જામનગરમાં અન્ય શહેરો કરતા મહત્વની એસઆઇઆરની કામગીરી ખૂબજ ધીમી થઇ રહી હોય વહીવટી તંત્ર ઉંધા માથે થયું છે. આથી હવે આ કામગીરીમાં કોલેજના વિધાર્થીઓની માનદ સેવા એટલે કે કામે લગાડવાના નિર્ણયથી ભારે આશ્ર્ચર્યની સાથે અનેક સવાલ ઉભા થયા છે. શહેરની ૧૫ કોલેજને ૨૦ છાત્રોની યાદી મોકલવા મદદનીશ મતદાર નોંધણી અધિકારી દ્રારા આદેશ કરાયો છે. આટલું જ નહીં ફેસીલીટેશન સેન્ટરમાં બીએલઓ સહાયકની ફરજ માટે શિક્ષક સહીત જુદી-જુદી કચેરીના ૭૧ કર્મચારીના ઓર્ડર નીકળ્યા છે.
જામનગર સહીત રાજયભરમાં એસઆઇઆર એટલે કે મતદાર યાદી ખાસ સઘન સુધારણાની કામગીરી ૨૮-૧૦-૨૦૨૫થી ચાલી રહી છે. પરંતુ અન્ય શહેર કરતા જામનગરમાં આ કામગીરી મંદ ગતીએ થઇ રહી છે. નિયત સમયમર્યાદામાં આ કામગીરી પૂર્ણ કરવાની છે. ત્યારે જામનગરમાં ગોકળ ગાયની ગતિએ ચાલતી કામગીરી વેગવાન બનાવવા તંત્ર ઉંધા માથે થયું છે. આ સ્થિતિમાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા કામગીરીમાં શિક્ષકો પછી હવે કોેલેજીયનોને કામે લગાડવાનો એટલે કે જોતરવાનો નિર્ણય કરાયો છે. કારણ કે, ૭૮-જામનગર ઉતર વિધાનસભાના મદદનીશ મતદાર નોંધણી અધિકારીએ આ કામગીરીમાં વિધાર્થીઓની માનદ સેવા માટે શહેરની કોલેજ દીઠ ૨૦ છાત્રની યાદી મોકલવા તા.૧૫-૧૧-૨૦૨૫ના શહેરની ૧૫ કોલેજને આદેશ કર્યો છે.
જેમાં શહેરની એ.કે.દોશી મહીલા કોલેજ, કે.પી.શાહ લો કોેલેજ, એમ.પી.શાહ મ્યુ. કોમર્સ કોલેજ, વી.એમ.મહેતા મ્યુ.આર્ટસ અને કોમર્સ કોલેજ, ગોસર હંસરાજ ગોસરાણી કોમર્સ કોલેજ, એસવીઇટી કોમર્સ અને બીબીએ કોેલેજ, નેશનલ કોમ્પ્યુટર કોલેજ, સી.ઝેડ.એમ.ગોસરાણી બીસીએ કોલેજ, એચ.જે.દોશી ઇન્ફોર્મેશન ટેકનોલોજી કોલેજ, મિનાક્ષીબેન શાંતિભાઇ દવે કોલેજ, વિધાસાગર ઇન્ફોટેક કોલેજ, જયાનંદ કોલેજ ઓફ એજયુકેશન, ગર્વમેન્ટ કોર્મસ કોલેજ, આઇટીઆઇ જામનગર, સરકારી પોલીટેકનીક કોલેજનો સમાવેશ થાય છે.
મદદનીશ મતદાર નોંધણી અધિકારીએ કોલેજને કરેલા આદેશમાં જણાવ્યાનુસાર મતદાર યાદીમાં વારંવાર સ્થળાતંર, એકથી વધુ જગ્યાએ નોંધાયેલા મતદારોના નામ કમી કરવા, મૃત વ્યકિતના નામ દૂર કરવા મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. અગાઉ થયેલી એસઆઇઆરની કામગીરી અને હાલમાં થઇ રહેલી આ કામગીરીમાં ઘણો ફેરફાર થયો છે. કારણ કે, આ વખતે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એસઆઇઆરની કામગીરીનો વ્યાપ ખૂબજ મોટો હોય ગત વખતેના એસઆઇઆરક કરતા મતદારો વધી ગયા છે. વિસ્તાર પણ મોટો હોય તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો મહતમ ઉપયોગ થઇ રહ્યો હોય આ કામગીરી એકદમ સુવ્યવસ્થિત થાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્રારા વોલન્ટીયરનો ઉપયોગ કરવા પણ સૂચન કર્યું છે.
આથી આપની કોલેજના સારા વિધાર્થીઓ હોય તેવા ઓછામાં ઓછા ૨૦ વિધાર્થીઓને આ કામગીરીમાં માનદ સેવાની જરૂરીયાત હોય તેઓની યાદી અને વિધાર્થીઓને મામલતદાર કચેરી, મહેસૂલ સેવા સદન ખાતે મોકલી આપવા જણાવાયું છે. એસઆઇઆરની કામગીરીમાં શિક્ષકો બાદ હવે કોલેજના વિધાર્થીઓને કામે લગાડવાના નિર્ણયથી આશ્ર્ચર્યની સાથે અનેક સવાલ ઉઠ્યા છે.
તદઉપરાંત વિધાનસભા મતવિસ્તાર વિભાગ હેઠળ બનાવામાં આવેલા ફેસીલીટેશન સેન્ટરમાં બીએલઓ સુપરવાઇઝર સાથે બીએલઓ સહાયક તરીકે ૭૧ કર્મીચારીની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં શાળા અને કોલેજના શિક્ષકો ઉપરાંત ગુજરાત મેરીટાઇમ બોર્ડ, કસ્ટમ, મામલતદાર અને શિક્ષણાધિકારી કચેરી, મત્સયઉધોગ નિયામક કચેરી, સહાયક રાજય વેરા કમિશ્નર કચેરી, ભૂસ્તર શાસ્ત્રીની કચેરી, જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ સહીતની કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે. આટલું જ નહીં મતદાર નોંધણી અધિકારીએ કરેલા આદેશમાં એસઆઇઆરની કામગીરી હાલમાં ચાલી રહી હોય તથા સમયમર્યાદામાં પૂર્ણ કરવાની હોય જે કર્મચારીના બીએલઓ સહાયક કર્મીઓને મુકિત આપવા બીનજરી પત્ર વ્યવહાર ન કરવા તાકીદ કરવામાં આવી છેે.
શાળા અને કચેરીઓ ખાલી-ખાલી, છાત્રોનો બગડતો અભ્યાસ, ધરમના ધકકાથી અરજદારો ત્રાહીમામ
જામનગર શહેર-જિલ્લમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા એટલે કે એસઆઇઆરની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં સરકારી શાળાના મોટાભાગના શિક્ષકોને જોતરવામાં આવતા વિધાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે. બીજી બાજે ચાલુ વર્ષે કોર્સ પૂરા થશે કે કેમ તે પણ સવાલ છે. આથી જો પરિણામ નીચું આવશે તો જવાબદારી કોની તે સવાલ ઉઠ્યો છે. તદઉપરાંત મોટાભાગની સરકારી કચેરીના કર્મીઓને પણ આ કામગીરમાં કામે લગાડવામાં આવ્યા હોય કચેરીઓમાં કામ અર્થે આવતા અરજદારોને ધરમના ધકકા થઇ રહ્યા છે. અધિકારીઓ દ્રારા સંબધિત કર્મીઓ એસઆઇઆરની કામગીરીમાં રોકાયેલા હોય તેમ જણાવી જવાબદારી ખંખેરવામાં આવી રહી છે. જેનો ભોગ અરજદારો બની રહ્યા છે.
એસઆઇઆરની કામગીરીમાં ચૂક થશે તો કર્મીઓ સામે દંડાત્મક કાર્યવાહી
જામનગરની એસઆઇઆરની કામગીરીમાં બીએલઓ સહાયક તરીકે ૭૧ કર્મચારીઓના ઓર્ડર મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ દ્રારા કરવામાં આવ્યા છે. આ આદેશમાં જણાવ્યાનુસાર કર્મચારીઓએ ખાસ સઘન મતદાર યાદી સુધારણા કામગીરીને પ્રાથમિકતા આપી ચોકકસાઇથી અને સમયમર્યાદામાં પૂર્ણ કરવાની રહેશે. આ કામગીરીમાં ચૂક થતા લોક પ્રતિનિત્વ અધિનિયમ ૧૯૫૦ હેઠળ દંડાત્મક કાર્યવાહી પણ થશે. આથી બીએલઓ સુપરવાઇઝરનો સંપર્ક કરી તાકીદે કામગીરી શરૂ કરવા તાકીદ કરી છે.