BREAKING NEWS

અમદાવાદ મનપા દ્વારા સ્વચ્છ નવરાત્રિ સ્પર્ધા, ગરબા આયોજકોને એક લાખ, સોસાયટીને 51 હજારનું ઈનામ

  • October 01, 2026 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોમાં સ્વચ્છતા અને પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા માટે ગત વર્ષની જેમ આ વર્ષે પણ 'સ્વચ્છ નવરાત્રિ' સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં સોસાયટીઓ અને સામૂહિક ગરબા આયોજકો ઉત્સાહભેર ભાગ લઈ શકશે, જેમાં વિજેતાઓને આકર્ષક રોકડ ઇનામોથી સન્માનિત કરવામાં આવશે.

સ્પર્ધામાં વિજેતા બનનાર સામૂહિક ગરબા આયોજકો માટે શહેર કક્ષાનું પ્રથમ ઇનામ એક લાખ રૂપિયા, દ્વિતીય ઇનામ 71 હજાર રૂપિયા અને તૃતીય ઇનામ 51 હજાર રૂપિયા રાખવામાં આવ્યું છે. જ્યારે ઝોન કક્ષાએ પ્રથમ ઇનામ 51 હજાર, દ્વિતીય 31 હજાર અને તૃતીય ઇનામ 21 હજાર રૂપિયા રહેશે. આ ઉપરાંત, સોસાયટીઓ માટે શહેર કક્ષાએ પ્રથમ ઇનામ 51 હજાર, દ્વિતીય 31 હજાર અને તૃતીય ઇનામ 21 હજાર રૂપિયા નક્કી કરાયા છે, જ્યારે ઝોન કક્ષાએ પ્રથમ ઇનામ 31 હજાર, દ્વિતીય 21 હજાર અને તૃતીય ઇનામ 11 હજાર રૂપિયા આપવામાં આવશે.

સ્પર્ધામાં જોડાવા માટે ઇચ્છુક સોસાયટીઓ અને ગરબા આયોજકોએ પોતાના વિસ્તારના સ્થાનિક પબ્લિક હેલ્થ ઓફિસરની મદદથી ઓફલાઇન ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભર્યા બાદ મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા રચવામાં આવેલી વિવિધ કમિટીઓ દ્વારા ગરબા સ્થળની રૂબરૂ મુલાકાત લેવામાં આવશે અને વ્યવસ્થાઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવામાં આવશે.

આ સ્પર્ધાનો મુખ્ય હેતુ 'ઝીરો વેસ્ટ' જેવી પર્યાવરણલક્ષી થીમને પ્રોત્સાહન આપવાનો અને ગરબા દરમિયાન ઉત્પન્ન થતા ઘન કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરવાનો છે. સ્થળ મુલાકાત દરમિયાન કુલ 100 ગુણમાંથી 30 ગુણ ઓવરઓલ આદર્શ સફાઈ માટે ફાળવવામાં આવશે, જ્યારે બાકીના ગુણ ડસ્ટબિનની વ્યવસ્થા, નિર્માલ્ય કલેક્શન, ફૂડ વેસ્ટ મેનેજમેન્ટ, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો પ્રતિબંધ અને જાહેર શૌચાલયની સ્વચ્છતા જેવા વિવિધ માપદંડોના આધારે આપવામાં આવશે.

મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા બનાવવામાં આવેલી સાત ઝોનલ કમિટીઓ સ્થળ મુલાકાત લઈને પ્રથમ ત્રણ વિજેતાઓની યાદી તૈયાર કરશે. ત્યારબાદ સંબંધિત ઝોનના ડેપ્યુટી ડાયરેક્ટર આ યાદી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મારફતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડાયરેક્ટરને મોકલશે. આ સરાહનીય પહેલથી નવરાત્રિના ઉત્સવ સાથે પર્યાવરણની જાળવણી પણ સુનિશ્ચિત થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application