દેશમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા (એસઆઈઆર) પ્રક્રિયા દરમિયાન અંદાજે ૧૩ કરોડ મતદારોના નામ ગેરકાયદેસર રીતે રદ કરવામાં આવ્યા હોવાના ગંભીર આરોપો સાથે કોંગ્રેસે દેશવ્યાપી આંદોલન શરૂ કર્યું છે. કેન્દ્ર સરકારના કથિત દબાણ હેઠળ ચૂંટણી પંચની તટસ્થતા જોખમાઈ હોવાનો આક્ષેપ કરીને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના તાત્કાલિક રાજીનામાની માગ સાથે કોંગ્રેસ આક્રમક મૂડમાં આવી ગઈ છે. સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શનો યોજવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલા વિરોધ કાર્યક્રમોના ભાગરૂપે અમદાવાદ ખાતે એક વિશાળ રેલી યોજી હતી. સરદાર બાગ પાસે પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ કાર્યકરોએ અચાનક મુખ્ય ચૂંટણી કમિશનરનું પૂતળું પણ સળગાવ્યું હતું, જેના કારણે કાયદો અને વ્યવસ્થા જાળવવા દોડી આવેલી પોલીસમાં પણ થોડીવાર માટે દોડધામ મચી ગઈ હતી.
પતંગ હોટેલથી શરૂ થયેલી આ રેલીમાં કોંગ્રેસના અગ્રણી નેતાઓ અને કાર્યકરો કાળા કપડાં પહેરીને, હાથમાં બેનરો લઈને અને જોરદાર નારેબાજી સાથે રૂપાલી સિનેમા સુધી પહોંચ્યા હતા. ત્યારબાદ સરદાર બાગ ખાતે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના તમામ નેતાઓ અને કાર્યકરો 'મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને જેલમાં બંધ કરવામાં આવે' તેવા પોસ્ટરો સાથે ધરણા પર બેસી ગયા હતા.
વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર અને ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભારતની ગલી-ગલીમાં આજે એક જ નારો છે કે વોટ ચોરી કરીને દેશ સાથે ગદ્દારી કરનારા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. બંધારણે દેશના દરેક નાગરિકને આપેલી મતાધિકારની શક્તિની રક્ષા કરવાની પ્રાથમિક જવાબદારી ચૂંટણી પંચની છે, પરંતુ મોદી સરકારે ચૂંટણી પંચને પોતાની કઠપૂતળી બનાવી દીધી છે અને છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપને રાજકીય ફાયદો પહોંચાડવા માટે ચૂંટણી પંચ માધ્યમ બની રહ્યું છે.
ચાવડાએ વધુમાં આરોપ લગાવ્યો હતો કે, રાહુલ ગાંધીએ ૨૦૨૩થી જ હકિકતો અને પુરાવાઓ સાથે આ મુદ્દો ઉઠાવ્યો છે, પરંતુ સરકારે તેને માત્ર વિપક્ષના આક્ષેપો ગણાવીને ફગાવી દીધા હતા. તેમણે દાવો કર્યો હતો કે એસઆઈઆરની કામગીરી દરમિયાન ભાજપને ચૂંટણીમાં લાભ પહોંચાડવાના હેતુથી સાચા મતદારોના નામ કાપી નાખવામાં આવ્યા છે અને ખોટા મતો ઉમેરવામાં આવ્યા છે. પંચના ત્રણ ચૂંટણી અધિકારીઓ પૈકી બે અધિકારીઓએ પણ અનેક વખત ધ્યાન દોર્યું હતું કે મુખ્ય ચૂંટણી કમિશનર ખોટી રીતે અને સરકારના ઇશારે કામ કરી રહ્યા છે.
કોંગ્રેસે સ્પષ્ટ માગણી કરી છે કે દેશની લોકશાહી અને ચૂંટણી વ્યવસ્થાને દૂષિત કરનારા તથા નાગરિકોનો મતાધિકાર છીનવી લેનારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનું તાત્કાલિક રાજીનામું લેવામાં આવે અને તેમની સામે કાનૂની કાર્યવાહી કરીને જેલમાં ધકેલવામાં આવે