શહેરના બાપુનગર સ્લમ ક્વાર્ટર પાસે સોમવારે રાત્રિના પરિણીત પ્રેમિકા સાથેના સંબંધની શંકાએ પરીણિતાના પતિ સહિત ત્રણ શખસોએ યુવકને છરીનો ઘા ઝીકી હત્યા નિપજાવવાના બનાવમાં પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત ત્રણેય આરોપીની ધરપકડ કરી છે. આ બનાવના મુખ્ય સૂત્રધાર અમન ચૌહાણ સાથે મદદગારી કરનાર સાહિલ હુસેનભાઇ પતાણી જે દુકાનમાં કામ કરતો હતો તેના માલિકને પણ મૃતક ઈશાનના સગા ધમકાવી ત્રાસ આપતા હોવાના આક્ષેપ સાથે વેપારી યુવકે આજે સવારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી મચી જવા પામી છે.
યુવકે આપઘાત પૂર્વે એક વિડીયો બનાવ્યો હતો અને તેમાં મૃતક ઈશાનના પરિવારજનો અને પરિચિતો શાહિલ તમારી દુકાને કામ કરે છે અને તેના પિતા પણ તમારી રીક્ષા હલાવે છે સહિતની બાબતે હેરાન પરેશાન કરી બે ત્રણ દિવસથી ધાક ધમકી આપતા હોવાથી કંટાળી પગલું ભરી રહ્યાનું જણાવ્યું છે. પોલીસે વિડીયો કબ્જે કરી તપાસ હાથ ધરી છે.
મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો
બનાવની પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયામાં રાધેશ્યામ સોસાયટીમાં રહેતા અને બાપુનગરમાં મોમાઈ ઓટો સ્પેર પાર્ટસ અને એસેસરીઝની દુકાન ધરાવતા કમલેશભાઈ મુકેશભાઈ સરેસિયા (ઉ.વ.27)નામના યુવકે આજે સવારે પોતાના ઘરે પંખામાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. પત્ની રીમાબેન માવતરના ઘરે આટો દેવા ગઈ હોય અને પતિને સવારે ફોન કરતા ફોન ઉપાડતા ન હોવાથી સાસુને ફોન કર્યો હતો આથી ઉપર રૂમમાં જોવા જતા પુત્રને લટકતી હાલતમાં જોઈ બુમાબુમ કરી મુકતા પડોશી સહિતના દોડી આવ્યા હતા અને 108ને જાણ કરતા ઇએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની જાણ આજીડેમ પોલીસને થતા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલએ ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી.
સોમવારે જે ઈશાનનું મર્ડર થયું હતું
આપઘાત કરનાર યુવક બે ભાઇમાં નાનો છે અને પિતા હયાત નથી. સવારે નાનોભાઈ નોકરીએ ગયો હતો પત્ની માવતરે હોય અને માતા નીચે હતા ત્યારે ઉપરના રૂમમાં પગલું ભરી લીધું હતું. આપઘાત પૂર્વે યુવકે એક વિડીયો બનાવ્યો હતો જેમાં જણાવ્યું હતું કે, સોમવારે જે ઈશાનનું મર્ડર થયું હતું તેમાં મારી દુકાનમાં કામ કરતા શાહિલ પતાણીની સંડોવણી ખુલી હતી અને પોલીસે તેની ધરપકડ કરી હતી.
યુવકના મોતથી પરિવારમાં ઘેરો આક્રંદ સર્જાયો છે
એમ છતાં ઈશાનના પરિવારજનો શાહિલના ઘરે જઈ તેના પિતાને મકાન ખાલી કરવાનું કહી હેરાનગતિ કરતા હતા આથી શાહિલના પિતા મારી રિક્ષા હંકારતા હોવાથી મને ફોન કર્યો હતો અને હું ત્યાં ઘરે ગયો હતો. મૃતકના પરિવારજનોને તેના પરિવારને હેરાન ન કરવા સમજાવ્યા હતા એ પછીથી ઈશાનના પરિવારજનો અને પરિચિતો મને ફોન કરી ધમકી આપતા હતા અને ગઈકાલે પણ ફોન કરી મારકૂટ કરવાની ધમકી આપતા આ લોકોના ત્રાસથી પગલું ભરું છું તેવા આક્ષેપો કર્યા હતા, પોલીસે વિડીયો કબ્જે કરી તેમાં આપેલા નામના આધારે વધુ તપાસ હાથ ધરી છે, યુવકના મોતથી પરિવારમાં ઘેરો આક્રંદ સર્જાયો છે.