ખેડૂતોની તલ, મગફળી, સફેદ ચણા જેવી અનેક ખેત પેદાશો ની ખરીદી કર્યા બાદ નાણા નહીં ચૂકવી હાથ ખંખેરી લેતાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સોરઠા ગામમાં રહીને ખેતી કામ કરતા ખેડૂત કુલદીપભાઈ ગોરધનભાઈ કોઠીયાએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરીયાદ કરી ને જણાવ્યું છે, કે પોતાની તથા અન્ય કેટલાક ખેડૂતોની આશરે ૯૬,૯૭,૬૦૧ જેટલી રકમની જુદી જુદી ખેત પેદાશો મેળવી લઈ નાણાં નહીં ચૂકવી વિશ્વાસગાત અને છેતરપિંડી કરવા અંગે કાલાવડના કુંભનાથ પરા વિસ્તારમાં રહેતા દિલીપ નારદભાઈ સાવલિયા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી ખેડૂત કુલદીપભાઈ કોઠીયા પાસેથી આરોપી દિલીપ સાવલિયાએ મગફળી તથા તલ વગેરેનો જથ્થો ખરીદ કર્યો હતો, ઉપરાંત સફેદ ચણા સહિતની અન્ય ખેતપેદાશોની કાલાવડના ગ્રામ્ય વિસ્તારના કેટલાક ખેડૂતો પાસેથી ખરીદી કરી હતી. કુલ ૯૬,૯૭,૬૦૧ જેટલી માતબર રકમની જુદી જુદી ખેતપેદાશોની ખરીદી કરી લીધા બાદ આરોપી દિલીપ સાવલિયાએ નાણાં નહીં ચૂકવી હાથ ખંખેરી લેતાં આખરે તેની સામે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જે ફરિયાદના અનુસંધાને કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકના પીઆઇ એન.વી. આંબલીયા અને તેઓની ટીમ દ્વારા સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરાઈ છે. આરોપી દિલીપ સાવલિયા હાલ ભાગી છૂટ્યો છે, તેની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું છે, તે સમગ્ર મામલામાં પણ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.