આંતરડા માટે અત્યંત હાનિકારક એવા પ્રતિબંધિત ફૂડ કલરનો વપરાશ કરતા હોવાનું તેમજ વાસી અને અખાદ્ય પદાર્થોનો જથ્થો મળી આવતા રાજકોટ મહાપાલિકાની ફૂડ બ્રાન્ચ દ્વારા શહેરમાં ચાઈનીઝ અને પંજાબી ફૂડના વધુ ચાર રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવ્યા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
મહાપાલિકા દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ નીચે મુજબની કુલ ચાર પેઢીઓ સીલ કરાઇ હતી.
જય રામનાથ ચાઇનીઝ એન્ડ પંજાબી, માનવઆશ્રમ સામે, નાયરા પેટ્રોલપંપ પાસે, કોઠારીયા રોડ, રાજકોટ મુકામે પેઢીમાં વાસી તથા અખાદ્ય મંચૂરિયન, અન્ય પ્રિપેર્ડ ફૂડનો કુલ મળી ૧૩ કિલો જથ્થાનો સ્થળ ઉપર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને હાઈજેનિક કન્ડિશન તથા યોગ્ય સ્ટોરેજ બાબતે નોટિસ આપેલ તથા રૂ.૩૦૦૦નો દંડ વહીવટી ચાર્જ વસૂલ કરી પેઢી સીલ કરવામાં આવી હતી.
હરેકૃષ્ણ રેસ્ટોરન્ટ એન્ડ ફૂડ પાર્સલ -શિરોમણી કોમ્પલેક્ષ, કવિ નાનાલાલ માર્ગ, લાખાજીરાજ રોડ નજીક રાજકોટ મુકામે પેઢીમાં અમાન્ય ફૂડ કલર મળી આવેલ તેમજ વાસી ખાદ્ય ચીજનો કુલ મળી આઠ કિલો જથ્થાનો સ્થળ ઉપર નાશ કરવામાં આવેલ. પેઢીને યોગ્ય સ્ટોરેજ બાબતે નોટિસ આપેલ તેમજ રૂ.૩૦૦૦નો દંડ વસુલ કરી પેઢી સીલ કરવામાં આવી હતી.
ઓમ સાંઈ ચાઇનીઝ પાઉંભાજી રેસ્ટોરન્ટ -ભગતસિંહજી ગાર્ડન સામે, યુનિવર્સિટી રોડ, રાજકોટ મુકામે પેઢીમાં પ્રતિબંધિત ફૂડ કલર મળી આવેલ. ફ્રીજમાં સંગ્રહેલ વાસી ગ્રેવી, પાઉંભાજી તેમજ બાફેલા સલાડનો કુલ મળી ૧૧ કિલો જથ્થાનો સ્થળ ઉપર નાશ કરવામાં આવેલ. હાઈજેનિક કન્ડિશન તથા યોગ્ય સ્ટોરેજ બાબતે નોટિસ આપેલ તથા રૂ.પાંચ હજારનો દંડ વસુલી પેઢી સીલ કરાઇ હતી.
એન્જલ ચાઇનીઝ પંજાબી -ભગતસિંહજી ગાર્ડન સામે, યુનિવર્સિટી રોડ, રાજકોટ મુકામે પેઢીમાં પ્રતિબંધિત ફૂડ કલર મળી આવેલ. વાસી પ્રિપેર્ડ ફૂડ તેમજ સડેલા શાકભાજીનો કુલ મળી ૧૮ કિલો જથ્થાનો સ્થળ ઉપર નાશ કરવામાં આવેલ.પેઢીને હાઈજેનિક કન્ડિશન તથા યોગ્ય સ્ટોરેજ બાબતે નોટિસ ફટકારી રૂ.પાંચ હજારનો દંડ વસુલ કર્યો હતો.