ડિજિટલ યુગમાં સાયબર ફ્રોડ એ પોલીસ માટે મોટો પડકાર બની ગયો છે. અસંખ્ય લોકો સાયબર ફ્રોડનો શિકાર બની રહ્યા છે ત્યારે સાયબર ફ્રોડને અટકાવવા માટે પોલીસે ઓપરેશન એકાઉન્ટ મ્યુલ શરૂ કર્યું છે. જે અંતર્ગત રાજ્યભરમાં પોલીસ દ્વારા મ્યુલ એકાઉન્ટ ધારકો તેમજ આ પ્રકારના એકાઉન્ટ શોધી આપનાર એજન્ટો સામે કાર્યવાહી કરવા ઓપરેશન મ્યુલ હન્ટ શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં પણ અલગ અલગ ત્રણ પોલીસ મથકમાં મ્યુલ એકાઉન્ટધારકો તથા એજન્ટો સામે ત્રણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં જેતપુર પોલીસે સાત શખ્સો સામે ગુનો નોંધીચારને ઝડપી લીધા છે. ઉપલેટા પોલીસ પોલીસે બે શખસો સામે જ્યારે શાપર વેરાવળ પોલીસે બે શખસો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ ત્રણેય ગુનામાં મળી મ્યુલ એકાઉન્ટ ધારકના એકાઉન્ટમાં સાયબર ફ્રોડની રૂપિયા 43.65 લાખ જમા થયા હતા.
ભારત સરકારના ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોરિડેશન સેન્ટર નવી દિલ્હી તરફથી મ્યુલ બેન્ક એકાઉન્ટની માહિતી મળી હતી જે અંતર્ગત રાજકોટ રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ અને રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર તેમજ જેતપુર એએસપી સિમરન ભારદ્વાજ દ્વારા જિલ્લામાં સાયબર ક્રાઈમના ગુનાઓમાં વપરાતા મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરી સાયબર ફ્રોડ આચરતા ગુનેગારો તેમજ બેંક એકાઉન્ટ શોધનાર એજન્ટો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લા પોલીસે આવા ત્રણ ગુના નોંધ્યા છે.
જેતપુર પીઆઇ એ.ડી. પરમારની રાહબરીમાં ટીમે મ્યુલ બેન્ક એકાઉન્ટ હોલ્ડરોની સમન્વય પોર્ટલ તથા એનસીસીઆરપી પોર્ટલ હેઠળ સાયબર ફ્રોડનો ભોગ બનનાર વ્યક્તિઓના બેન્ક ટ્રાન્જેક્શનનોની પ્રાથમિક તપાસ કરી કુલ આઠ શખસો સામે ગુનો નોંધ્યો છે. જેમાં અજીમ ઈકબાલભાઈ સોલંકી, મીત જગદીશભાઈ ગુજરાતી, ફેઝાન ફારુકભાઈ વાડીવાલા, હર્ષ સુનિલભાઈ પરમાર, ગૌરવ ભટ્ટ, મુસ્તકીમ અમીનભાઇ માલાણી, તાજીમ અમીનભાઇ માલાણીનો સમાવેશ થાય છે જે પૈકી અઝીમ મીત ફૈઝાન અને હર્ષને પોલીસે ઝડપી લીધા છે.
મૂળ જેતપુરના હાલ સુરત રહેતા મુસ્તકિમ અમીનભાઈ માલાણી અને તેનો ભાઈ તાઝીમ બંને પાંચમા મહિનામાં જેતપુર આવેલ અને અહીંની ક્રિશ હોટલમાં રોકાયા હતા. બંનેએ તેમના સગા એવા ફૈઝાન ફારૂકભાઈ વાડીવાલાને બોલાવેલ અને તેઓ સાયબર ફ્રોડથી નાણાં મેળવે છે તે માટે નાણાં નાખવા સગેવગે કરવા બેન્ક એકાઉન્ટની જરૂર છે અને એકાઉન્ટ બદલ કમીશન આપવામાં આવશે તેમ જણાવેલ. જેથી ફૈઝાને તેમના મિત્ર અઝીમ ઈકબાલભાઈ સોલંકી સાથે બંને ભાઈની મુલાકાત કરાવી આપેલ અને અઝીમે જુદાજુદા એકાઉન્ટ ધારકને શોધી તેમના એકાઉન્ટમાં પૈસા નખાવો લાગ્યો. જેમાં ગૌરવ ભટ્ટ, મિત જગદીશભાઈ ગુજરાતી અને હર્ષ સુનિલભાઈ પરમારના એચડીએફસી, ઇન્ડિયન ઓવરસીઝ તેમજ બેન્ક ઓફ બરોડાના એકાઉન્ટમાં 14,3000 લાખ રૂપિયા સાયબર ફ્રોડના નખાવેલ અને તે પૈસા ચેક દ્વારા ઉપાડી ફૈઝાન આંગડિયા દ્વારા મુસ્તકિમ અને તાઝીમને મોકલી આપતો અને બેન્ક એકાઉન્ટના ઉપયોગ બદલ ખાતાધારકને 5 હજાર કે 1.5 ટકા કમીશન આપવામાં આવતું.
પોલીસે આરોપીઓ પાસેથી પાંચ મોબાઇલ ફોન સહિત 1.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓ સાયબર ફ્રોડથી મેળવેલ નાણા પોતાના આર્થિક ફાયદો મેળવવા માટે એજન્ટો સુધી એજન્ટો દ્વારા સબ એજન્ટોને શોધી અલગ અલગ બેન્ક એકાઉન્ટ હોલ્ડરો શોધી એકાઉન્ટ હોલ્ડરના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી ચેક તેમજ એટીએમ દ્વારા કે ડ્રો કરી આંગડિયા મારફત પૈસા મેળવવાની મુદત મોડસ ઓપરેન્ડી ધરાવે છે. આરોપીઓ સાયબર ફ્રોડના 14.30 લાખના નાણા ચેકથી વી ડ્રો કરી સગેવગે કર્યાનું માલુમ પડ્યું હતું.
જ્યારે ઉપલેટા પોલીસ મથકના પીઆઇ બી.આર.પટેલ તથા તેમની ટીમે બે એકાઉન્ટ ધારકો અલ્પેશ કરસનભાઈ સુવા (ઉ.વ. 32 રહે. શિક્ષક નગર સામે, ઉપલેટા) અને કૃષ્ણદેવસિંહ ઉર્ફે લાલુ રણજીતસિંહ જાડેજા (રહે. ઉપલેટા) વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જેમના એકાઉન્ટમાં સાયબર ફ્રોડના રૂપિયા 20 લાખની રકમ જમા થઈ હતી. જે અંગે અલગ અલગ રાજ્યમાં છ જેટલી ફરિયાદ નોંધાઈ હતી પોલીસે આ બંને આરોપીઓ પૈકી અલ્પેશ સુવાને ઝડપી લે જ્યારે અન્ય આરોપીને ઝડપી લેવા તપાસ હાથ છે.
જ્યારે શાપર વેરાવળ પોલીસ મથકના પી.આઈ આર બી રાણા તથા તેમની ટીમ સાયબર ફ્રોડ અંગે બે એકાઉન્ટ ધારકો સામે ગુનો નોંધ્યો છે જેના નામ મયુર મોહનભાઈ ચાવડા (રહે કાંગશીયાળી) અને અમન કાસમભાઈ ચોટલીયા (રહે. જંગલેશ્વર, રાજકોટ) છે. આ બંને એકાઉન્ટ ધારકોના એકાઉન્ટમાં સાયબર ફ્રોડથી મેળવેલી 9.35 લાખની રકમ જમા થઈ હતી. જે ચેકથી વીડ્રો કરી નાણા સગેવગે કરી ગુના આચર્યો હતો.