BREAKING NEWS

ઝઘડિયા GIDCમાં બ્લાસ્ટ થતા એકનું મોત, દાદરા ગામે ભીષણ આગની ઝપેટમાં કંપનીઓ ખાખ

  • December 09, 2025 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીની નાઈટ્રેકસ કંપનીમાં આજે સવારે રસાયણિક પ્રક્રિયા દરમિયાન અચાનક જોરદાર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના અવાજ સાથે જ પ્લાન્ટ વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી. આ દુર્ઘટના સમયે નજીકમાં કામ કરી રહેલા બે કામદારો ગંભીર રીતે ઘવાયા હતા. જેમાં મોટા સાંજા ગામના દિનેશ વસાવાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે ભિલોડ ગામના મહેશ વસાવાને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. બીજી તરફ સંઘપ્રદેશ દાદરા અને નગર-હવેલીના દાદરા ગામે બે અલગ-અલગ આગની ઘટનાઓ સામે આવી હતી. દાદરા નગર હવેલીના દાદરા ગામ ખાતે આવેલી લીઝા ઇન્ડસ્ટ્રી નામની પ્લાસ્ટિક કંપનીમાં આજે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી.


દાદરા અને નગર-હવેલીના દાદરા ગામે પ્લાસ્ટિક પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી કંપનીમાં આગ લાગવાના કારણે પ્લાસ્ટિકની હાજરીને લીધે આગે જોતજોતામાં અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી મોટી બની ગઈ હતી કે કંપનીમાં નાના-મોટા વિસ્ફોટ પણ થયા હતા, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. આ વિકરાળ આગની જ્વાળાઓએ બાજુમાં આવેલી આસપાસની અન્ય કંપનીઓને પણ પોતાની ઝપેટમાં લઈ લીધી હતી.


ઘટનાની જાણ થતાં જ સંઘપ્રદેશ દાદરા અને નગર-હવેલીના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમની સાથે અન્ય વિસ્તારોના ફાયર ફાઇટરો પણ આગને કાબૂમાં લેવાના પ્રયત્નોમાં જોડાયા હતા. જોકે, પ્લાસ્ટિક પ્રોડક્ટ્સના કારણે આગ પર કાબૂ મેળવતા ખુબ જ મુશ્કેલીઓ પડી હતી.


દાદરા અને નગર-હવેલીની પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક ધોરણે આસપાસના જોખમી વિસ્તારોને ખાલી કરાવ્યા હતા. કોઈ જાનહાનિ ન થાય તે માટે પોલીસે સુરક્ષાના પગલાં લીધા હતા. જોકે બાદમાં આગ કાબૂમાં આવી ગઇ હતી. જ્યારે કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.


દાદરા અને નગર-હવેલીના ફાયર વિભાગે જણાવ્યું હતું કે, અમને આગ લાગ્યાનો ફોન મળતાં અમારી ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી અને વાપી, સગીગામ સહિતના ફાયર ફાયટરોને પણ બોલાવવામાં આવ્યા હતા. પ્લાસ્ટિકની કંપની હોવાથી આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલીઓ પડી હતી. આ આગ આજુ બાજુની કંપનીઓમાં પણ ફેલાઇ હતી. જેના કારણે તેમને પણ નુકસાન પહોંચ્યું છે. આગ કયા કારણોસર લાગી એ તપાસનો વિષય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application