એએચટીયુ ટીમે મવડી ચોકડી નજીક મુન લાઈફ વેલનેશ સ્પામાંથી કુટણખાનું ઝડપી ચાર યુવતીએ મુક્ત કરાવી સ્પા સંચાલક અને મહિલા રિસેપ્સનિસ્ટની ધરપકડ કરી હતી. જયારે એ ડિવિઝન પોલીસે સાંગણવા ચોક નજીક હોટેલમાં ધમધમતું કુટણખાનું ઝડપી લીધુ હતું.
એન્ટી હ્યુમન ટ્રાફીકિંગ યુનિટના પી.આઈ. પી એન પઢિયારના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.પી.ચૌહાણની ટીમ તપાસમાં હતી. દરમિયાન એવી હકીકત મળી હતી કે, મવડી ચોક નજીક રિદ્ધિ સિદ્ધિ કોમ્પ્લેક્સના બીજા માળે મુન લાઇફ ફેમિલી વેલનેસ સ્પાનો સંચાલક યુવતીઓ રાખી મસાજના નામે બહારથી ગ્રાહકો બોલાવી દેહ વેપારનો ગોરખધંધો ચલાવી રહ્યો છે. પોલીસે ડમી ગ્રાહક મોકલી મુન લાઇફ ફેમિલી વેલનેસ સ્પામા દરોડો પાડી દેહ વેપારની ગેરકાયદે પ્રવૃત્તિ ઝડપી પાડી હતી. અહીંથી પોલીસે રૂમમાંથી યુવતી અને ડમી ગ્રાહકને કઢંગી હાલતમાં ઝડપી પાડ્યા હતા. પોલીસે મહિલા રિસેપ્શનિસ્ટ અલકાબેન અને સંચાલક હર્ષ જયેન્દ્રભાઈ રાજદેવ ( ઉવ 22 રહે. પાંજરાપોળ પાસે, સંત કબીર રોડ, રાજકોટ)ની ધરપકડ કરી હતી. જ્યારે સ્પાનો ભાગીદાર ધ્રુવ જયેન્દ્રભાઈ રાજદેવની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
અહીં સ્પા સંચાલક યુવતીઓને રાખી ગ્રાહકોને બોલાવી પ્રથમ એન્ટ્રી ફી તરીકે 1000 રૂપિયા વસૂલતો હતો. બાદમાં શરીર સંબંધ બાંધવા પેટે રૂ.2500 વધારાના વસૂલતો હતો. પોલીસે અહીંથી દિલ્હી, યુપી, બંગાળ અને રાજકોટની ચાર ગણીકાઓને મુક્ત કરાવી સ્પા સંચાલક રાજદેવ બંધુ અને મહિલા રિસેપ્શનિસ્ટ વિરુદ્ધ ઈમોરલ ટ્રાફિકિંગ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
આ કામગીરીમાં એએસઆઈ અજયભાઇ શુક્લા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઈ મકરાણી, હેડ કોન્સ્ટેબલ જીજ્ઞેશભાઈ મારૂ, કોન્સ્ટેબલ હસમુખભાઈ બાલધા, ગણેશપ્રસાદ, જ્યોતિબેન બાબરીયા અને ભૂમિકાબેન ઠાકર સાથે રહ્યા હતાં.
જ્યારે એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ જે.વી.વાઢિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.આર. ચાવડાની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ ચાવડા અને કલ્પેશભાઈ બોરીચાને હકીકત મળી હતી કે, સાંગણવા ચોક નજીક આવેલ હોટેલ વિનશમાં હિતેશ ઉર્ફે રાણો વાલાણી તેના સાગરીત જયદીપ મકવાણાને મોકલી બહારથી ગ્રાહકો બોલાવી લોહીનો વ્યાપાર કરાવી રહ્યો છે. ડમી ગ્રાહક મોકલી એ ડિવિઝન પોલીસ દ્વારા દરોડો પાડતા હોટેલના રૂમ નં.-203 માંથી મહિલા અને ડમી કસ્ટમર કઢંગી હાલતમાં મળી આવતા બંનેને સ્વસ્થ થવાની સૂચના આપી બહાર બોલાવવામાં આવ્યા હતા. પોલીસે અહીંથી હોટેલ મેનેજર પ્રતાપસિંગ બાબુસિંગ રાવત(ઉવ 36 રહે. હોટેલ ધ વિનસ, સાંગણવા ચોક, રાજકોટ) અને જયદીપ મુકેશભાઈ મકવાણા (ઉવ 22 રહે. નાના પાળિયાદ, ચોટીલા, સુરેન્દ્રનગર)ની ધરપકડ કરી રોકડ, મોબાઈલ સહીત રૂ. 43,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
હિતેશ ઉર્ફે રાણો યુવતીને રાખી ગ્રાહકોને બોલાવી શરીર સંબંધ બાંધવા માટે બે હજાર રૂપિયા વસુલતો હતો. જે પૈકી હોટેલને રૂ. 500 ચૂકવવામાં આવતું હતું. જયારે એક હજાર રૂપિયા યુવતીને આપી બાકીના 500 પોતાના ખિસ્સામાં નાખી દેતા હતા. જયદીપ મકવાણા પોતાની સાથે યુવતીને લઇ જઈ દેહ વેપારનું દુષણ ચલાવતો હતો. પોલીસે અહીંથી દિલ્લી પંથકની યુવતીને મુક્ત કરાવી હતી જયારે મુખ્ય સૂત્રધારની શોધખોળ યથાવત રાખી હતી. વધુમાં પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર આગામી 1 ઓક્ટોબરના રોજ જ હોટેલનું ભાડુઆત બદલાવવાનો હતો તે પૂર્વે જ પોલીસે દરોડો પાડી કુટણખાનું ઝડપી લીધું હતું.