કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલા કેન્દ્રીય બજેટ પર પ્રતિક્રિયા આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને ‘પાથ બ્રેકિંગ બજેટ’ ગણાવ્યું હતું. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આજનું ભારત હવે ‘રિફોર્મ એક્સપ્રેસ’ પર સવાર છે અને આ બજેટ દેશને નવી ઊંચાઈઓ તરફ લઈ જવાની ક્ષમતા ધરાવે છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ બજેટ માત્ર આંકડાઓનો દસ્તાવેજ નથી, પરંતુ 140 કરોડ ભારતીયોના સપના, આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે. વડાપ્રધાનના મતે, આ બજેટ ભારતની વૈશ્વિક ભૂમિકાને વધુ મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
પીએમ મોદીએ ખાસ કરીને યુવાઓ અને મહિલાઓ માટે કરવામાં આવેલી જોગવાઈઓની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે બજેટમાં નારી શક્તિનું સ્પષ્ટ પ્રતિબિંબ જોવા મળે છે અને મહિલાઓના સશક્તિકરણ માટે કરાયેલા પગલાં અભૂતપૂર્વ છે. સાથે જ, ‘પાથ બ્રેકિંગ રિફોર્મ્સ’ દ્વારા દેશના પ્રતિભાશાળી યુવાઓને આગળ વધવા માટે ખુલ્લું આકાશ આપવામાં આવ્યું છે. વડાપ્રધાને જણાવ્યું કે આ બજેટ રોજગાર સર્જન માટેનો એક મજબૂત ‘રાજમાર્ગ’ છે, જેનાથી યુવાનોને નવા અવસરો મળશે.
વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું કે ભારત હવે માત્ર વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહેવામાં સંતોષ માનતું નથી. દેશનો સ્પષ્ટ સંકલ્પ છે કે ભારતને ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં આવે. તેમના જણાવ્યા મુજબ, આ બજેટ વિશ્વાસ આધારિત શાસન (ટ્રસ્ટ-બેઝ્ડ-ગર્વનન્સ) અને માનવ-કેન્દ્રી આર્થિક માળખાના વિઝનને સ્પષ્ટ રીતે દર્શાવે છે. રાજકોષીય ખાધ ઘટાડવા અને મોંઘવારી પર નિયંત્રણ લાવવા વચ્ચે જાળવવામાં આવેલા સંતુલનને પણ પીએમ મોદીએ વખાણ્યું હતું.
મેક ઇન ઇન્ડિયા અને આંતરરાષ્ટ્રીય વેપાર અંગે વાત કરતાં વડાપ્રધાને તાજેતરમાં યુરોપિયન યુનિયન સાથે થયેલી વેપાર સમજૂતીઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ભારતે કરેલી ‘મધર ઓફ ઓલ ડીલ્સ’નો મહત્તમ લાભ દેશના યુવાનો અને લઘુ તથા મધ્યમ ઉદ્યોગોને મળે તે દિશામાં બજેટમાં મોટા કદમ લેવામાં આવ્યા છે. ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને નવી ગતિ આપવા માટે આ બજેટમાં મહત્વાકાંક્ષી અને સ્પષ્ટ રોડમેપ રજૂ કરવામાં આવ્યો છે.