રાજકોટ શહેરમાં ગઈકાલે રાત્રે એક નાટ્યપ્રદર્શનને લઈને ભારે વિવાદ અને રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે યોજાનાર ‘હું નથુરામ ગોડસે’ નાટકનો શો શરૂ થાય એ પહેલાં જ રાજકોટ શહેર કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વિરોધ દરમિયાન કાર્યકર્તાઓ હોલની અંદર સ્ટેજ સુધી પહોંચી ગયા હતા અને સેટ પર તોડફોડ કરવામાં આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
હોલની અંદર હાજર પ્રેક્ષકોમાં પણ ગભરાટ ફેલાયો
કોંગ્રેસ કાર્યકર્તાઓનો આક્ષેપ હતો કે મહાત્મા ગાંધી આપણા રાષ્ટ્રપિતા છે અને આ નાટક દ્વારા ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેને ઉંચા દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે તેઓ ક્યારેય સહન નહીં કરે. કોંગ્રેસે સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં જ્યાં પણ આ નાટકનું આયોજન થશે ત્યાં તેઓ વિરોધ નોંધાવશે અને નાટક થવા દેશે નહીં. વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બનતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો. પોલીસે તોડફોડ અને વિરોધ કરી રહેલા આશરે 40 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. ઘટનાને પગલે હોલની અંદર હાજર પ્રેક્ષકોમાં પણ ગભરાટ ફેલાયો હતો.
અંતિમ ઘડીએ શો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો
ભારે વિરોધ અને તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાટકના આયોજકો દ્વારા અંતિમ ઘડીએ શો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આયોજકોએ નાટક જોવા આવેલા પ્રેક્ષકોની ક્ષમા માગી હતી તેમજ ટિકિટના સંપૂર્ણ રિફંડ આપવાની જાહેરાત કરી હતી. શો રદ થવાના નિર્ણયથી કેટલાક પ્રેક્ષકો નારાજ થયા હતા અને શો ચાલુ રાખવાની માંગ પણ કરી હતી, પરંતુ સુરક્ષાના કારણોસર શો શક્ય ન હોવાનું જણાવવામાં આવ્યું હતું.
ચર્ચા દ્વારા મુદ્દો ઉકેલી શકે, હિંસા યોગ્ય નથી
નાટકના પ્રોડ્યુસર સેજલ પેઈન્ટરે આ સમગ્ર ઘટના અંગે જણાવ્યું હતું કે, વિરોધ કરી રહેલા લોકો પોતાને ગાંધીવાદી કહી રહ્યા છે પરંતુ હિંસાનો માર્ગ અપનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે બાપુનો પ્રિય ચરખો જે સેટ પર હતો તેને પણ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સાચા ગાંધીવાદી હોય તો ચર્ચા દ્વારા મુદ્દો ઉકેલી શકે, હિંસા યોગ્ય નથી. તેમણે વધુમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે નાટકમાં કોઈને હીરો કે વિલન બનાવવાનો પ્રયાસ નથી. નાટકમાં માત્ર ગોડસેના દૃષ્ટિકોણને રજૂ કરવામાં આવ્યો છે, જેમાં તે પોતે સ્વીકારે છે કે ગાંધીજીની હત્યા કર્યા બાદ તેને સજા ભોગવવી જ પડશે. લોકો નાટક જોઈને સમજે તો સાચો સંદેશ સ્પષ્ટ થાય. આ સમગ્ર ઘટનાએ રાજકોટમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા, ઐતિહાસિક પાત્રોની રજૂઆત અને રાજકીય વિરોધની સીમાઓ અંગે ફરી એકવાર ચર્ચા જગાવી છે.