BREAKING NEWS

રાજકોટ મ્યુનિ.જનરલ બોર્ડ પૂર્વે પ્રજાના પ્રશ્ને કોંગ્રેસનું હલ્લાબોલ, 30ની ટીંગાટોળી કરી અટકાયત

  • August 20, 2026 03:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં પીવાનું પ્રદૂષિત પાણી, ખાડાયુક્ત રસ્તાઓ, રોગચાળો, અધૂરી પ્રિમોન્સૂન કામગીરી તેમજ મહાપાલિકામાં કથિત ભ્રષ્ટાચાર સહિતના પ્રજાલક્ષી પ્રશ્નોને લઈને આજે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મહાનગરપાલિકા ખાતે ઉગ્ર વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાની આગેવાની હેઠળ યોજાયેલા વિરોધ દરમિયાન પોલીસ દ્વારા શહેર પ્રમુખ સહિત આશરે ૩૦ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ મહાનગરપાલિકા ખાતે પહોંચીને શહેરની વિવિધ સમસ્યાઓ અંગે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ચોમાસાની શરૂઆત સાથે જ મનપાની પ્રિમોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખુલી ગઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં ગંદુ અને દુર્ગંધયુક્ત પીવાનું પાણી મળી રહ્યું છે, જ્યારે રસ્તાઓ પર પડેલા અસંખ્ય ખાડાઓથી વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન છે.

કોંગ્રેસે વધુમાં જણાવ્યું હતું કે પ્રિમોન્સૂન કામગીરી પાછળ મોટા દાવા કરવામાં આવ્યા હોવા છતાં શહેરની વર્તમાન સ્થિતિ જોતા મોટાભાગની કામગીરી કાગળ પર જ રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ચોમાસામાં ગંદકી અને દૂષિત પાણીની સમસ્યાને કારણે રોગચાળો પણ વકર્યો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. અખબારી અહેવાલોને ટાંકીને કોંગ્રેસે છેલ્લા એક સપ્તાહમાં 1500થી વધુ રોગચાળાના કેસ નોંધાયા હોવાનો દાવો કર્યો હતો.

મેગા ડિમોલેશનની SIT મુદ્દે પણ સવાલ

તાજેતરમાં શહેરમાં થયેલા મેગા ડિમોલેશન બાદ જવાબદારી નક્કી કરવા રચાયેલી SIT અંગે પણ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસનો આક્ષેપ છે કે SITની રચના થયા બાદ પણ આજદિન સુધી જવાબદારો સામે અસરકારક કાર્યવાહી જોવા મળી નથી. આથી SITની કાર્યવાહી માત્ર લોકોનો રોષ શાંત કરવા પૂરતી રહી હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો.

શહેર કોંગ્રેસે અગાઉ જનરલ બોર્ડની બેઠક સમયે ત્રિકોણ બાગ ખાતે ‘જનઆક્રોશ ધરણા’ યોજીને ગંદુ પાણી, રસ્તાના ખાડા, ભ્રષ્ટાચાર, અધૂરી પ્રિમોન્સૂન કામગીરી સહિતના પ્રશ્નો ઉઠાવ્યા હતા. આમ છતાં સમસ્યાઓ યથાવત રહેતાં આજે ફરી મનપા ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

ભાજપના કોર્પોરેટરો વોર્ડમાંથી ગાયબ : રાજદીપસિંહ જાડેજા

શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, “રાજકોટની જનતા ગંદા પાણી, ખાડાયુક્ત રસ્તાઓ, રોગચાળો, અધૂરી કામગીરી અને ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે. પ્રજાના સુખાકારીના પ્રશ્નોને લઈને અવારનવાર મહાનગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં અનેક પ્રશ્નો આજે પણ યથાવત છે અને તંત્ર ભરનિંદ્રામાં હોય તેવી સ્થિતિ છે.”

તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી સમયે ભાજપના કોર્પોરેટરો મોટા વચનો આપે છે, પરંતુ આજે પોતાના જ વોર્ડમાંથી ગાયબ થઈ ગયા છે. પ્રજાએ ચૂંટીને મહાનગરપાલિકામાં મોકલેલા પ્રતિનિધિઓની પ્રથમ જવાબદારી પોતાના વિસ્તારના લોકોની સમસ્યાઓ ઉકેલવાની હોવી જોઈએ. શહેરમાં આરોગ્ય, સ્વચ્છતા, શુદ્ધ પીવાનું પાણી, રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવવું જોઈએ, પરંતુ આ મામલે તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.


“રાજકોટની જનતાને શુદ્ધ પીવાનું પાણી, સારા રસ્તાઓ અને જરૂરી પ્રાથમિક સુવિધાઓ નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસની લડત ચાલુ રહેશે,” તેમ ડૉ. જાડેજાએ જણાવ્યું હતું.


પ્રશ્નો નહીં ઉકેલાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ મહાનગરપાલિકા તંત્ર સમક્ષ શહેરના પ્રજાલક્ષી પ્રશ્નોનું તાત્કાલિક અને અસરકારક નિરાકરણ લાવવાની માંગ કરી હતી. સાથે જ ચેતવણી આપી હતી કે જો સમસ્યાઓનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર જનઆંદોલન કરવામાં આવશે.

વિરોધ કાર્યક્રમમાં જશવંતસિંહ ભટ્ટી, વશરામભાઈ સાગઠીયા, ડી.પી. મકવાણા, ગોપાલભાઈ અનગઢ, સંજયભાઈ અજુડિયા, વૈશાલીબેન શિંદે, જયદીપ મયાત્રા, હરદીપભાઈ રાઠોડ, આર્યનભાઈ કુરેશી, કરીનાબેન કુરેશી, હરેશભાઈ ભારાઈ, સુરેશભાઈ ગરૈયા, કનકસિંહ જાડેજા, ડાયાભાઈ શેઠિયા, દીપુબેન રવૈયા, નિલેશભાઈ મારુ, હીરાભાઈ પરમાર, હેમાંગીબેન ગોંડલિયા, સુનિલભાઈ ચાવડિયા, રસિકભાઈ ભટ્ટ, રણજીતભાઈ મુંધવા, જલ્પેશભાઈ વાઘેલા, સલીમભાઈ કારીયાણીયા, જીતુભાઈ રાઠોડ, ભાવેશભાઈ વાઘેલા, યજ્ઞેશભાઈ જોશી, નીતિનભાઈ ભંડેરી, યોગીતાબેન વાડોલિયા, રાજુભાઈ ચાવડા, હિરલબેન રાઠોડ, મેપાભાઈ કણસાગરા, ગૌરવભાઈ પુજારા, મયુરભાઈ શાહ, અલ્તાફભાઈ મેમણ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application