BREAKING NEWS

ગોંડલમાં પરિવાર સૂતો રહ્યો અને તસ્કરો મકાનમાં પરોણા કરી રોકડ-ઘરેણાની ચોરી ગયા

  • October 02, 2025 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલના વોરાકોટડા રોડ પર આવેલા મકાનમાં તસ્કરોએ પરોણા કરી રોકડ અને ઘરેણા મળી દોઢ લાખની મત્તા ચોરી થયાનો બનાવ ગોંડલ બી-ડિવિઝન પોલીસમાં નોંધાયો છે. પરિવાર રાત્રે ઉપરના માળે સૂતો હતો ત્યારે જ રાત્રીના તસ્કરોએ પ્રવેશી ચોરીને અંજામ આપ્યો હતો. બનાવના પગલે ગોંડલ પોલીસે અજાણ્યા તસ્કરો વિરુધ્ધ ગુનો નોંધી આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ હાથ ધરી છે.


બનાવની પ્રાપ્ત વિગત મુજબ મૂળ જસદણના સાણથલી ગામના વતની અને હાલ ગોંડલના વોરા કોટડા રોડ પર શંકરવાડી-1 માં રહેતા મયુરભાઈ રમેશભાઈ સેદાણી (ઉ.વ.41)એ ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, સાણથલી ગામે બજરંગ પાન નામની દુકાન છે. ગઇ તા-૨૯ના રોજ હુ મારી દુકાને હતો અને નવરાત્રી હોવાથી ગ્રાહકીના કારણે હું મારી દુકાને રોકાઈ ગયો હતો. વહેલી સવારે છ વાગ્યે મારા પત્ની નો મને ફોન આવ્યો હતો કે, રાત્રીના દોઢેક વાગ્યે માતાજીના દીવામા દીવેલ પુરી હુ અને બાળકો ઉપર બીજા માળે રૂમમાં સુવા ગયા હતા અને સવારે નીચે આવીને જોતા ઘરની જાળી ખુલ્લી હતી અને રૂમનો કબાટ તૂટેલી હાલતમાં હતો. આ બાબતેની જાણ થતા દુકાનેથી તુરંત ઘરે જવા નીકળ્યો હતો. ઘરે પહોંચીને જોતા રૂમનો સામાન વેર વિખેર હતો. કબાટનો દરવાજો વાળીને તોડી નાખેલો હતો. અમે તપાસ કરતા કબાટમાં રાખવામાં આવેલા આશરે રોકડ રૂ.૨૦ હજાર, બે સોનાના પેન્ડલ એક-એક ગ્રામના, સોનાનું આશરે અડધા તોલાનું લેડીસ બ્રેસલેટ, ઠાકોરજી ભગવાનનો સોનાનો મુંગટ તથા સોનાની માળા જે બન્ને આશરે ત્રણ ગ્રામના, સોનાની ચિપ વાળા પાટલા જોવા ન મળતા ચોરી થઈ ગયાની જાણ થઈ હતી.

બનાવની જાણ પોલીસને થતા પોલીસે ઘરે પહોંચી જરૂરી રોજ કામ કરી તસ્કરોને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application