રાજકોટમાં ગઇકાલે ચૂંટણી પરિણામ આવ્યા બાદ કોંગ્રેસી મહિલા ઉમેદવારના પતિ અને તેના મિત્ર પર લાતી પ્લોટમાં રહેતા બંધુનો છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેથી બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. ઇન્સ્ટાગ્રામમાં ચૂંટણીલક્ષી પોસ્ટ મૂકયા બાદ ગાળાગાળી થતા સમાધાન માટે ભેગા થયા હતા દરમિયાન આ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં આરોપીએ વચ્ચે પડતા તેના ભાઇને પણ છરી ઝીંકી દીધી હતી. બનાવ અંગે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બનાવ અંગે મોરબી રોડ પર સેટેલાઈટ ચોક પાસે મહેશ્વરી પાર્ક મેઇન રોડ પર રહેતા કોંગ્રેસના મહિલા ઉમેદવારના પતિ હાર્દિક ખોડાભાઈ પરમાર(ઉ.વ.૩૬) દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે કુવાડવા રોડ પર લાતી પ્લોટમાં રહેતા નિલેશ ચૌહાણ અને તેના ભાઈ અજય ચૌહાણનું નામ આપ્યું છે. યુવાને જ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે જામનગર રોડ પર ન્યારા ગામના પાટીયા પાસે સચ્ચા સોદા નામની હોટલ ધરાવે છે.
ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, ગઈકાલ બપોરના ત્રણેક વાગ્યે તે ગોંડલ ચોકડી પાસે હતો તે વખતે મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામમાં નિલેશ ચૌહાણનો મેસેજ આવ્યો હતો કે આખી જિંદગી ડબલયા વેળા જ કરજો કંઈ નહીં થાય તમારા કોંગ્રેસથી બાદમાં યુવાને તેને રિપ્લાય કર્યો હતો કે એ તો બધાને ખબર જ છે ડબલ્યા વેડા કોણ કરે છે, તેવો વોઇસ મેસેજ કર્યા બાદ નિલેશે વોઇસ મેસેજ દ્વારા યુવાનને ગાળો આપી હતી યુવાને પણ સામે ગાળો આપી હતી.
ત્યારબાદ સાંજના પોણા છ વાગ્યા આસપાસ હાર્દિક પાણીના ઘોડા પાસે પેડક રોડ પર હતો. ત્યારે નિલેશનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તું ક્યાં છો તું જલ્દીથી પારૂલ બગીચા પાસે આવ જેથી યુવાન તેના મિત્ર સંજય ગોવિંદભાઈ સોલંકીને સાથે લઈ સ્કોર્પિયો કાર લઇ કુવાડવા રોડ પર રણછોડદાસ બાપુના આશ્રમ પાસે પારૂલ બગીચા નજીક ગયો હતો ત્યાં નિલેશ ઉભો હતો. બાદમાં બંને વચ્ચે વોઇસ મેસેજ બાબતે થયેલી ગેરસમજ મુદ્દે સમાધાન થઈ ગયું હતું.
દરમિયાન નિલેશનો ભાઈ અજય એકટીવા લઈને આવ્યો હતો અને તે સીધો ગાળાગાળી કરવા લાગ્યો હતો અને યુવાન સાથે ઝપાઝપી કરી પેન્ટના નેફામાંથી છરી કાઢી યુવાનના પડખાનાભાગે છરીનો ઘા ઝીંકી કી દીધો હતો. બાદમાં તે આડેધડ છરી ફેરવવા લાગતા યુવાનના મિત્ર સંજય વચ્ચે હાથ નાખતા તેને આંગણાના ભાગે છરી વાગી ગઈ હતી તેમજ ઢીંચણના ભાગે પણ છરી મારી દીધી હતી. અજયને સમજાવા તેનો ભાઇ નિલેશ વચ્ચે પડતા તેને પણ સાથળનાભાગે છરી મારી દીધી હતી. ઝપાઝપી દરમિયાન ફરિયાદી હાર્દિક તથા નિલેશ ઓટલા ઉપર પડ્યા હતા.
દરમિયાન અહીં લોકો એકત્ર થઈ જતા તેમણે છોડાવ્યા હતા. બાદમાં યુવાન તથા તેના મિત્ર સંજયને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે મધુરમ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ યુવાને આ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નિલેશ ચૌહાણ અને તેના ભાઈ અજય ચૌહાણ વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.