રાજકોટમાં ગઇકાલે મહાપાલિકાની ચૂંટણી દરમિયાન હુમલાની ઘટના બની હતી. શહેરના લક્ષ્મીવાડી વિસ્તારમાં વોર્ડ ન.૧૪ ના ભાજપના આગેવનને કોંગ્રેસી ઉમેદાવરના કાર્યકર ચાવડીયા બંધુઓએ ઢીકાપાટુ અને કડા વડે મારમાર્યો હતો. બાદમાં આગેવાનના ભત્રીજા, મોટા ભાઇ અને એક અન્ય કાર્યકરને પણ આ શખસોએ મારમાર્યો હતો. જે અંગે ભકિતનગર પોલીસે આઠ શખસો સામે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. મતદાન પૂરૂ થયા બાદ ભાજપના આગેવાન પક્ષને કેટલા મત મળ્યા તે જાણવા મતદાન મથકમાં જતા અને બાદમા કોંગ્રેસના કાર્યકર પર અહીં આવ્યા બાદમાં ડખ્ખો થયો હતો.
બનાવ અંગે ભાજપના આગેવાન વિપુલભાઈ રામજીભાઈ માખેલા(ઉ.વ.૫૨ રહે. લક્ષ્મીવાડી મેઇન રોડ, રાજકોટ) દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે સની ચાવડીયા, રાજન ચાવડીયા, બંટી ચાવડીયા, આશિષ ચાવડીયા, હિરેન ચાવડીયા, જીગ્નેશ ચાવડીયા, કલ્પેશ ચાવડીયા અને કાનિયો ચાવડીયાના નામ આપ્યા છે.
વિપુલભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ અગાઉ ભાજપમાં બક્ષીપંચ મોરચાના શહેર મંત્રી તરીકે હોદો ધરાવતા હતા અને હાલમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 14 ના ચૂંટણી સંયોજક તરીકે હોદ્દો ધરાવે છે અને સાથોસાથ વોર્ડ નંબર 14 ના ભાજપના ઉમેદવાર અરૂણાબેન સોનીના ચૂંટણી એજન્ટ તરીકે પક્ષ દ્વારા તેમની નિમણૂક કરવામાં આવી હતી.
ગઈકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત મતદાન હોય વોર્ડ નંબર 14માં ફરિયાદી ઉમેદવાર અરૂણાબેન સોનીના એજન્ટ હોય મતદાન પૂરૂ થયા બાદ મતદાન મથક પર ગિરનાર સોની સમાજની વાડી જે લક્ષ્મીવાડી મેઈન રોડ પર જે તેમના ઘરની બિલકુલ સામે આવેલ હોય ત્યાં સાંજના છેક વાગ્યે કેટલા ટકા મતદાન થયું છે. તેના આંકડા લેવા માટે મતદાન મથક પર ગયા હતા દરમિયાન અજાણ્યા શખસો મતદાન મથકની અંદર આવતા ત્યાં હાજર મહિલા પોલીસ કર્મચારીઓએ ફરિયાદી તથા અજાણ્યા શખસોને બહાર જવાનું કહેતા આ શખસો ફરિયાદી સાથે બોલાચાલી કરી ઝઘડો કરવા લાગ્યા હતા. ત્યારબાદ મતદાન મથકની બહાર રોડ પર આ ચાવડીયા બંધુઓએ ફરિયાદી પર હુમલો કર્યો હતો.
જેમાં બંટીએ ફરિયાદીના ડોકના ભાગે વિખોડિયા ભરી લીધા હતા તેમજ અન્ય શખસોએ મૂંઢમાર માર માર્યો હતો દેકારો થતાં ફરિયાદીના મોટાભાઈ અનિલભાઈ ત્યાં સામે જ રહેતા હોય તે તથા ભત્રીજો રુદ્ર અનિલભાઈ માખેલા (ઉ.વ. 19) બચાવવા માટે આવતા આ શખસો પૈકી કોઈએ ફરિયાદીના ભત્રીજા રૂદ્રને માથામાં કડુ મારી દીધું હતું અને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. દરમિયાન ફરિયાદીના મોટાભાઈ અનિલભાઈ આવતા તેમને પણ વિખોડિયા ભરી કડાથી માર માર્યો હતો તેમજ પક્ષમાં સોશિયલ મીડિયાનું કામ સંભાળતા હિંમતભાઈ અહીં આવતા તેમને પણ આ લોકોએ માર માર્યો હતો. બાદમાં આ શખ્સો અહીંથી ચાલ્યા ગયા હતા. ત્યારબાદ ફરિયાદી સહિતનાઓને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.
ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે ફરિયાદી વોર્ડ નંબર 14 ના ભાજપના ઉમેદવાર અરુણાબેન સોનીના એજન્ટ હોય આજ વોર્ડમાં કોંગ્રેસ પક્ષમાંથી પ્રિતેશ ચાવડીયા ઉમેદવાર હોય આ કોંગ્રેસના ઉમેદવારના કાર્યકરોને મતદાન કોંગ્રેસ તરફ ન હોય તેવું સમજી ગેરકાયદે મંડળી રચી ફરિયાદી તથા તેમના મોટાભાઈ તેમના ભત્રીજા અને અન્ય એક કાર્યકર પર હુમલો કરી તેને ઢીકાપાટુનો મારમાર્યો હતો જે અંગે પોલીસે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.