BREAKING NEWS

સરકારે ખેડૂતોને આપી મોટી ખુશખબરી, CM ભુપેન્દ્ર પટેલે જાહેર કર્યું પાક નુકસાની માટે ઐતિહાસિક 10 હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ

  • November 07, 2025 06:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. જેને લઈને ગુજરાત સરકારે રાજ્યમાં પાક નુકસાનીનો સર્વે કર્યો હતો. આજે સાંજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે સાંજે મહત્વની સમીક્ષા બેઠક યોજી હતી. બાદમાં ભુપેન્દ્ર પટેલે  ઐતિહાસિક 10 હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે.


ભુપેન્દ્ર પટેલની એક્સ પર જાહેરાત

ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે.  આ સંદર્ભે, મેં તથા મારા સાથી મંત્રીશ્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી. કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે. રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે રૂપિયા 10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરું છું. આ ઉપરાંત, રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી છે. અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું.


જીતુ વાઘાણીએ આજે બેઠક કરી હતી

આજે જીતુ વાઘાણીએ પણ કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. કૃષિવિભાગ દ્વારા જે પંચકામ કરવામાં આવ્યું છે જેમાં ખેડૂતોને કેટલું નુકસાન થયું છે તે જાણી શકાય તે માટે આ બેઠક કરવામાં આવી હતી. 


મગફળી઼ની 9મી નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ મગફળી, અડદ, મગ અને સોયાબીનની ખરીદી માટે સાર્વજનિક રીતે ટેકાના ભાવની ખરીદીની જાહેરાત કરી હતી.  SMSથી જાણકારી આપવામાં આવશે અને તે પ્રમાણે ખેડૂતો તેમનો જથ્થો પહોંચાડશે.​​​​​​​


125 મણ ખેડૂતની ખરીદી કરવાની સૂચના: કૃષિ મંત્રી

કેન્દ્ર સરકારે ટેકાના ભાવના વધારામાં જાહેરાત કરી છે ત્યારે નિયમ પ્રમાણે ખરીદ કેન્દ્રો દ્વારા ખરીદી થશે અને જરૂર પ્રમાણે સબ સેન્ટર પણ ખોલવામાં આવશે. 125 મણ ખેડૂતની ખરીદી કરવાની સૂચના રાજ્યની સરકારે આપી છે. કેન્દ્રનાં નિયમો મુજબ નિર્ણય લેવામાં આવ્યો છે અને સમગ્ર દેશમાં આ પ્રમાણે ખરીદી થઈ હતી. ભારત સરકારે મગફળીના ભાવ, મગના ભાવની ખરીદીમાં વધારો કર્યો છે. ભારત સરકાર નિયમ પ્રમાણે 25 % ની ખરીદીની જોગવાઈ છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા એનાથી વધુ ખરીદી થાય એ પ્રમાણે સપ્રમાણમાં ખરીદી કરી શકાય એ પ્રમાણે સરકાર ખરીદી કરશે. જ્યારે રાહત પેકેજ માટે સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી.


7263 રૂ. પ્રતિ ક્વિન્ટન કિંમતે મગફળી ખરીદી કરવામાં આવશે. ગત વર્ષે 3.5 લાખ ખેડૂતોની નોંધણી થઈ હતી, અને સરકાર ખેડૂતોની બજાર બહાર મદદ કરી હતી. આ વખતે 9.5 લાખ મગફળીનું વાવેતર છે અને ગત વર્ષની સરખામણીએ ઓછું હતું. તેમણે જણાવ્યું કે આગમી સમયમાં જરૂરી પરિપત્રો કરવામાં આવશે. કમોસમી વરસાદના નુકસાનને જોતા નિયમો મુજબ જ ખરીદી થશે.​​​​​​​


2024માં ગુજરાત સરકારે કેન્દ્રને અતિવૃષ્ટિનો અહેવાલ જ મોકલ્યો નહીં

31મી ઓક્ટોબર, 2024માં કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિ થતા ખેતીને વ્યાપક નુકસાન પહોંચ્યુ હતું. નવાઇની વાત એ છે કે, ખુદ રાજ્યસભામાં કેન્દ્રએ ખુલાસો કર્યો કે, ગુજરાત સરકારે અતિવૃષ્ટિનો કોઇ અહેવાલ જ મોકલ્યો નથી. આ જોતાં સહાય આપવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. 31 ઓક્ટોબર સુધીમાં અહેવાલ મોકલવાનો હોય છે પણ સરકારે તસદી જ લીધી નહીં.

પાક વિમા યોજના અમલમાં મૂકવા માગ

વર્ષ 2019માં રાજ્ય સરકારે રૂ. 3750 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરાયુ હતું. પણ તે વખતે પાક વિમા યોજના અમલમાં હતી પરિણામે ખેડૂતોને રૂ. 10 હજાર કરોડનો આર્થિક ફાયદો પહોંચ્યો હતો. ખેડૂતોનું કહેવુ છે કે, આ વખતે ભલે સરકાર કરોડોનું પેકેજ જાહેર કરે પણ પાક વિમા યોજના બંધ કરાઇ છે ત્યારે માત્ર સહાયનો જ લાભ મળશે તે અપૂરતુ સાબિત થશે. ખેડૂતોની આર્થિક ખોટ સહાયથી સરભર થાય તેમ નથી. આ કારણોસર ખેડૂતોમાં અસંતોષ ભભૂકશે તેમાં બે મત નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application