BREAKING NEWS

અમદાવાદના જાહેર રસ્તા અને ફૂટપાથ પર ફળ-શાકભાજી વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધ, જાણો નિયમોનો ભંગ કરાનારા સામે શું કાર્યવાહી થશે?

  • September 29, 2026 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા શાકભાજી માર્કેટનો ઉપયોગ કરવાને બદલે જાહેર રસ્તાઓ અને ફૂટપાથ પર થતા ફળ-શાકભાજીના વેચાણને કારણે ટ્રાફિક જામ અને રાહદારીઓની અવરજવરમાં નડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશને લારી અને માલસામાન જપ્ત કરવા સાથે આકરો દંડ ફટકારવાની કડક કાર્યવાહી હાથ ધરી છે. જાહેર રસ્તાઓ, ફૂટપાથ અને ટ્રાફિકને અડચણરૂપ બનતા સ્થળોએ વેચાણ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકીને વેચાણ માત્ર નિર્ધારિત માર્કેટ તથા નિયત સ્થળોએ જ કરવા સ્પષ્ટ સૂચના અપાઈ છે.

અમદાવાદના ૪૮ વોર્ડમાં વોર્ડદીઠ બે વેજીટેબલ માર્કેટ બનાવવાનો મહત્ત્વનો ઠરાવ બે વર્ષ અગાઉ સ્ટેન્ડિંગ કમિટીમાં પસાર કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત અત્યાર સુધીમાં વિવિધ વોર્ડમાં ૭૦ જેટલા આધુનિક માર્કેટ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં એક માર્કેટ પાછળ અંદાજે રૂા. બે થી ત્રણ કરોડ સુધીનો માતબર ખર્ચ કરાયો છે. જોકે, અફસોસની વાત એ છે કે ફેરીયાઓ આ માર્કેટનો ઉપયોગ કરવાના બદલે હજુ પણ રસ્તાઓ પર જ વેચાણ ચાલુ રાખી રહ્યા છે, જેના કારણે માર્કેટ ખાલીખમ જોવા મળે છે અને ટ્રાફિક તથા રાહદારીઓની સમસ્યા યથાવત રહી છે.

ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી જાહેરહિતની અરજીની સુનાવણી દરમિયાન પણ રસ્તા પરના દબાણોના મુદ્દે કોર્પોરેશનની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠવામાં આવ્યા હતા. 'દબાણો કેમ હટાવી શકાતાં નથી?' તેવી ટકોર સાથે હાઈકોર્ટે રોડ પર બેસીને શાકભાજી વેચતા ફેરીયાઓ સહિતનાં દબાણો વહેલી તકે દૂર કરવા અવારનવાર તાકીદ કરી હતી.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, અગાઉ કોર્પોરેશને પોલીસની મદદથી વિવિધ વોર્ડમાં રસ્તા પરનાં દબાણો દૂર કરવાની વ્યાપક કાર્યવાહી કરી હતી. ફેરીયાઓને પ્રેમથી સમજાવીને તૈયાર કરાયેલા માર્કેટમાં બેસીને જ વેચાણ કરવા માટે અનેક સંતોષકારક પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા. આમ છતાં, વારંવારની સૂચનાઓની અવગણના કરીને રસ્તા પર જ વેચાણ કરવાનું ચાલુ રાખવામાં આવતા હવે તંત્ર દ્વારા કડક હાથે કામ લેવાનો આખરી નિર્ણય લેવાયો છે.

નવા નિયમ અનુસાર, જો કોઈ પણ વેચનાર સૂચનાનું ઉલ્લંઘન કરીને જાહેર રસ્તા કે ફૂટપાથ પર વેચાણ કરતા પકડાશે, તો તેને ગેરકાયદેસર દબાણ ગણવામાં આવશે. આવા કિસ્સાઓમાં લારી અને માલસામાન સ્થળ પર જ જપ્ત કરવા ઉપરાંત મોટો આકરો દંડ ફટકારવાની અને કાયદાકીય પગલાં લેવાની કડક કાર્યવાહી અમલમાં મૂકવામાં આવી છે. એએમસીના આ કડક રૂખથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી થવાની અને નાગરિકોને રાહત મળવાની પૂરેપૂરી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News