહેતા ત્યાં જ તેના મોબાઇલ નંબર ગુગલ પે કરી આપેલ હતાં. ત્યારબાદ ભીવંડીમાં એક હોટલમાં બે દિવસ રોકાયેલ ત્યાં આ હિના નામની છોકરી સાથે તા.૦૯/૦૯/૨૦૨૫ ફાતેમાબેનના ઘરે નિકાહ કરેલ અને નિકાહ (લગ્ન) થઈ જતાં હિનાની બેન અલ્ફીયાને રોકડા રૂ.૨.૭૦ લાખ આપેલ હતાં.


જે બાદ અજંટા પાસે એક જગ્યાએ યુવાને માનતા રાખેલ હોય ત્યાં ગયેલ હતા. બાદમાં પત્ની હિના સાથે તમામ પરીવારજનો તા.૧૫/૦૯ ના ઉપલેટા આવતા રહેલ હતા. થોડા દિવસો બાદ તા. ૨૯/૦૯ ના બપોરના સમયે સસરા મુસ્તફાખાન તથા સાળી અલ્ફીયા અને પત્ની હિનાની સહેલી જીન્નત ઉપલેટા ઘરે આવેલ અને મહેમાન આવતા યુવાન ગામમાં મિઠાઇ લેવા ગયેલ અને મીઠાઈ લઇને પરત આવતા ફક્ત સસરા મુસ્તફાખાન જ ઘરે હાજર મળેલ હતાં.


જેથી કહેલ કે, બીજા બધા કયા તો તેણે કહેલ કે, ગામમાં ખરીદી કરવા ગયેલ છે. થોડીવાર લાગતા યુવાન અને તેના સસરા ગામમાં પત્નીને શોધવા જતા સસરા પણ જતા રહેલ અને ફોન કરતા ફોન પણ બધાના બંધ આવેલ હતાં. સાંજના એજન્ટ ગુલજાર ભાઈને ફોન કરીને જાણ કરી હતી. જેથી તેણે કહેલ કે, તમારી પત્ની પાછી આવી જશે, બીજા દિવસે સાળી અલ્ફીયાનો ફોન આવેલ કે, હવે હિનાની રાહ જોતા નહી, અમે તો આવા જ કામ કરીએ છીએ તેમ વાત કરેલ હતી. જેથી યુવાને ઉપરના રૂમમાં જોતા તેમની માતાનો સોનાનો હાર નંગ-૧, સોનાની બંગડી નંગ-ર, પત્નીને લગ્ન વખતે લઈ દીધેલ નાકની સોનાની નથ-૧, પગના ચાંદીના સાંકળા નંગ-૨ અને રૂ.૫૦ હજાર રોકડા લઇ ગયેલ હતી. જેથી આરોપીઓએ કુલ રૂ.૫.૫૦ લાખની છેતરપીંડી કરતાં ફરીયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application