BREAKING NEWS

સુરતમાં ભાજપ-કોંગ્રેસ અને આપના કાર્યકરો વચ્ચે ઘર્ષણઃ એકબીજાને ખેસ પહેરાવ્યા, પગ નીચે કચડ્યા

  • April 13, 2026 01:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને સુરતનું રાજકારણ હવે ચરમસીમાએ પહોંચ્યું છે. આજે જ્યારે 120 બેઠકો માટે નોંધાયેલા ઉમેદવારોના ફોર્મની ચકાસણીની પ્રક્રિયા કલેક્ટર કચેરી ખાતે હાથ ધરવામાં આવી હતી ત્યારે કચેરીની બહાર રાજકીય પક્ષો વચ્ચે ભારે ઘર્ષણ જોવા મળ્યું હતું. ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી જતાં કલેક્ટર કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી. 



દ્રશ્યો ત્યારે વધુ નાટકીય બન્યા જ્યારે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના કાર્યકરો એકબીજા સાથે બાખડી પડ્યા હતા. આવેગમાં આવી ગયેલા કાર્યકરોએ પરસ્પરને નીચા દેખાડવા માટે એકબીજાને પોતાના પક્ષના ખેસ પહેરાવવાની હોડ લગાવી હતી. 'આપ'ના કાર્યકરે ભાજપના કાર્યકરને અને ભાજપના કાર્યકરે 'આપ'ના કાર્યકરને બળજબરીથી ખેસ પહેરાવી દીધા હતા. જોકે, આ રાજકીય મજાક ત્યારે ગંભીર બની જ્યારે ઉશ્કેરાયેલા કાર્યકરોએ પક્ષના પ્રતીક સમાન ખેસને ગળામાંથી કાઢીને રસ્તા પર ફેંકી દીધા હતા અને તેને પગ નીચે કચડ્યા હતા. આ પ્રકારના વર્તનને કારણે રાજકીય ગરિમા લજવાઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.



બીજી તરફ, ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. 120 બેઠકોના ફોર્મની ચકાસણી દરમિયાન બંને પક્ષના સમર્થકોએ જોરશોરથી સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. કોંગ્રેસે શાસક પક્ષ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા તો સામે પક્ષે ભાજપના કાર્યકરોએ પણ બમણા વેગથી નારેબાજી કરી હતી. કલેક્ટર કચેરીનો આખો વિસ્તાર સૂત્રોચ્ચારથી ગાજી ઉઠ્યો હતો, જેના કારણે વહીવટી પ્રક્રિયામાં પણ વિક્ષેપ પડવાની ભીતિ સેવાઈ હતી.



ચૂંટણી ફોર્મની ચકાસણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા પહેલેથી જ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, પરંતુ કાર્યકરોની મોટી સંખ્યા અને ઉશ્કેરાટને જોતા વધારાની પોલીસ કુમક બોલાવવાની ફરજ પડી હતી. વારંવાર પોલીસે કાર્યકરોને શાંત પાડવા પ્રયાસ કર્યા હતા, છતાં માહોલ કલાકો સુધી તંગ રહ્યો હતો.

સુરત મનપાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ હોવાથી દરેક બેઠક પર ખેંચતાણ જોવા મળી રહી છે. આજની ઘટનાએ પુરવાર કર્યું છે કે આગામી દિવસોમાં પ્રચાર પ્રસાર દરમિયાન હજુ પણ વધુ રાજકીય ગરમાવો જોવા મળી શકે છે. હાલમાં ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણતાના આરે છે, પરંતુ આ ઘર્ષણની ચર્ચાઓ આખા શહેરમાં વહેતી થઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application