રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં બાંધકામ, રિનોવેશન અને નવા ભવનોના નિર્માણમાં થતી અનિયમિતતાઓ અટકાવવા ઉચ્ચ શિક્ષણ વિભાગે કડક વલણ અપનાવ્યું છે. વિભાગે તમામ સરકારી યુનિવર્સિટીઓને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે સરકારના બજેટમાંથી નાણાંની ફાળવણી કરવામાં આવી હોય તેવા તમામ બાંધકામનાં કામ ફરજિયાત પીડબલ્યુડી (માર્ગ અને મકાન વિભાગ) મારફતે જ કરાવવાનાં રહેશે. યુનિવર્સિટીઓ પોતાની રીતે ખાનગી એજન્સીઓને કામગીરી સોંપી શકશે નહીં.
વિભાગની અગાઉની સૂચનાઓ છતાં કેટલીક યુનિવર્સિટીઓ ખાનગી એજન્સીઓ મારફતે બાંધકામ કરાવતી હોવાનું ધ્યાન પર આવતાં આ નવો આદેશ કરવામાં આવ્યો છે. ખાસ કરીને સરકારી ગ્રાન્ટમાંથી બાંધવામાં આવતાં ભવનો, રિનોવેશન અને અન્ય માળખાકીય સુવિધાઓનાં કામમાં નાણાકીય શિસ્ત, ગુણવત્તા અને પારદર્શિતા જળવાય તે માટે આ નિર્ણય લેવાયો છે. બજેટ મંજૂર થયા બાદ યુનિવર્સિટી દ્વારા પોતાની રીતે ખાનગી એજન્સીને સોંપવામાં આવેલી કામગીરીને માન્યતા આપવામાં આવશે નહીં તેવી પણ સ્પષ્ટતા કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે, સરકારી યુનિવર્સિટીઓમાં બાંધકામની કામગીરીને લઈને અગાઉ પણ ગેરરીતિ અને ભ્રષ્ટાચારની ફરિયાદો ઊઠી ચૂકી છે. આથી ઉચ્ચ શિક્ષણ વિભાગે અગાઉ પણ તમામ યુનિવર્સિટીઓને બાંધકામની પ્રક્રિયા પીડબલ્યુડી હસ્તક રાખવા સૂચના આપી હતી. જોકે, આ સૂચનાઓનું પૂરતું પાલન થતું ન હોવાની બાબતને ગંભીરતાથી લઈને હવે ફરીથી કડક તાકીદ કરવામાં આવી છે.
બીજી તરફ, રાજ્યની વિવિધ સરકારી યુનિવર્સિટીઓમાં આગામી સમયમાં જરૂરી માળખાકીય સુવિધાઓ અને આગામી બજેટની જોગવાઈ અંગે સમીક્ષા હાથ ધરવામાં આવશે. આ માટે યુનિવર્સિટીના સત્તાધીશોને ઉચ્ચ શિક્ષણ વિભાગ સમક્ષ પ્રેઝન્ટેશન આપવા બોલાવવામાં આવ્યા છે. સંબંધિત અધિકારીઓને પણ હાજર રહેવા સૂચના અપાઈ છે. આ બેઠકમાં યુનિવર્સિટીઓની જરૂરિયાતો ઉપરાંત બાંધકામ અંગે અગાઉ આપવામાં આવેલી સૂચનાઓના અમલની પણ સમીક્ષા થઈ શકે છે.
આમ, હવે સરકારી નાણાંમાંથી થતાં યુનિવર્સિટીઓનાં બાંધકામમાં પીડબલ્યુડીની ભૂમિકા ફરજિયાત બનતાં ખાનગી એજન્સીઓને સીધી કામગીરી સોંપવાની પ્રથાને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.