જામનગર : દરેડ જીઆઇડીસીમાં માર્ગો પર કેમીકલયુકત પાણીના તલાવડાં..!
જામનગર : દરેડ જીઆઇડીસીમાં માર્ગો પર કેમીકલયુકત પાણીના તલાવડાં..!
January 08, 2026 10:59 AM
જામનગરના દરેડ જીઆઇડીસીમાં માર્ગો પર કેમીકલયુકત પાણીના તલાવડાં ભરાયેલા હોય આશ્ર્ચર્યની સાથે અનેક સવાલો ઉઠ્યા છે. કારખાનાના ઔધોગીક ગંદા પાણીનો વૈજ્ઞાનીક ઢબે નીકાલ થાય છે કે કેમ તે નિયમની અમલવારી જેમના શીરે છે તે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સ્થાનીક અધિકારીઓની ભૂંડી ભૂમિકાથી આ વિસ્તારમાં વૈજ્ઞાનીક ઢબે કારખાનાના પ્રદૂષિત પાણીના નિકાલના નિયમોનો સરેઆર ઉલાળીયો થઇ રહ્યો છે. જેના કારણે જમીનના તળમાં આ ગંદા પાણી ઉતરાતા જન આરોગ્ય પર જીવલેણ ખતરો ઉભો થયો છે. આમ છતાં નાટકીય કાર્યવાહી કરી જીપીસીબી ઉચ્ચ અધિકારીઓ અને લોકોને ઉંધા ચશ્મા પહેરાવી રહ્યાની ફરિયાદો સામાન્ય બની છે.
જામનગરના ઔધોગીક વિસ્તારોમાં દીન-પ્રતિદિન પ્રદૂષણ માઝા મૂકી રહ્યું છે. ખાસ કરીને કારાખાનાના કેમીકલ એટલે કે રસાયણયુકત પાણીનો હજુ પણ ખુલ્લેઆમ નીકાલ કરવામાં આવી રહ્યો છે. કારણ કે, દરેડ જીઆઇડીસી ફેઝ-૧ અને ૨ના વિસ્તારોમાં માર્ગો પર કારાખાનના ગંદા એટલે કે કેમીકલવાળા પીળા પાણીના માર્ગો પર ભરેલા તલાવડા તેનો બોલતો પુરવો છે. નવાઇની વાત તો એ છે કે, ઔધોગીક ગંદા અને કેમીકલયુકત પાણીનો વૈજ્ઞાનીક ઢબે નીકાલ કરવાનો નિયમ છે. પરંતુ આ નિયમનો હજુ પણ સરેઆમ ઉલાળીયો કરવામાં આવી રહ્યો છે.
આ નિયમનું ઔધોગીક વિસ્તારમાં પાલન થાય છે કે કેમ તેની જવાબદારી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના શીરે છે. પરંતુ જીપીસીબીના સ્થાનીક અધિકારીઓની ભૂંડી ભૂમિકાથી આ નિયમનો ઉલાળીયો કરનારને મોકળું મેદાન મળી ગયું છે. આટલું ઓછું હોય તેમ જીપીસીબીના અધિકારીઓ મનસ્વી રીતે દરેડ જીઆઇડીસી વિસ્તારમાં નાટકીય રીતે તપાસની કામગીરી કરી સંતોષ માની રહ્યા છે. આટલું જ નહીં દેખાડારૂપ કરેલી કામગીરી અંગે વાહવાહી એટલે કે સસ્તી પ્રસિઘ્ધિ મેળવી જીપીસીબીના ઉચ્ચ અધિકારીઓ અને શહેરીજનોને ઉંઘા ચશ્મા પહેરાવી રહ્યા છે.
આટલે થી વાત અટકતી નથી. કેમીકલયુકત પાણીના ખુલ્લેઆમ નિકાલ કરતા કારખાના પૈકી ગણ્યાગાંઠ્યા કારખાનાને નોટીસ આપી રીપોર્ટ કરવામાં આવ્યો છે ત્યારબાદ શું આખરી પગલાં લેવામાં આવ્યા છે તે જીપીસીબીના સ્થાનીક અધિકારીઓ દ્રારા જાહેર ન કરી નિયમોના ભંગ પર પડદો પાડી દેવામાં આવે છે. જેના કારણે કારખાનાના પ્રદૂષિત પાણીનો નિકાલ માર્ગો પર ખુલ્લેઆમ થઇ રહ્યો છે. આટલું જ નહીં આ દૂષિત પાણી જમીનના તળમાં ઉતરતા જન આરોગ્ય પર જીવલેણ ખતરો ઉભો થયો છે. આમ છતાં જીપીસીબીના સ્થાનીક અધિકારીઓ આંખ આડા કાન કરતા કારખાનાના દૂષિત પાણીનો ખુલ્લેઆમ નિકાલ કરનારાઓને મોકળું મેદાન મળી ગયું છે. ત્યારે કારખાનાના કેમીકલયુકત અને દૂષિત પાણીથી કોઇ જીવલેણ રોગચાળો ફેલાશે તો જીપીસીબીના અધિકારીઓ જવાબદારી લેશે કે કેમ તે સળગતો સવાલ શહેરીજનોમાં ઉઠ્યો છે.
બીજી બાજુ શહેરના ઔધોગીક વિસ્તારોમાં પ્રદૂષણે હદ વટાવી છે ત્યારે ભેદી ચૂપકીદી સેવનાર જીપીસીબીના સ્થાનિક અધિકારીઓની કામગીરીની વીજીલન્સ તપાસ કરવામાં આવે તો ખૂબજ ચોંકાવનારી હકીકતો ખૂલવાની શકયતા પણ ઔધોગીક ક્ષેત્રના તજજ્ઞો અને જાણકારોએ વ્યકત કરી છે.
ગોકુલનગર અને આજુબાજુના વિસ્તારોમાં બોરમાંથી કેમીકલયુકત પાણીની ફરિયાદો, લોકોમાં ભય અને ચિંતા
જામનગરના ઔધોગીક વિસ્તારોમાં કારખાનાના દૂષિત અને ઝેર ઓકતા પાણીનો ખુલ્લેઆમ નીકાલ થઇ રહ્યો છે. આટલું જ નહીં નિયમોનો ઉલાળીયો કરી આ પાણીનો ભેદી રીતે નિકાલ પણ કારખાના દ્રારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ ઔધોગીક એકમો નજીક આવેલા ગોકુલનગર અને આજુબાજુના વિસ્તારોમાં બોરમાંથી કેમીકલયુકત પાણી આવી રહ્યાની ફરિયાદો સામાન્ય બની છે. આટલું જ નહીં બોરમાંથી આ પ્રકારનું દૂષિત પાણી આવતા આ વિસ્તારોમાં રહેતા લોકોમાં ભય અને ચિંતાની લાગણી ફેલાઇ છે. આમ છતાં કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા જીપીસીબીના અધિકારીઓની મીલીભગત છે તેવી ફરિયાદો પણ આ વિસ્તારમાં રહેતા લોકોમાં ઉઠી છે.
ઝેર ઓકતું પાણી નિકાલ માટેના બોર દેખાવ પૂરતા, ભેદી જોડાણ આપી ગટરમાં સીધો નિકાલ..!
જામનગરના ઔધોગીક વિસ્તારમાં કારખાનામાંથી નીકળતા કેમીકલયુકત એટલે કે ઝેર ઓકતા પાણીના નિકાલ માટે ઘણા કારખાનેદારો દ્રારા અન્ડરગ્રાઉન્ડ બોર બનાવામાં આવ્યા છે. જીપીસીબીના નિયમ મુજબ આ પાણીના વૈજ્ઞાનીક પ્રક્રીયા કરી તેનો નિકાલ કરવાનો હોય છે. પરંતુ બોરમાં પાણીનો નિકાલ કરી વૈજ્ઞાનિક પ્રક્રીયા કરવાના બદલે ગટરમાં ભેદી એટલે કે અન્ડરગ્રાઉન્ડ કનેકશન આપી દૂષિત પાણીનો સીધો નિકાલ કરવામાં આવી રહ્યો છે. રંગમતીમાં ઠલવાતા દૂષિત પાણી અને તેના કારણે થતાં ફીણ તેનો બોલતો પુરાવો છે. આ બાબતની જીપીસીબીના અધિકારીઓને જાણ ન હોય તે માની શકાય તેવી બાબત નથી. આમ છતાં ભેદી ચૂપકીદી સેવાતા જીપીસીબીની કામગીરી શંકાના દાયરામાં આવી છે.