પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભય વચ્ચે, રાહતના સમાચાર આવ્યા છે. 13 દિવસના યુદ્ધ પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનમાં નવા હુમલા રોકવા માટે અમેરિકી સૈન્યને નિર્દેશ આપ્યો હતો. ઇન્ટરસેપ્ટર મિસાઈલો ખત્મ થઈ રહી હોવાના અહેવાલ સામે આવતા ટ્રમ્પે આ પગલા લીધાનું સામે આવ્યું છે. બીજી તરફ ઈરાને પણ પોતાની બદલાની કાર્યવાહી બંધ કરી દીધી છે. ઈરાની લશ્કરી પ્રવક્તા મોહમ્મદ અકરમીનિયાએ ગઈકાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમારી રણનીતિ મુખ્યત્વે બદલાની રહી છે. અમેરિકાના હવાઈ હુમલા બંધ થઈ ગયા છે, આથી અમે પણ અમારી બદલાની કાર્યવાહી બંધ કરી દીધી છે. બંને પક્ષો દ્વારા યુદ્ધ બંધ કરવાથી વાટાઘાટો ફરી શરૂ થવાની આશા જાગી છે.
અહેવાલ મુજબ, યુએસ લશ્કરી અધિકારીઓએ ચેતવણી આપી હતી કે જો આ કાર્યવાહીને વધુ લંબાવવામાં આવશે તો મધ્ય પૂર્વમાં તૈનાત યુએસ દળો પાસે પેટ્રિઅટ ઇન્ટરસેપ્ટર મિસાઇલો અને અન્ય હવાઈ સંરક્ષણ શસ્ત્રોનો ભંડાર ભારે ખતમ થઈ શકે છે.
સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત માઈક વોલ્ટ્ઝે કહ્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાજદ્વારી માટે વધુ સમય આપવા માટે ઈરાન પરના હુમલાઓ અટકાવી દીધા છે. વોલ્ટ્ઝે કહ્યું કે ટ્રમ્પ વાતચીતની તક આપી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઈરાન અંગે પોતાના બધા વિકલ્પો ખુલ્લા રાખી રહ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટના નિયંત્રણ અંગે થોડી વધુ સ્પષ્ટતા સાથે 14-પોઇન્ટના એમઓયુ (સમજૂતી પત્ર) પર પાછા ફરવું એ એક મજબૂત પહેલું પગલું હશે. હુમલા બંધ હોવા છતાં, કેપ્લર શિપિંગ ડેટા દર્શાવે છે કે સપ્તાહના અંતે દરરોજ 10થી ઓછા કોમોડિટી જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે સાંજ સુધી હુમલા રોકવાના મુદ્દા પર જાહેરમાં વાત કરી ન હતી. તેમણે અગાઉ તેમના ટ્રુથઆઉટ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કમ્પ્યુટર-જનરેટેડ તસવીરો પોસ્ટ કરી હતી. જેમાં યુએસ લશ્કરી વિમાનો ઈરાની જહાજો અને ખાર્ગ ટાપુ પર બોમ્બમારો કરતા દર્શાવવામાં આવ્યા હતા. ટ્રમ્પે અગાઉ ઘણા આક્રમક નિવેદનો આપ્યા હતા.
દરમિયાન, ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બાઘાઈએ જણાવ્યું હતું કે ઈરાન અને ઓમાને શુક્રવાર અને શનિવારે તેહરાનમાં અનેક તબક્કાની ટેકનિકલ વાટાઘાટો કરી હતી જેમાં અમેરિકા અને ઈરાન વચ્ચેના વિવાદના કેન્દ્રમાં રહેલા દરિયાઈ માર્ગ હોર્મુઝ સ્ટ્રેટના સંચાલન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ગઈકાલે યમનના હુથીઓએ લાલ સમુદ્ર કિનારે સાઉદી તેલ ઉત્પાદન એકમો પર હુમલો કર્યા પછી બાબ અલ-મંડેબ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજોની સંખ્યામાં ઘટાડો થયો હતો. જોકે, ત્રીજો ચીની સુપરટેન્કર બાબ અલ-મંડેબ સ્ટ્રેટમાંથી પસાર થયો હતો. એમએસટી માર્કીના વિશ્લેષક શાઉલ કાવોનિકે જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ટ્રાફિકમાં કોઈપણ સુધારો ધીમો અને આંશિક હોવાની શક્યતા છે, કારણ કે ઘણી શિપિંગ કંપનીઓ સાવધ રહે છે અને સ્ટ્રેટ દ્વારા વધુ ખાલી જહાજો લાવતા પહેલા તેની સલામતી વિશે વધુ ખાતરી ઇચ્છશે.
ઓમાન અને ઈરાન વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા અંગેની વાટાઘાટો સકારાત્મક દિશામાં આગળ વધી રહી હોય તેવું લાગે છે. પ્રાદેશિક અધિકારીઓએ જણાવ્યું છે કે કોઈપણ પરિણામ માટે વધુ ચર્ચાઓ જરૂરી છે. જોકે, બધાની નજર હોર્મુઝ પર ડોનાલ્ડ ટ્રમ્પના વલણ પર છે.
આઈઆરજીસીએ જણાવ્યું છે કે ઈરાનની પરવાનગી વિના એક પણ જહાજ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ શકશે નહીં. આઈઆરજીસીએ એમ પણ કહ્યું કે તેની ચેતવણી પછી હોર્મુઝ સ્ટ્રેટમાં છ જહાજોને અટકાવવામાં આવ્યા હતા. આ સાબિત કરે છે કે તે વિસ્તારમાં નેવિગેશન પર ઈરાનનો સંપૂર્ણ નિયંત્રણ છે.
ઈરાન અને અમેરિકાએ જૂન મહિનામાં સૈન્ય કાર્યવાહી બંધ કરવા અને સ્ટ્રેટને ફરીથી ખોલવા તેમજ આગામી 60 દિવસમાં યુદ્ધનો અંત લાવવા માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ સમજૂતી કરાર નિષ્ફળ ગયો અને 13 જુલાઈના રોજ હોર્મુઝ સ્ટ્રેટમાં ટેન્કરો પર હુમલો થયા બાદ અમેરિકાએ ઈરાન પર હુમલા શરૂ કર્યા.
અમેરિકાના હુમલા બાદ, ઈરાની દળોએ હોર્મુઝની સામુદ્રધુની બંધ કરી દીધી અને ગલ્ફ દેશોમાં અમેરિકાના લશ્કરી મથકો અને ઠેકાણાઓ પર હુમલો કરીને બદલો લીધો હતો. ઈરાની હુમલામાં જોર્ડનમાં ચાર અમેરિકી સૈનિકો માર્યા ગયા હતા. આના કારણે અમેરિકા વધુ આક્રમક બની ઈરાન પર બોમ્બમારો કર્યો અને તણાવ નોંધપાત્ર રીતે વધ્યો હતો.
યુદ્ધ બંધ થતા ક્રૂડ ઓઇલ છ ટકા સસ્તું થયું
યુદ્ધ બંધ થતા આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર રાહત મળી છે. છેલ્લા ત્રણ અઠવાડિયાથી ક્રૂડ ઓઇલના ભાવ સતત વધી રહ્યા હતા. જોકે, આજે સવારે યુએસ અને ગલ્ફ ક્રૂડ ઓઇલ સાપ્તાહિક નીચા સ્તરે પહોંચી ગયું છે. યુએસ ક્રૂડ ઓઇલના ભાવ 5.16 ડોલર અથવા 5.78 ટકા ઘટીને 84.15 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યા છે. દરમિયાન, ગલ્ફ ક્રૂડ ઓઇલ 5.36 ડોલર અથવા 5.54 ટકા ઘટીને 91.42 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું છે. હોર્મુઝ સ્ટ્રેટમાં શિપિંગ ફરી શરૂ થઈ શકે છે.
ઈરાનની અમેરિકા સાથે વાતચીત માટે ત્રણ શરતો
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા નવા અથવા વૈકલ્પિક માર્ગ માટેના કોઈપણ પ્રસ્તાવને નકારી કાઢ્યો છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે હોર્મુઝ સ્ટ્રેટ પર કોઈપણ કિંમતે પાછળ નહીં હટે અને દરિયાઈ માર્ગ યુદ્ધ પહેલાની સ્થિતિમાં પાછો નહીં આવે. અલ-અરેબિયાના મતે, ઈરાન ઇચ્છે છે કે વાટાઘાટો શરૂ થાય તે પહેલાં અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ સુનિશ્ચિત કરે. આ તેની પહેલી શરત છે. બીજી શરત ઇરાનના સ્થિર ભંડોળની મુક્તિ છે. ઇરાને તેના ત્રીજા મુદ્દા તરીકે તેના પરમાણુ કાર્યક્રમ પર ચર્ચા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ઇરાને મધ્યસ્થી પાકિસ્તાનને કહ્યું છે કે તે શરતોને આધીન, જીનીવા, દોહા અથવા ઇસ્લામાબાદમાં વાટાઘાટો કરવા તૈયાર છે.