સરકારી જમીન સંબંધિત કેસોમાં સત્તામર્યાદા વધ્યા બાદ કલેકટરે ૧૨ કેસોનો નિકાલ કર્યો
સરકારી જમીન સંબંધિત કેસોમાં સત્તામર્યાદા વધ્યા બાદ કલેકટરે ૧૨ કેસોનો નિકાલ કર્યો
July 30, 2026 09:31 AM
ગુજરાત સરકારે સરકારી પ્રોજેક્ટ્સ તથા ઔદ્યોગિક સમાજિક હેતુ માટે સરકારી જમીન ફાળવણી સંબંધિત કેસોમાં કલેક્ટર-ડી.ડી.ઓની સત્તા મર્યાદામાં વધારો કરતા રાજકોટ કલેકટરે જમીન સંબંધિત ૧૨ કેસોનો નિકાલ કર્યો છે. જ્યારે બાકીના ૩૬ કેસો પર વધુ કામગીરી માટે સરકારમાં મોકલવામાં આવ્યા છે.
રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ, ઔદ્યોગિક વિકાસ, સામાજિક-જાહેર હેતુઓ અને ગ્રામીણ વિકાસના પ્રકલ્પોને વધુ ઝડપી બનાવવાના ઉદ્દેશ્યથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ સરકારી જમીનની ફાળવણી, જાહેર સાહસો અને વિવિધ હેતુઓ માટે જમીન ગ્રાન્ટ કરવા અંગે જિલ્લા કલેક્ટર તેમજ ગામતળના પ્લોટ માટે જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.ઓની નાણાંકીય સત્તામર્યાદામાં મોટો વધારો કર્યો છે. રાજ્ય સરકારે બિઝનેસને વેગ આપવા સાથે વહિવટી પ્રક્રિયામાં સુધારા અને વ્યાપક સરળીકરણનો અભિગમ અપનાવ્યો છે. આ દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું લઈને મુખ્યમંત્રીએ સરકારી જમીન ફાળવણી કામગીરી ઝડપી બનાવવા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની સત્તામર્યાદા વધારી આપી છે. ત્યારે રાજકોટ કલેકટરે આ લગત ૪૮ કેસમાંથી ૧૨ કેસનો નિકાલ કરી દીધો છે. તેમજ ૩૬ કેસો પેન્ડિંગ છે તેમાં ન્યાયિક કામગીરી કરી વધુ તપાસ અને કાર્યવાહી માટે ઉપરના સ્તરે સરકારમાં મોકલવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે.