રાજકોટમાં આજી નદી કાંઠાના જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં તંત્ર દ્વારા ડિમોલિશનની નોટિસ પાઠવવામાં આવી છે. જેને લઈને કોંગ્રેસ દ્વારા આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે એ પહેલા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. અહીં કોંગ્રેસના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે, કમનસીબે ગુજરાતમાં IPS અને
IAS અધિકારીઓ ભાજપના ભ્રષ્ટાચારના કહ્યાગરા કંસ બની ગયા છે. હવે લોકોની અદાલત જ આમાં કામ કરી શકે તેમ છે. છતાં એક પ્રક્રિયાના ભાગરૂપે અમે આવેદન આપવા આવ્યા હતા.
આ જમીન પર દબાણ થયું ત્યારે તમારુ તંત્ર શું કરી રહ્યું હતું
ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ આવેદનપત્ર વાંચી સંભળાવ્યું હતું. જેમાં જણાવાયું છે કે, આપના તંત્ર દ્વારા છ હજાર પૈકી 1400 જેટલા લોકોને ડિમોલિશનની નોટિસ આપી છે. અહીં લગભગ વરસા 35000 લોકોને દૂર કરવા શું માંગે છે એ સ્પષ્ટ કર્યા વગર આવું શું કામ કરો છો. રિવરફ્રન્ટ બનાવવા માટે નોટિસ આપેલ છે. રિવરફ્રન્ટ બનાવવા માટે આટલા મકાનો પાડી બિલ્ડરોને ફાળવી મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે આ વાતથી તમે અજાણ નહીં હોય. આ જમીન પર દબાણ થયું ત્યારે તમારુ તંત્ર શું કરી રહ્યું હતું અને તેમાં કોણ જવાબદાર હતું. આ જમીન પર 35 હજાર લોકો પેઢીઓથી રહે છે. તેમાં કોઈ મજૂર, ફેક્ટરીમાં કામદાર, ડ્રાઈવર, કડિયા જેવા કામ કરી આજના રાજકોટના નિર્માણમાં મુખ્ય ફાળો આપી રહ્યા છે. તેમનો 25થી 50 વાર જગ્યાનો અધિકાર છે તે અમે માનીએ છીએ. સરકાર તમારી બદલી કરવાથી વિશેષ કાંઈ કરી શકે નહીં. ભાજપના ભ્રષ્ટાચાર કરતા 35 હજાર લોકો બેઘર ન થાય તે જરૂરી હોય તે પ્રમાણે નિર્ણય લો તેવી અમારી માંગણી છે.
ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે પાંચથી સાત હજાર ઘરમાં આગ ન ચાંપે એની તકેદારી રાખવાની જવાબદારી કલેક્ટરની છે. પોલીસ કમિશનરને કહીશ કે ભાજપ ભ્રષ્ટાચાર કરે છે એ બાબતથી તમે પણ વાકેફ છો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવવાના છે. જો કોઈ વિકલ્પ નહીં બચે તો અમે ટોળું લઈ તેમને રજૂઆત કરીશું.
ગરીબોના ઘર પર બૂલડોઝર ફેરવવું એ ગેરબંધારણીય
જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, ગરીબોના ઘર પર બૂલડોઝર ફેરવવું એ ગેરબંધારણીય અને અમાનવીય છે. એક પણ માણસનું ઘર તોડવામાં આવે નહીં તેવી અમારી માંગણી છે. બૂલડોઝર ફરવું જોઈએ પણ કોઈની છાતી પર નહીં. ગરીબ, વંચિત લોકોની છાતી પર બૂલડોઝર ફેરવવું યોગ્ય નથી. જૂનાગઢ ભાજપ કાર્યાલયનો એકબાજુનો ભાગ ગેરકાયદેસર છે ત્યાં બૂલડોઝર ફરતું નથી.