રાજ્યના શિક્ષણ વિભાગની વર્ગ-3ની ગૌણ સેવા તથા બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના કર્મચારીઓ માટે યોજાનારી ખાતાકીય પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ આ પરીક્ષા 12 અને 13 ડિસેમ્બરના રોજ યોજાવાની હતી, પરંતુ હવે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નવી તારીખો જાહેર કરવામાં આવી છે. જે મુજબ પરીક્ષા 19 અને 20 ડિસેમ્બર, 2026ના રોજ યોજાશે.
આ ખાતાકીય પરીક્ષામાં મદદનીશ શિક્ષણ નિરીક્ષક, મદદનીશ શિક્ષક, પંચાયત સંવર્ગના જિલ્લા શિક્ષણ નિરીક્ષક, વિસ્તરણ અધિકારી અને કેળવણી નિરીક્ષક વર્ગ-3ની પરીક્ષાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના બિનશૈક્ષણિક કર્મચારીઓ માટે જુનિયર ક્લાર્કની લોઅર લેવલ અને સિનિયર ક્લાર્કની હાયર લેવલની ખાતાકીય પરીક્ષા પણ લેવામાં આવશે.
દરમિયાન, શિક્ષણ વિભાગ દ્વારા ઉમેદવારોની પાત્રતાના નિયમોમાં સુધારો કરવામાં આવ્યો હોવાથી નવી પાત્રતા મુજબ પરીક્ષા આપવા ઇચ્છુક ઉમેદવારોને ફરીથી અરજી કરવાની તક આપવામાં આવી છે. આવા ઉમેદવારો 18થી 25 નવેમ્બર દરમિયાન રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ .. પર ઓનલાઇન અરજી કરી શકશે.
બિનસરકારી અનુદાનિત શાળાના કર્મચારીઓએ ઓનલાઇન અરજી કયર્િ બાદ તેની પ્રિન્ટ અને જરૂરી આધારપુરાવા શાળાના આચાર્યને આપવાના રહેશે.
આચાર્યએ તમામ અરજીઓ 25 નવેમ્બર સુધીમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં મોકલવાની રહેશે. ત્યારબાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ અરજીઓની ચકાસણી કરીને 29 નવેમ્બર સુધીમાં રાજ્ય પરીક્ષા બોર્ડને મોકલવાની રહેશે. જ્યારે જિલ્લા શિક્ષણાધિકારીઓએ પોતાની કચેરીની અરજીઓ 30 નવેમ્બર સુધીમાં રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર ખાતે પહોંચાડવાની રહેશે.
પરીક્ષાની હોલ ટિકિટ અને અન્ય વિગતો બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. ઉમેદવારોએ પરીક્ષા અંગેની નવી સૂચનાઓ માટે વેબસાઇટ નિયમિત તપાસતા રહેવા બોર્ડ દ્વારા જણાવાયું છે.