રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૬ના જંગલેશ્વર વિસ્તારમાં આજી નદી કાંઠે આવેલા રહેણાંક મકાનોને તાજેતરમાં રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર હેઠળની પૂર્વ ઝોન મામલતદાર કચેરી દ્વારા અંદાજે એકાદ હજાર મકાનોને તેમના મકાનો દબાણરૂપ હોવાની નોટિસ ફટકારી તા.૨૯ ડિસેમ્બર સુધીમાં દસ્તાવેજો સાથે જૂની કલેક્ટર કચેરીએ હાજર થવા ફરમાન કરવામાં આવતા તેમજ અગાઉ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ આજી રિવર ફ્રન્ટ પ્રોજેક્ટ માટે સર્વે કરી ડિમોલિશનની નોટિસ અપાઇ હોય આ મેગા ડિમોલિશનના વિરોધમાં આજે કોંગ્રેસની આગેવાનીમાં મહારેલી યોજાઇ હતી. કોઠારિયા રોડ ઉપર હુડકો પોલીસ ચોકી નજીકના ક્રિષ્ના ચોકથી સોરઠિયાવાડી ચોક સુધી રેલી યોજાઇ હતી. રેલીમાં મોટી સંખ્યામાં લતાવાસીઓ અને કોંગ્રેસના નેતાઓ તથા કાર્યકરો જોડાયા હતા. ધરતી અપને આપ કી નહીં કિસી કી બાપ કી...સુત્રોચ્ચાર સાથે મહારેલી યોજાઈ હતી. તેમજ ભાજપ સરકાર પર કોંગ્રેસના નેતાઓએ આકરા પ્રહારો કર્યા હતા.
કોંગ્રેસના નેતાઓ રેલીમાં જોડાયા
જંગલેશ્વરમાં મેગા ડિમોલિશનના વિરોધમાં યોજાયેલી મહારેલીના અનુસંધાને આજે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ તેમજ પ્રદેશના નેતાઓ રાજકોટ આવી પહોંચ્યા હતા અને આ મામલે કલેક્ટરને એવા મતલબની રજૂઆત કરી હતી કે મેગા ડિમોલિશન કરવામાં ન આવે અને જો કરવું જ પડે તેમ હોય તો પહેલા વૈકલ્પિક આવાસો કે જમીનની ફાળવણી કરવામાં આવે ત્યારબાદ જ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવે. ઉપરોક્ત રેલીમાં કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય નેતા લાલજીભાઈ દેસાઈ, કોંગ્રેસના પ્રદેશ નેતા અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્રવિજયસિંહ જાડેજા સહિતના નેતાઓ સાથે સ્થાનિક નેતાઓ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ, શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદીપસિંહ જાડેજા, જસવંતસિંહ ભટ્ટી, શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અતુલ રાજાણી, ડો.હેમાંગ વસાવડા, મહેશ રાજપૂત, મ્યુનિ.વિપક્ષી નેતા વશરામ સાગઠીયા,ડી.પી. મકવાણા સહિતના નેતાઓ જોડાયા હતા.
આવેદનપત્રમાં શું જણાવવામાં આવ્યું?
વિશેષમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો.રાજદીપસિંહ જાડેજાના લેટરપેડ ઉપર તેમની સહી સાથે રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.ઓમપ્રકાશને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, કલેક્ટર તંત્ર દ્વારા ઉપરોક્ત વિસ્તારમાં લગભગ ૬૦૦૦ હજાર કુટુંબ પૈકી ૧૩૦૦ ૧૪૦૦ કુટુંબને નોટિસ આપવામાં આવી છે. આ ટીપી સ્કીમ પ્રારંભિક તબક્કે તે જમીન પર દબાણ દેખાડવામા આવ્યુ હતુ. અહી વસતા લગભગ ૩૫૦૦૦ હજાર લોકો ને કે જે ૪૦થી ૫૦ વર્ષ થી ત્યા વસે છે. તેમને દૂર કરી સરકાર ત્યા શું કરવા માગે છે તે સ્પષ્ટ કર્યા વગર આવુ શા માટે કરી રહ્યા છો તે ના સમજાય તેવી વાત છે. અમારી જાણ મુજબ ત્યાં આજી રિવર ફ્રન્ટ બનાવવા અર્થે કામગીરી થઈ રહી છે તેમ જાણવા મળે છે. રીવર ફ્રન્ટ માટે આટલી મોટી જગ્યાની જરૂરિયાત રહેતી નથી. સાંપ્રત સરકાર પીપીપી યોજના જેવા રૂપકડા નામ સાથે લોકોના કાયેદસર મકાનો પાડી બિલ્ડરોને ફાળવી મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તે વાત પણ આપથી અજાણ નહીં હોય ત્યારે અન્ય જગ્યાનો લોકહિત માટે શું ઉપયોગ કરવાના છો તે સ્પષ્ટ થતું નથી. આ જમીન પર દબાણ થયુ ત્યારે આપનું તંત્ર શું કરી રહ્યું હતુ અને તેમાં કોણ જવાબદાર હતુ, તેની સામે શું પગલા લેવામા આવ્યા તે જણાવશો. આ જમીન પર વસતા ૩૫૦૦૦ હજાર લોકો જે પોતાની રોજી રોટી કમાવા ૪૦ ૫૦ વર્ષથી અહીં વસે છે .જે પૈકી કોઈ મજૂર, ફેક્ટરીમા કામદાર, સફાઈ કર્મી, ડ્રાઇવર, કડિયાકામ કરે છે. રિવર ફ્રોન્ટ જેવા રૂપાળા નામથી અન્ય લોકોને વિકાસની વાત સમજાવી બીજેપી સરકાર તંત્રનો ઉપયોગ કરી મોટો ભ્રષ્ટાચાર કરવા ઈચ્છે છે. ઉપરોક્ત મામલે લોક હિતમાં કાર્યવાહી કરશો સરકાર આપની બદલી કરવાથી વિશેષ કંઇ કરી શકે નહીં તે કવચ પણ બંધારણે તમને પુરુ પડ્યું છે ત્યારે, બીજેપીના ભ્રષ્ટાચાર કરતા ૩૫૦૦૦ લોકો બેઘર ના થાય તે જરૂરી હોય તે પ્રમાણે નિર્ણય લ્યો તેવી અમારી અપેક્ષા છે તેમ અંતમાં જણાવ્યું છે.