રાજકોટ યાર્ડમાં ઈન્સ્પેક્ટરો-મજૂરો વચ્ચે બબાલ, એક કલાક સુધી હરાજી ઠપ્પ રહેતા ખેડૂતો રઝળ્યા
રાજકોટ યાર્ડમાં ઈન્સ્પેક્ટરો-મજૂરો વચ્ચે બબાલ, એક કલાક સુધી હરાજી ઠપ્પ રહેતા ખેડૂતો રઝળ્યા
October 15, 2025 10:50 AM
રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટના બેડી સ્થિત મુખ્ય માર્કેટ યાર્ડ ખાતે આજે સવારે મગફળી અને કપાસ સહિતની જણસીઓની ચિક્કાર આવક વચ્ચે યાર્ડના ઇન્સ્પેક્ટરો અને મજૂરો વચ્ચે બબાલ બાદ મજૂરોએ વિજળીક હડતાલ પાડતા એકાદ કલાક સુધી હરાજી ઠપ્પ થઇ હતી. દરમિયાન ચેરમેન જયેશભાઇ બોઘરાએ ત્વરિત સ્થળ ઉપર પહોંચી હરાજી સહિતના કામકાજ પૂર્વવત કરાવ્યા હતા તેમ જાણવા મળે છે.
વિશેષમાં રાજકોટ યાર્ડના વર્તુળોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, આજે સવારે ઇન્સ્પેક્ટરો અને મજૂરો વચ્ચે માથાકૂટ થતા મજૂરો વિફર્યા હતા અને માલ ઉપાડવાનું બંધ કરીને વિજળીક હડતાલ પાડી હતી. એવી પણ ચર્ચા છે કે યાર્ડના સ્ટાફ અને મજૂરો વચ્ચેની બબાલમાં વાત મારામારી સુધી પહોંચી ગઇ હતી અને ત્યારબાદ હરાજી સહિતનું કામકાજ ઠપ્પ થયું હતું. બનાવની જાણ થતા ચેરમેન જયેશભાઇ બોઘરાએ સ્થળ ઉપર પહોંચી મામલો થાળે પાડતા ખેડૂતોના માલની હરાજી શરૂ કરાવી હતી. ભવિષ્યમાં જો ક્યારેય આવી હરકત થશે તો આકરા પગલા લેવાશે તેવી ચીમકી પણ ચેરમેને ઉચ્ચારી હતી.