BREAKING NEWS

સસ્તા અનાજના વેપારીઓ ૩ સપ્ટેમ્બર સુધી ખાંડ માટેનું બુકિંગ કરી શકશે

  • September 01, 2026 02:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ સસ્તા અનાજના વેપારીઓ આગામી સપ્ટેમ્બર માસ માટે નમક, ચણા, દાળ સહિતના જથ્થા માટે ઓનલાઇન અરજીઓ કરી રહ્યા છે ત્યારે આશરે ૩૫ ટકા જેટલા વેપારીઓ ખાંડના જથ્થાથી વંચિત રહેતા નારાજ થયા હતા. જે બાદ સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કરી વેપારીઓને ખંડના બુકિંગ માટે ૩ સપ્ટેમ્બર સુધી છૂટછાટ આપી છે. સરકારના આ નિર્ણયથી વેપારીઓએ ખુશી વ્યક્ત કરી સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.રાજકોટના સસ્તા અનાજના વેપારીઓને ખાંડનો મળવા પાત્ર જથ્થો ઑનલાઇન બુકિંગ સ્લોટમાં ન બતાવતા ચિંતિત બન્યા હતા. આ તકે ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ એસોસિએશનના મહામંત્રી હિતુભા જાડેજા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ઓગસ્ટ મહિનાની તારીખ ૨૬થી ૩૧ના સમયગાળા દરમિયાન અનાજના ઑનલાઇન બુકિંગ દરમિયાન નમક, ચણા અને દાળનો જ જથ્થો બતાવે છે. પરંતુ ખાંડનો જથ્થો બુકિંગ સ્લોટમાં બતાવવામાં આવી રહ્યો નથી, જે અમારા વેપારીઓ માટે ચિંતાનો વિષય છે. કારણકે ગત તા. ૨૧થી ૨૫ના બુકિંગ સમયે સ્લોટમાં ખાંડ બતાવતી હતી. એટલે એ સમયે બુકિંગ કરનાર વેપારીઓને ખાંડ મળશે જ્યારે હવે જેઓ બુકિંગ કરશે તેઓને ખાંડ મળશે નહીં. બુકિંગમાં બાકી રહેલા વેપારીઓ વર્તમાન મહિનાની તા. ૨૬થી ૩૧ દરમિયાન બુકિંગ કરી રહ્યા છે. પણ તેમાં ખાંડના જથ્થાનું બુકિંગ કરી શકાય તેવું જો શક્ય બને તો અમારા માટે વિતરણ સરળ બનશે. એક અંદાજ મુજબ આશરે ૩૫ ટકા વેપારીઓ ખાંડથી વંચિત રહેશે તેવી ચિંતા વ્યક્ત કરી વેપારીઓના વર્તમાન પ્રશ્નના નિરાકરણ માટે માંગ કરી હતી. જે અનુસંધાને સરકાર તરફથી ત્વરિત નિર્ણય લેવાયો છે અને ૩ સપ્ટેમ્બર સુધી બુકિંગની તારીખ વધાર્યાની સાથે ખાંડ માટેનું બુકિંગ પણ ફરી શરૂ કરી દેવાયું છે. સરકારના આ નિર્ણયથી વેપારીઓએ ખુશી વ્યક્ત કરતાની સાથે સરકારનો વિશેષ આભાર માન્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application