અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા આસારામ આશ્રમ નજીક શિવનગર ખાતે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા ગુજરાત હાઇકોર્ટના આદેશનું કડક પાલન કરતા એક મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઇન્દિરા આવાસ યોજના હેઠળ આશરે ૪૦ વર્ષ પહેલા સ્થાનિકોને પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. જોકે, તપાસ દરમિયાન સામે આવ્યું છે કે અનેક સનદધારકોએ પોતાની ૫૦ વારની કાયદેસરની મર્યાદા ઓળંગીને ૧૦૦ થી ૧૫૦ વાર સુધીનું મોટાપાયે ગેરકાયદેસર બાંધકામ કરી લીધું હતું. આ ગેરકાયદેસર દબાણોને હટાવવા માટે તંત્ર દ્વારા આજે સવારથી જ બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. તેમજ એક મહિલાએ ફિનાઈલ પી લીધું હતું.
ડિમોલિશનની આ કડક કાર્યવાહી દરમિયાન તંત્રના બુલડોઝર સામે પોતાના ઘરને તૂટતું બચાવવા માટે નીતા નામની એક સ્થાનિક મહિલાએ ભારે આક્રોશમાં આવીને સ્થળ પર જ ફિનાઇલ પી લીધું હતું. જેના કારણે ઘટનાસ્થળે હાજર અધિકારીઓ અને લોકોમાં ભારે દોડધામ અને અફરાતફરી મચી ગઈ હતી. ત્યાં હાજર પોલીસ અને આસપાસના લોકોએ તત્પરતા દાખવી મહિલાને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડી છે. આ ઘટનાને પગલે સમગ્ર મોટેરા વિસ્તારમાં ભારે તણાવ અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
આજે સવારે પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગની ટીમ પોલીસ કાફલા, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટુકડીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી ત્યારે માહોલ ગરમ થઈ ગયો હતો. ૪૦ વર્ષ પહેલા અહીં માત્ર ૩૭ સનદધારકોને પ્લોટ ફાળવાયા હતા, પરંતુ હાલના સર્વે મુજબ ત્યાં આશરે ૬૫ જેટલા કુટુંબો વસવાટ કરી રહ્યા છે. તંત્ર દ્વારા સ્થાનિકોને પોતાનો સામાન બહાર કાઢવા માટે માત્ર ૨૦ મિનિટનો ટૂંકો સમય આપવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક રહીશોએ દબાણ જાતે દૂર કરવા માટે કોર્પોરેશન પાસે થોડો વધારાનો સમય માગ્યો હતો, પરંતુ કોર્પોરેશન કાયદાકીય આદેશને પગલે પોતાના નિર્ણય પર મક્કમ રહ્યું હતું. આ દરમિયાન સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ અને બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા, પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસે કેટલાક વિરોધ કરનારા લોકોની અટકાયત પણ કરી હતી.
તંત્રના જણાવ્યા અનુસાર, સરકાર આ વિસ્થાપિતો પ્રત્યે માનવતાવાદી અભિગમ ધરાવે છે. પાત્રતા ધરાવતા કુટુંબોને પુનર્વસન યોજના હેઠળ ૬૧ ચોરસ મીટરના પાકા મકાન આપવાની સરકારે ખાતરી આપી છે. એટલું જ નહીં, જ્યાં સુધી આ પરિવારોને નવું ઘર ન મળે ત્યાં સુધી દર મહિને રૂપિયા ૧૦,૦૦૦નું ભાડું ચૂકવવાની પણ વહીવટી તંત્રની તૈયારી હતી. આમ છતાં, લાંબા સમયથી મકાનો ખાલી ન થતા અંતે કડક વલણ અપનાવવું પડ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ મોકાની જમીન પર આગામી સમયમાં અત્યંત મહત્વકાંક્ષી 'સરદાર પટેલ સ્પોર્ટ એન્ક્લેવ'નું ભવ્ય નિર્માણ થવા જઈ રહ્યું છે, જેના વિકાસ કાર્યો માટે આ તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવા તંત્ર માટે અનિવાર્ય બન્યા છે.
ડિમોલિશનની આ કડક કાર્યવાહી દરમિયાન તંત્રના બુલડોઝર સામે પોતાના ઘરને તૂટતું બચાવવા માટે નીતા નામની એક સ્થાનિક મહિલાએ ભારે આક્રોશમાં આવીને સ્થળ પર જ ફિનાઇલ પીવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે ઘટનાસ્થળે હાજર અધિકારીઓ અને લોકોમાં ભારે દોડધામ અને અફરાતફરી મચી ગઈ હતી. ત્યાં હાજર પોલીસ અને આસપાસના લોકોએ તત્પરતા દાખવી મહિલાને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડી છે. આ ઘટનાને પગલે સમગ્ર મોટેરા વિસ્તારમાં ભારે તણાવ અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.